- તમામ ફલેટ પર નોટીસ ચોટાંડી દેવાય: માલ સામાન ફેરવવા 48 કલાકનો સમય અપાયો
- દુધસાગર રોડ પર આકાશ દિપ સોસાયટીમાં
- ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રિ-ડેવલપમેન્ટ હાથ ધરવાનું હોય હાલ કવાર્ટર તોડાશે નહીં
શહેરના વોર્ડ નં.6 માં દુધસાગર રોડ પર ડેરી લેન્ડ વિસ્તારમાં આકાશ દીપ સોસાયટીમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના 696 જર્જરીત અને ભયગ્રસ્ત ફલેટને આગામી સોમવારે કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવશે. ભયગ્રસ્ત ફલેટ તોડી પાડવા અથવા રિપેર કરાવવા વારંવાર નોટીસ આપવા છતાં કોઇ જ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા કોર્પોરેશન દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે. 48 કલાકમાં માલ સામાન ફેરવી ફલેટ ખાલી કરવા આખરી નોટીસ તમામ આવાસ પર ચોંટાડી દેવામાં આવી છે. સોમવારથી સીલીંગ કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે વધુ માહીતી આપતા કોર્પોરેશનની ઇસ્ટ ઝોન કચેરીના સિટી એન્જીનીયર પરેશ અઢીયાએ જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં.6 માં દુધસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા અંદાજે 50 વર્ષ પૂર્વે આવાસ યોજના બનાવવામાં આવી હતી. જેમાં કુલ 58 વીંગમાં 696 ફલેટ આવેલા છે. જે હાલ અતિ જર્જરીત બની ગયા છે.
વર્ષ 2016 થી દર વર્ષ ચોમાસાની સીઝન પહેલા કોર્પોરેશન દ્વારા આવાસ ધારકોને નોટીસ ફટકારી ફલેટનો જર્જરીત કે ભયગ્રસ્ત ભાગ દુર કરવા નોટીસ આપવામાં આવતી હતી. છતાં કોઇ જ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. જીપીએમસી એકટની કલમ 268 મુજબ ભયગ્રસ્ત આવાસ ખાલી કરાવવા માટે એકાદ પખવાડીયા પૂર્વ ફરી નોટીસ આપવામાં આવી હતી. છતાં કોઇ ક પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોય ચોમાસા પૂર્વ આ ભયગ્રસ્ત આવાસ ખાલી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં વસવાટ કરતા લોકોને માલ સામાન ફેરવી લેવા 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે. આજે સવારથી કોર્પોરેશન દ્વારા 696 આવાસ પણ નોટીસ ચોડાવવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. સોમવારે પોલીસને સાથે રાખી આવાસ ખાલી કરાવવા અને સીલ કરવાની કામગીરી શરુ કરવામાં આવશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટર હોવાના કારણે આવાસ ધારકોને બદલામાં નવા કવાર્ટર આપવાની કે અન્ય કોઇ વૈકલ્પીક વ્યવસ્થા કરવાની કોઇ જ સત્તા નથી. જો વધુ ખતરો દેખાય તો કોર્પોરેશન ચોકકસ આ આવાસ યોજનાનું ડીમોલીશન પણ કરી શકે છે પરંતુ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આ આવાસ યોજનાને રિ-ડેવલેપમેન્ટમાં લઇ જવામાં આવનાર છે. જો આવામાં કોર્પોરેશન દ્વારા ભયગ્રસ્ત આવાસો તોડી પાડવામાં આવે તો રી-ડેવલપમેન્ટ દરમિયાન અહી વસવાટ કરતા લોકોના આધાર – પુરાવા મેળવવામાં મુશ્કેલી ઉભી થાય. જેટલા કવાર્ટર છે તેનાથી વધુ લોકો પોતાનું આવાસ હોવાનો દાવો રજુ કરે તો તંત્રની પરેશાનીમાં વધારો થાય આ તમામ બાબતોને ઘ્યાનમાં રાખી હાલ માત્ર ભયગ્રસ્ત ફલેટ ખાલી કરી સીલ કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાત હાઉસીંગ બોર્ડને રિ-ડેવલેમેન્ટ પ્રોજેકટ માટે કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારનો સહયોગ પણ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2016 થી દર વર્ષ ચોમાસા પૂર્વ ગુજરાત હાઉસીંગ બોર્ડના દુધ સાગર રોડ પર આવેલા 696 ભયગ્રસ્ત ફલેટને નોટીસ આપવામાં આવે છે. ત્યારબાદ માનવીય અભિગમ દાખવતા કોર્પોરેશનના તંત્ર દ્વારા કોઇ આકરી કાર્યવાહી કરવામાં આવતી નથી. ટીઆરપી ગેમ ઝોનમાં માનવ સર્જીત આફત ગણી શકાય તેવા અગ્ની કાંડની ઘટનામાં ર8 લોકોના મોત નિપજયા હતા હવે કોર્પોરેશનની બેદરકારીના કારણે ભવિષ્યમાં આવી જીવલેણ દુર્ધટના ન સર્જાય તે માટે તંત્ર ગંભીર બન્યું છે.
