‘એ’ ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે પરીક્ષાચોરી મોટો પડકાર: બી.એ., બી.સી.એ., બી.કોમ., બી.એસસી. સહિતના જુદા-જુદા કોર્ષની પરીક્ષાઓ શરૂ.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ પરીક્ષા ફીવર છવાયો છે. ગઇકાલે રાજયભરમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયા બાદ આજથી સૌરાષ્ટ્રમાં યુનિવર્સિટીની જુદા-જુદા કોર્ષની પરીક્ષાનો પણ પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોેલેજોના ૬૯,૨૮૫ વિદ્યાર્થીઓ આજથી પ્રથમ તબક્કાની પરીક્ષા આપશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મોટાભાગની પરીક્ષાઓમાં ચોરીનું અને પેપર ફૂટી જવાનું દૂષણથી ‘એ’ ગ્રેડ યુનિવર્સિટીની શાખ ખાખ થઇ છે. ત્યારે આજથી શ‚ થયેલી પ્રથમ તબક્કાની પરીક્ષા દરમ્યાન ચોરીનું દૂષણ રોકવાનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે સૌથી મોટો પડકાર છે. કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પરીક્ષા વિભાગે પ્રથમ તબક્કાની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સૌરાષ્ટ્રભરમાં આજથી પ્રથમ તબક્કાની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં લેવાય તે માટે યુનિવર્સિટીએ સુપરવાઇઝર અને ચેકીંગ સ્કવોડ પણ તૈનાત કરી છે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે પ૦ થી વધુ ચેકીંગ સ્કવોડ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર બાજનજર રાખી રહી છે.
પ્રથમ તબક્કામાં બી.એ., બી.સી.એ., બી.બી.એ., બી.કોમ., બી.એસસી., બી.એસ.ડબલ્યુ સહિતના જુદા-જુદા કોર્ષની પરીક્ષાઓ લેવાશે. આ ઉપરાંત એલ.એલ.બી. સેમ-૪, બી.એસસી. સેમ-૪, એમ.આર.એસ. સેમ-ર અને સેમ-૪ તેમજ એમ.એસસી. આઇટી સેમ-૪ સહિત કુલ ૩૧ વિદ્યાશાખાઓની પરીક્ષાઓ લેવાશે. જેમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ બી.કોમ.સેમ-૬ના રેગ્યુલરમાં ૨૩,૮૫૦ અને બી.એ.સેમ-૬ના ૧૬,૭૪૦ નોંધાયા છે. બી.કોમ. એક્સટર્નલમાં ૧,૫૧૦ અને બી.એ. એક્સટર્નલમાં ૩,૬૭૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
યુનિવર્સિટીની અગાઉ લેવાયેલી પરીક્ષામાં માસ કોપીકેસ તેમજ પરીક્ષા અગાઉ પેપર ફૂટી જવાના બનાવો બન્યા હોવાને પગલે આ વખતે સાવચેતીના ભાગ‚પે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશ્ર્નપત્રોને રાખવામાં આવ્યા છે તેમજ પરીક્ષા દરમ્યાન પણ વર્ગખંડમાં સુપરવાઇઝર અને કેટલા સંવેદનશીલ કેન્દ્રો પર ચેકીંગ સ્કવોડની બાજનજર રહેશે. યુનિવર્સિટીની સિન્ડીકેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ પરીક્ષા દરમ્યાન કોઇપણ કોલેજમાં સીસીટીવી કેમેરાની સુવિધા નહીં હોય તો જે-તે કોલેજને ૫૦ હજાર સુધીનો દંડ કરવામાં આવશે.