છત્તીસગઢમાં 72 ટકા જેટલું મતદાન, દર વર્ષના પ્રમાણમાં મતદાન ઘટતા કોંગ્રેસ ચિંતામા

નેશનલ ન્યુઝ

છત્તીસગઢમાં 72 ટકા જેટલું મતદાન, દર વર્ષના પ્રમાણમાં મતદાન ઘટતા કોંગ્રેસ ચિંતામાં : મધ્યપ્રદેશના રેકોર્ડબ્રેક 76.22 ટકા મતદાન નોંધાતા કોંગ્રેસ અને ભાજપ બન્ને વચ્ચે ઓછી બેઠકથી હાર-જીત થવાનું રાજકીય પંડિતોનું અનુમાન

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ગઈકાલે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. મધ્યપ્રદેશમાં થયેલા મતદાનની ટકાવારીએ અત્યાર સુધીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તો બીજી તરફ છત્તીસગઢના પ્રમાણમાં ઓછું મતદાન નોંધાયુ છે. હાલ તો નેતાઓ અને મતદારો તા.3 ડીસેમ્બરે જનાદેશ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે.

2023ની વિધાનસભા ચૂંટણી માટે મધ્યપ્રદેશમાં બમ્પર મતદાન થયું છે. આ ચૂંટણીએ છેલ્લા 66 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજ્યમાં 1957માં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં માત્ર 37.17 ટકા મતદાન થયું હતું. જ્યારે 2023માં આ રેકોર્ડ 76.22 ટકા પર પહોંચ્યો હતો. એટલે કે 66 વર્ષમાં મતદાનમાં લગભગ 39 ટકાનો વધારો થયો છે. મધ્યપ્રદેશ વિધાનસભાની તમામ 230 બેઠકો માટે શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. શિવરાજ સિંહ ચૌહાણ અને તેમનો પરિવાર, કમલનાથ તેમના પરિવાર તથા કેન્દ્રીય પ્રધાનો નરેન્દ્ર સિંહ તોમર, જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રહલાદ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ વી ડી શર્મા અને ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય સહિતના નેતાઓએ સવારમાં મતદાન કર્યું હતું. રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રા, રમતગમત અને યુવા કલ્યાણ પ્રધાન યશોધરા રાજે સિંધિયા, ઉદ્યોગ પ્રધાન રાજવર્ધન સિંહ દત્તીગાંવે પણ મતદાન કર્યું હતું.

અહીંની ભૂતકાળની ચૂંટણીના મતદાન જોઇએ તો 2003માં 67.25 ટકા, 2008માં 69.78 ટકા, 2013માં 72.13 ટકા અને 2018માં 75.63 ટકા મતદાન થયું હતું.છત્તીસગઢમાં બીજા અને અંતિમ તબક્કામાં 70 બેઠકો માટે 72 ટકા મતદાન થયું છે. જો કે અગાઉના તબક્કાની 20 બેઠકો ઉપર 78 ટકા મતદાન નોંધાયું છે. આ ઉપરાંત ભૂતકાળના મતદાન જોઈએ તો 2003માં 71.30 ટકા, 2008માં 70.51 ટકા , 2013માં 77.12 ટકા અને 2018માં 76.88 ટકા મતદાન નોંધાયું હતું.છત્તીસગઢમાં મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ, ડેપ્યુટી સીએમ ટીએસ સિંહ દેવ, રાજ્યના આઠ પ્રધાનો અને ચાર સંસદસભ્યો સહિત કુલ 958 ઉમેદવારોના રાજકીય ભાવિ ઇવીએમમાં સીલ થયાં હતાં.

રાજકીય પંડિતોના મતે મધ્યપ્રદેશમાં રેકોર્ડબ્રેક મતદાન થયું હોય, ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખૂબ ઓછી બેઠકોની હારજીત થવાની છે. આ વખતે વિધાનસભામાં વિપક્ષ પણ સબળ મળે તેવા એંધાણ છે. વધુમાં છત્તીસગઢમાં વોટિંગના આંકડા કોંગ્રેસ માટે ચિંતાજનક બન્યા છે. કારણકે રાજ્યમાં પ્રમાણમાં ઓછું મતદાન નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.