નવા વિસ્તારની શોધમાં સિંહ ગીરના જંગલની બહાર નિકળી રાજકોટ જિલ્લામાં આવી રહ્યા છે: જેતપુર પંથકમાં આઠ સિંહોનું ટોળુ દેખાયું હતું
સિંહ એ જંગલી પ્રાણી કે જંગલનો રાજા માત્ર નહીં, પણ માનવ-જીવન, સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. શકુંતલા પુત્ર ભરતે સિંહબાળના દાંત ગણ્યાનો મહાભારતના આદિપર્વનો પ્રસંગ તથા પુરાણમાં આવતી ભગવાન નૃસિંહની કથા આ જ વાતની પ્રતીતિ કરાવે છે.સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે 10મી ઓગસ્ટે “વિશ્વ સિંહ દિવસ” ઉજવણી કરવામાં આવે છે.
વર્ષ 2020ની ગણતરી મુજબ, ગુજરાતમાં સિંહની વસતી 674 થઈ છે. સિંહ હંમેશા નવા નવા વિસ્તારો શોધતો રહે છે. આ સ્વાભાવિક ક્રમમાં આગળ વધતાં, સિંહ ગીરના જંગલની સરહદો ઓળંગીને રાજકોટ જિલ્લાની હદમાં જોવા મળી રહ્યા છે.
વર્ષ 2020થી લઈને 2022 દરમિયાન રાજકોટ જિલ્લામાં 125થી વધુ વખત અલગ-અલગ સમયે સિંહ વિચરણ કરતા દેખાયા છે. જેમાં નવેમ્બર 2020થી જાન્યુઆરી 2021 દરમિયાન એક સાથે આઠ સિંહનું જૂથ જેતપુરના બાવા પીપળીયા, અકાળા, ખારચીયા, જેતલસર વગેરે પંથકમાં વિહાર કરતું જોવા મળ્યું હતું. આ સિવાય મોટા ભાગે એક, બે તથા ત્રણ-ત્રણ સિંહ વિહરતા જોવા મળ્યા છે.
રાજકોટ જિલ્લામાં સિંહ ખાસ કરીને રાજકોટ ઉત્તરમાં સરધાર, જસદણના વિંછિયાના જંગવડ, પાંચવડા, ઉપલેટા, કોટડાસાંગાણી, જેતપુર, રાજકોટ દક્ષિણમાં સાંગણવા, ભાયાસર, લોઠડા, ધોરાજીમાં નાની પરબડી, છાડવાવદર, પીપળીયા, ભોળા, લોધિકાના જુની મેંગણી વગેરે વિસ્તારમાં વિહરતા દેખાયા છે.
આ અંગે રાજકોટના નાયબ વનસંરક્ષક (સામાજિક વનીકરણ) તુષાર પટેલ જણાવે છે કે, જેતપુર, ગોંડલ, જસદણ, ધોરાજી, ઉપલેટા પંથકમાં વિહરતા સિંહ ક્યારેક રાજકોટના આજી વિસ્તાર સુધી પહોંચી જાય છે.
સિંહના અભ્યાસુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટ જિલ્લામાં જેતપુર પાસે ગીરનાર નજીકથી સિંહ આવતા હોય છે. ગોંડલ પંથકમાં અમરેલી સાથે જોડાયેલી સરહદ કુંકાવાવ, સુલતાનપુર, ભાદર તથા ખંભાલીડા વિસ્તારમાં સિંહની અવર-જવર જોવા મળી છે. જસદણ પંથકમાં અમરેલી જિલ્લાના બાબરા, કોટડાપીઠા વિસ્તારમાં સિંહોનું આવન-જાવન જોવા મળે છે. જ્યારે ધોરાજી, ઉપલેટા વિસ્તારમાં જુનાગઢથી સિંહો આવાગમન કરતા હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.
તુષાર પટેલના જણાવ્યા પ્રમાણે, રાજકોટ-મોરબી જિલ્લાનો સંયુક્ત વન વિસ્તાર 35 હજાર હેક્ટર છે. આ વિસ્તારમાં કોઈ સિંહ પરિવારનો કાયમી વસવાટ નથી. પણ વિચરણ કરતા સિંહો અહીં આવી ચઢતા હોય છે ખરા, પરંતુ ફરી પાછા મૂળ વિસ્તારમાં જતા રહે અથવા તો ટ્રેકર(સિંહનો પીછો કરનાર) વળાવી દે છે.
