ભૂકંપ બાદ દરિયામાં ૩ ફૂટ ઊંચા મોજા ઉછળયાં: દરિયાકિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું
ન્યૂઝીલેન્ડના દક્ષિણમાં બુધવારે સાંજે આવેલા શક્તિશાળી ભૂકંપ પછી તે વિસ્તારમાં સુનામીનું જોખમ જોવા મળી રહ્યું છે. સાઉથ પેસિફિકના ન્યૂ કેલેડોનિયા આઈલેન્ડમાં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. એ બાદ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ફિઝીમાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું જો કે, ભૂકંપના કારણે સુનામીની દહેશતને પગલે જારી કરવામાં એલર્ટ પાછું ખેંચી લેવામાં આવ્યું છે.
સુનામી વોર્નિગ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ પછી ૩ ફૂટ ઊંચાં મોજાંઓ ઊઠ્યાં હતાં. જેનાથી ન્યૂઝીલેન્ડ, ફિઝી અને વાનુઅતમાં વધુ જોખમ છે. આ વિસ્તારમાં શક્તિશાળી ભૂકંપથી અનેક આઈલેન્ડ્સને મોટું જોખમ છે. યુ.એસ. જિયોલોજિકલ સર્વે મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ કેલેડોનિયાથી ૪૧૫ કિલોમીટર દૂર સમુદ્રમાં ૧૦ કિલોમીટરની અંદર નોંધાયું હતું.ભયાવહ ભૂકંપને પગલે જિયોલોજીકલ વિભાગ દ્વારા દરિયાકિનારા વિસ્તારોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે તમામ નાગરિકોને દરિયા કિનારે નહીં જવા અપીલ કરાઈ હતી. જિયોલોજીકલ વિભાગે સુનામીનો એલર્ટ પણ જાહેર કર્યો હતો. જે બાદ ફરીવાર વિભાગ દ્વારા ભૂકંપને કારણે સમુદ્રમાં કોઈ મોટી અસર નહીં સર્જવાના રિપોર્ટ સાથે સુનામીની એલર્ટ પાછી ખેંચી લેવામાં આવી છે.
ફ્રાંસ માટે ઘણો જ ખાસ છે આ આઈલેન્ડ
દક્ષિણી પ્રશાંત મહાસાગરમાં આવેલો ન્યૂ કેલેડોનિયા ફ્રાંસની ટેરિટરીમાં આવે છે. એક અનુમાન મુજબ દુનિયામાં નિકલના કુલ ભંડારનો લગભગ ૧૦% જ અહીંથી મળે છે. નિકલ ઈલેક્ટ્રોનિક્સ આઈટમમાં ઉપયોગ કરવામાં આવે છે. આ કારણે ફ્રાંસ માટે આ વિસ્તારનું ઘણું જ મહત્વ આપે છે. ચીનની વધતી એક્ટિવિટી વચ્ચે તેનું સામરિક મહત્વ પણ વધી ગયું છે. ન્યૂ કેલેડોનિયામાંથી નિકાસનો મોટો ભાગ ચીનમાં જાય છે.
રિંગ ઓફ ફાયર પર સ્થિત છે સમગ્ર વિસ્તાર
ન્યૂઝીલેન્ડ, વનુઆતુ અને બીજા પ્રશાંત દ્વીપોમાં ભૂકંપ આવવાની શક્યતા હંમેશા હોય છે. આ વિસ્તાર મહાસાગરના ચારે બાજુ અને ભૂકંપીય ફોલ્ટ લાઈનની એક ઘોડાની નાળના આકારની શ્રૃંખલા “રિંગ ઓફ ફાયર”ની પાસે સ્થિત છે.