આરતી અને ભવ્ય શોભાયાત્રામાં ભકતો ઉમટી પડયા
અત્રેના પૌરાણિક અને ભાવિકોની આસ્થાના પ્રતિક સમા કામનાથ મહાદેવ મંદીર દ્વારા પરંપરા મુજબ નીકળતું ફૂલેકું (વરણાગી) રાસની રમઝટ, ભકિત સંગીતના સૂરીલા સૂરો અને ભાવિકોના અદમ્ય ઉત્સાહ સાથે દેશની જાણીતી વિવિધ સાંસ્કૃતિક મંડળીઓના આકર્ષક ફલોટસ સાથે નીકળી હતી જેમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.
આ પાટોત્સવની ઉજવણી ‚પે શનિવારે ભગવાન શિવજી શ્રાવણના આ પવિત્ર માસમાં એક દિવસ માટે નગરયાત્રાએ નીકળ્યાં હતાં. કામનાથ મહાદેવના મંદીરેથી રૈયાનાકા, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, આશાપુરા મંદીર, કોઠારીયા નાકા, દરબાર ગઢ થઇ આ વરણાગી શ્રી કામનાથ મંદીરે પરત ફરી હતી. આ ફૂલેકા દરમીયાન જામ ખંભાળીયાનું જગવિખ્યાત આંબાવાડી કલાવૃંદ, બાબુભાઇ ભીખુભાઇ મીર ઢોલ શરણાઇ ગ્રુપ સીદ્દી ધમાલ તથા સૌરાષ્ટ્રભરના વિવિધ સ્થળેથી આવેલી રાસમંડળીઓએ ભાગ લઇ રમઝટ બોલાવી હતી તેમજ શિવજીને રીઝવવા સાંગણવા ચોક ખાતે બાવન બેડાનો રાસ કર્યો હતો.