તેમના જણાવ્યા પ્રમાણે, સિંહ ક્યારેય માણસ પર હુમલો નથી કરતો, તેનું મારણ નથી કરતો. ગીરના જંગલમાં ખેડૂતો, માલધારીઓ, લોકો સિંહ સાથે સહજીવનથી ટેવાઈ ગયા છે. પરંતુ રાજકોટ જિલ્લાના લોકો માટે હજુ સ્થિતિ નવી છે. આથી સિંહ દેખાય તો તેઓ ચિંતિત થઈ જાય છે કે ગભરાઈ જાય છે.
દરેક ખેડૂતને ખેતરના પાકની ચિંતા હોય છે. આજે નીલગાયની સંખ્યા વધી છે. નીલગાય અને જંગલી ભૂંડ ખેતરોમાં ઘુસીને ઊભા પાકને નુકસાન પહોંચાડતા હોય છે, પરંતુ જે ખેતરોમાં સિંહની અવરજવર હોય ત્યાં આ બંને પ્રાણી ફરકતા નથી. તેઓ સિંહની ગંધથી જ દૂર રહે છે. આમ સિંહના કારણે વાડી-ખેતરના રક્ષણ થાય છે. સિંહ ક્યારેક પાલતુ પશુના શિકાર કરે છે પરંતુ આ કુદરતી ક્રમ છે. વનવિભાગ આ બદલ વળતર પણ ચૂકવતું હોય છે, એમ તેમણે ઉમેર્યું હતું.
તુષાર પટેલ વધુમાં જણાવે છે કે, રાજકોટ જિલ્લામાં જે જે વિસ્તારોમાં સિંહ દેખાય છે, ત્યાંના લોકોએ સિંહનું મહત્ત્વ જાણવું પડશે. ખેડૂતોને સિંહનું મહત્ત્વ સમજાવવા રાજકોટ વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 166 જેટલી કિસાન શિબિરો કરવામાં આવી છે, જ્યારે 53 જેટલી પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજીને વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા છે.
જ્યારે મોરબીના નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ અમીનના જણાવ્યા પ્રમાણે, રાજકોટ અને મોરબી રેન્જમાં સિંહનો કાયમી વસવાટ નથી. છતાં આ પંથકમાં આવી ચઢતા સિંહની અવરજવર પર નજર રાખવા જેતપુરમાં બે, ગોંડલમાં એક તથા જસદણમાં એક ટ્રેકર રાખવામાં આવ્યા છે.
સિંહના વસવાટની પ્રક્રિયા અંગે તેઓ જણાવે છે કે, સિંહ સામાન્ય રીતે નવા સીમાડાઓ શોધતા રહે છે. પછી ધીમે ધીમે તેના વસવાટનો વિસ્તાર વિકસે છે. હાલ દરિયાઈ પટ્ટીમાં ગાંડા બાવળ જોવા મળે છે, તે સિંહને સંતાવા માટે તથા વિસામા (હાઇડિંગ એન્ડ રેસ્ટિંગ)ના સલામત સ્થળ તરીકે જોવામાં આવ્યા છે. ભવિષ્યની સંભાવનાને ધ્યાનમાં રાખતાં, જસદણ તાલુકામાં 1500 હેક્ટરમાં ફેલાયેલું ઉમઠ ગ્રાસલેન્ડ તેમજ હાથસણી, ફુલજર, જંગલ વિસ્તાર તેમજ હિંગોળગઢ વિસ્તાર સિંહ વસવાટના પેચ તરીકે ડેવલપ થઈ રહ્યા છે. ભવિષ્યમાં સિંહનું સાહજિક સ્થળાંતર થાય ત્યારે આ વિસ્તાર ઉપયોગી થઈ શકે. તેમણે જણાવ્યું હતું કે, અહીં કરમદાના 100 ગ્રૂવ્સ ઉછેરવામાં આવ્યા છે. ઉપરાંત ઘાસનું ખુલ્લું મેદાન છે. પાણીના પૂરતા સ્થળો છે. જે સિંહના વસવાટ માટે યોગ્ય વાતાવરણ સર્જે છે.
આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે સિંહ માનવનો મિત્ર છે એ સમજીને માણસ પણ સિંહનો મિત્ર બનીને તેના જતન-સંવર્ધનમાં સહભાગી બને એ જરૂરી છે.
‘સિંહ’ જંગલનો રાજા પણ ગીરમાં રાણી ‘સિંહણ’ની વસ્તી વધુ !
આજે વિશ્વસિંહ દિવસ
સિંંહની વસ્તીમાં 28.87 ટકાનો વધારો: સિંંહ લેન્ડસ્કેપ 36 ટકા વધ્યો
10મી ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકારના વનવિભાગના જતન-સંવર્ધનના સાર્થક પ્રયાસોના કારણે સિંહની વસતી નોંધપાત્ર રીતે વધી છે. વર્ષ 2020ના પૂનમ અવલોકન (ગણતરી) મુજબ, રાજ્યમાં સિંહની વસતી 674 છે. મહત્ત્વનું છે કે, આ ગણતરીમાં જંગલના રાજા સિંહ કરતાં સિંહણની વસતી વધુ જોવામાં આવી છે. ગીર જંગલના પૂનમ અવલોકન 5-6-જૂન, 2020ના અહેવાલ મુજબ, ગીરમાં પુખ્ત સિંહની સંખ્યા 161 સામે સિંહણની સંખ્યા 260 છે.
જ્યારે સબ એડલ્ટ સિંહ 45 તો સબ એડલ્ટ સિંહણ 49 છે. જ્યારે 22ની જાતિ જાણી શકાઈ નથી. 137 સિંહબાળ છે. કુલ મળીને 674 સિંહ વસતી જોવાઈ છે. ગીરમાં પુખ્ત સિંહ-સિંહણની વસતીનો રેશિયો 1:1.61 જોવામાં આવ્યો છે. આ અવલોકનમાં 674 સિંહ વસતી કુલ મળીને 294 સ્થળો પર જોવા મળી છે. જેમાં 52.04 ટકા સિંહ જંગલ વિસ્તારમાં જોવા મળ્યા છે. જ્યારે 47.96 ટકા બિન જંગલ વિસ્તારમાં દેખાયા હતા.
જેમાં 26.19 ટકા સિંહ વેરાન જમીન, 13.27 ટકા સિંહ ખેતી વિસ્તાર, 3.74 ટકા સિંહ નદીકાંઠા વિસ્તાર, 2.04 ટકા સિંહ એગ્રીકલ્ચરલ પ્લાન્ટેશન, 2.04 ટકા સિંહ માનવ વસતી નજીક જ્યારે 0.68 ટકા ઔદ્યોગિક વિસ્તાર નજીક જોવા મળ્યા હતા. વર્ષ 2015માં સિંહની વસતી 523 નોંધાઈ હતી, જે અગાઉના વર્ષો કરતાં 27 ટકા વધુ હતી. પરંતુ વર્ષ 2020માં સિંહની વસતી 674 થઈ છે. જે અગાઉના વર્ષ કરતાં 28.87 ટકાની, છેલ્લા કેટલાક સમયની સર્વાધિક વૃદ્ધિ દર્શાવે છે. વર્ષ 2015માં સિંહ સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં 22 હજાર કિલોમીટર વિસ્તારમાં જોવા મળ્યા હતા, જ્યારે વર્ષ 2020માં સૌરાષ્ટ્રના નવ જિલ્લામાં 30 હજાર કિલોમીટરમાં જોવા મળ્યા છે. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ,
અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરના 53 તાલુકાઓનો સમાવેશ થાય છે. આમ સિંહ લેન્ડ સ્કેપમાં વર્ષ 2015 કરતાં વર્ષ 2020માં 36 ટકા વૃદ્ધિ જોવા મળી છે. જો એક દાયકાનો સમયકાળ સાથે જોવામાં આવે તો, અગાઉના દાયકા 2010 કરતા ગત દાયકા 2020માં સિંહની વસતીમાં 64 ટકાનો વધારો જોવા મળે છે. 2010માં 20 હજાર ચોરસ કિલોમીટરમાં 411 સિંહ હતા તેની સામે 2020માં 30 હજાર ચો.કિ.મી.માં 674 સિંહ છે.