ભયગ્રસ્ત આવાસમાં વસવાટ કરતા લોકો જાતે જ આવાસ ખાલી કરે તે માટે 696 ફલેટના વીજ જોડાણ અને નળ જોડાણ કાંપી નાંખવામાં આવ્યા છે. આજથી નોટીસ ચોડાવવાનું પણ શરુ કરી દેવામાં આવ્યું છે. હવે સોમવારથી તમામ આવાસ ખાલી કરી સીલ કરવાની કામગીરી શરુ કરાશે.
નળ વીજ જોડાણ કપાતા ભારે હેરાનગતિ: લાભાર્થી
લાભાર્થી સાકેતભાઇએ અબતક સાથે વાતચીનમાં જણાવ્યું હતું અમને 2016માં નોટીસ મળી હતી. તેના લીધે લોકોએ 70 થી 75 ટકા રિનોવેશન કરાવ્યું છે. છતાં પણ નોટીસ ફટકારવામાં આવી છે. કે મકાન ભયજનક છે. જેથી મકાન ખાલી કરો. તો અમોને પહેલા ભાડા કરાર અને મકાનની સુવિધા આપો, અમે સરકારી કચેરી પાસેથી જવાબ મળ્યો નથી. અમારી એટલી જ માંગણી છે. કે અમને મકાન રિનોવેશન કરવાનો સમય આપો, ર4 કલાકથી વીજ અને પાણી કનેકશન કાપ્યું છે. જેને લીધે અમે હેરાનગતિ થઇ છે.
લાભાર્થીઓ માટે વૈકલ્પીક વ્યવસ્થા કરો: મનિષાબા વાળાની માંગણી
રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના અગ્રણી મનિષાબા વાળાએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આ આવાસ 40 થી પ0 વર્ષ જુના છે. 2016 થી નોટીસ આપવામાં આવી છે. 696 કવાર્ટરમાં 4000 થી વધુ લોકો રહે છે. તે વ્યકિતઓ માટે રહેઠાણની સુવિધા અને ભાડાની સુવિધા થાય પછી સીલીંગની કાર્યવાહી કરે જેથી લોકોને અગવડતા ના રહે, અને જો આ વાતનો ઉકેલ ન આવે તો અમારે આંદોલન કરવું પડશે.
તમામ આવાસ જર્જરિત – ભયગ્રસ્ત હોવાથી ખાલી કરાવવા જરૂરી: મ્યુનિ. કમિશ્નર
મ્યુનિ. કમિશ્નર દેવાંગ દેસાઇએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા અપાયેલા આવાસ હાલ ભયજનક છે. જીપીએમસી એકટ આવા આવાસનો ઉપયોગ કરતા અટકાવવા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાય છે. 58 બ્લોકમાં આવેલા 696 આવાસના વીજ જોડાણ અને નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. તમામ ફલેટ ખુબ જ ભયજનક સ્થિતિમાં હોવાના કારણે તેને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. જેના કારણે ભવિષ્યમાં કોઇ જાનહાની સર્જાવાની નોબત ન આવે.