પેટાળમાં સળવળાટ: રાજ્યમાં છેલ્લા ૩ દિવસમાં ભૂકંપના છ આંચકા
સવારે ૭:૪૦ વાગ્યે રાજકોટથી દક્ષિણ પશ્ર્ચિમાં ૧૮ કિમી દૂર ભાયાસર ગામે કેન્દ્રબિંદુ નોંધાયું: ૩ સેક્ધડ સુધી ધરા ધ્રૂજી: અવાજ સાથે ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા
એકબાજુ કોરોનાની મહામારી અને વરસાદ વચ્ચે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગોંડલ, રાજકોટ, જસદણ તેમજ અમરેલી સહિતમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજી હતી. રાજકોટમાં સવારનાં ૭ વાગ્યે ૪૦ મિનિટની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લગભગ ૩થી ૪ સેક્ધડ સુધી ૪.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોઅનુભવાયો હતો. જેથી લોકો ઘર તેમજ પોતાની દુકાનોની બહાર આવી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી ૧૮ કિલોમીટર દૂર ભાયાસર ગામે નોંધાયું છે.રાજકોટમાં કોઇ જગ્યા પર નુકસાની ન થઈ હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ ટ્વીટ કરી માહિતી આપી છે.
સીસમોલોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, રાજકોટમાં સવારે ૭.૪૦કલાકે ૪.૮ની તીવ્રતાનો ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. આ આંચકાને કારણે લોકો ઘરની બહાડ દોડી ગયા હતા. રાજકોટવાસીઓમાં હાલમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૬ દિવસમાં રાજ્યમાં ભૂકંપના છ આંચકા અનુભવાયા હતા. જેને લઇ લોકો ભયભીત છે મોડીરાત્રે ૧.૧૯ વાગ્યે કરછના ભચાઉમા ૧.૨ની તીવ્રતાનો અને ત્યારબાદ ૧:૫૪ વાગ્યે દિશાથી ૨૬ કિમી દૂર ૧.૮ની તીવ્રતાનો આંચકો અનુભવ્યા બાદ આજે સવારે રાજકોટથી ૧૮ કિમી દૂર ભાયાસર ગામે ૪.૮ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ભયભીત થઈ ગયા હતા. આ આંચકાની તીવ્રતા વધુ હોય મીઠી નિદ્રા માણી રહેલા લોકો સફાળા જાગી ગયા હતા. લગભગ ૩ થી ૪ સેક્ધડ સુધી અવાજ સાથે આંચકો અનુભવતા લોકોમાં ગભરાહતનો માહોલ ફેલાયો હતો અને ૨૦૦૧ના ભૂકંપની યાદ તાજા થઈ હતી.
રાજકોટ ઉપરાંત ગોંડલ તાલુકાના કેટલાક ગામડાઓમાં પણ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જેતપુર અને વીરપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ધોરાજી, સાવરકુંડલા અને જૂનાગઢના કેટલાક વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જસદણ અને અમરેલીના પણ કેટલાક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગોંડલના સંગ્રામસિંહજી હાઈસ્કૂલનો ઐતહાસિક ટાવર ધ્રૂજી ઉઠયાનું વોકિંગ કરી રહેલા રણવિરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ખીરસરા, મેટોળા, મોટાવડ, દેવગામ, રાતૈયા, બાલાસર, કોઠાપીપળીયા તેમજ લોધીકા સહિતના તાલુકામાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
રાજ્યમાં છેલ્લા ૩ દિવસમાં ભૂકંપના છ આંચકા નોંધાયા છે અને આજે વહેલી સવારે આવેલા આંચકાએતો ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ની યાદ સાથે લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.
મુખ્યમંત્રી રૂપાણીએ ભૂકંપને પગલે જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલા ૪.૮ની તીવ્રતાના ભૂકંપના આંચકાની વિગતો રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરનાંજિલ્લા કલેકટરો પાસેથી ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી પણ આભૂકંપના આંચકાઓને કારણે જો કોઈ નુકસાન થયું હોય તો તેની વિગતો મેળવીને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચનાઓ કલેકટરોને આપી હતી.
ફ્લેટમાં તિરાડો પડી
આજે સવારે આવેલા ભૂકંપના આંચકાથી જસદણના અનેક ફ્લેટમાં રહીશોના મકાનમાં તિરાડો પડી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જો કે ભૂકંપની તીવ્રતા વધુ હોય લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.