રાજ્યની 8500 શાળાના 18.50 લાખ વિધાર્થીઓ સાવજના મોહરા પહેરી સિંહ દિવસ ઉજવશે
સમગ્ર વિશ્વમાં 10 ઓગષ્ટ ’વિશ્વ સિંહ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ગીર જંગલ અને અન્ય જગ્યાઓ પર વસવાટ કરતા સિંહોને બચાવવા અને તેનું સંવર્ધન કરવા 10 ઓગષ્ટના રોજ 18.50 લાખ વિદ્યાર્થીઓ સિંહોના મોહરા પહેલી ‘સિંહ ગર્જના’ કરશે અને સિંહોના સંરક્ષણની પ્રતિજ્ઞા લેશે. આ સમગ્ર કાર્યક્રમ રાજ્યની
8500 જેટલી શાળાઓમાં યોજાશે જેમાં 1.5 લાખ જેટલા ઈમેલ ધરાવતા લોકોને અને 65 લાખ જેટલા ટેસ્ટ મેસેજ સિંહ સંવર્ધન માટે કરવામાં આવશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો 10 જિલ્લાઓ જેવા કે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં યોજાશે. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે 4*3 ફીટના 10,000 બેનર, 10*8 ફિટના 200 બેનર, 10 હજાર વાઇલ્ડ લાઇફ ડોક્યુમેન્ટરી સીડી, 4 લાખ પત્રિકાઓ, 200 સેલ્ફી સ્ટેનડી, 1 લાખ સ્ટીકર, 20 હજાર અ4ના સ્ટીકર આપવામાં આવશે.
આ વિસ્તારોમાં સાવજનો વસવાટ
પૂનમ અવલોકન-2020 મુજબ, કુલ નવ સેટેલાઇટ વિસ્તારોમાં સિંહની વસતી જોવા મળી છે. જેમાં સૌથી વધુ ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય તથા આસપાસના વિસ્તારોમાં 334 સિંહ વસતી જોવા મળી છે. પાણીયા વાઇલ્ડલાઇફ અભયારણ્યમાં 10 સિંહની વસતી, મિતિયાળા અભયારણ્યમાં 16, ગીરનાર અભયારણ્યમાં 56, દક્ષિણ-પશ્ચિમ દરિયાઈ કાંઠા (સુત્રાપાડા, કોડીનાર, ઉના, વેરાવળ)
ક્ષેત્રમાં 20, દક્ષિણ-પૂર્વ દરિયાઈ કાંઠા (રાજુલા, જાફરાબાદ, નાગેશ્રી)માં 67, સાવરકુંડલા-લીલીયા અને અમરેલીના આસપાસના વિસ્તારોમાં 98, ભાવનગર મેઇન લેન્ડમાં 56, જ્યારે ભાવનગર દરિયાકાંઠામાં 17 સિંહની વસતી જોવા મળી છે.
સમય બદલાતા ગીરના સાવજનો ખોરાક પણ બદલાયો
એ વાત સાચી છે જે ગિરનાર સાવજો માલ ઢોર ને પોતાનો ખોરાક બનાવતા હોય છે પરંતુ હવે આ પ્રમાણ માં અનેક ઘણા અંશે ઘટાડો નોંધાયો છે અને હવે સાવજોનો ખોરાક નીલગાય અને સાંભાર બન્યું છે. વન્ય અધિકારીના જણાવ્યા અનુસાર ગીરના પ્રોટેક્ટેડ વિસ્તારોમાં 12 જેટલી પ્રજાતિઓ ને આરોગ્ય છે જ્યારે પ્રોટેક્ટર વિસ્તારની બહાર 11 જેટલી પ્રજાતિઓને સાવજ પોતાનો શિકાર બનાવે છે. 74 ટકા સાવજ નો ખોરાક નીલગાય અને સાંભારમાં જોવા મળ્યો જ્યારે 26 ટકા તેઓ માલ ઢોર ને પોતાના ખોરાક તરીકે પસંદ કરે છે. એ રીતે પ્રોટેક્ટેડ વિસ્તારની બહાર નીલગાય અને સાંભારમાં 51 ટકા જ્યારે માલ ઢોરમાં 42 ટકા નો રેસીયો સામે આવ્યો છે.