ગુજરાતીમાં એક કહેવત છે કે લગ્ને-લગ્ને કુંવારો.. એટલે એકથી વધુ લગ્ન કર્યા હોય છતાં પણ કુંવારા !! સામાન્ય રીતે તમે સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ એક લગ્ન કરે અથવા તો ડિવોર્સ આપીને બીજા લગ્ન કરે ત્યારે ઓડીશામાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જેમાં વ્યક્તિએ એક નહીં, બે નહીં પરંતુ 27 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. લગ્ન કરવા સાથે પૈસાની માંગણી કરીને ફરાર થઈ જતો હતો. 66 વર્ષના ઠગ રમેશ સ્વૈને અત્યાર સુધી કરોડોની છેતરપિંડી કરી છે. ગયા વર્ષે જ ઓડિશા પોલીસે તેની ધરપકડ કરી હતી ત્યારે ED અધિકારીએ આ મામલે માહિતી આપી હતી .
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રમેશ સ્વૈન વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ વ્યક્તિની ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 10 રાજ્યોમાં 27 મહિલાઓ સાથે લગ્ન કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરવા બદલ ઓડિશા પોલીસે ધરપકડ કરી હતી. સ્વેનને બિભુ પ્રકાશ સ્વેન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પર 2011માં હૈદરાબાદમાં લોકોને તેમના બાળકો માટે એમબીબીએસ કોર્સની સીટ અપાવશેનું વચન આપીને 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો અને 2006માં કેરળમાં 13 બેંકોને 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો અને નકલી ક્રેડિટ કાર્ડ બનાવવાનો આરોપ છે. ઓડિશાના કેસમાં, પોલીસે સ્વેનની એક પત્ની, ડૉ. કમલા સેઠી, તેની સાવકી બહેન અને ડ્રાઇવરની પણ ધરપકડ કરી હતી. આ તમામને ઓરિસ્સા હાઈકોર્ટે હાલ માટે જામીન આપ્યા છે.
પોલીસે આઠ મહિનાની શોધખોળ બાદ 13 ફેબ્રુઆરીએ સ્વેનની ધરપકડ કરી હતી. દિલ્હીમાં રહેતી પત્ની દ્વારા મે 2021માં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેણી સ્વેનને 2018 માં સાઇટના માધ્યમ દ્વારા દ્વારા મળી હતી. ત્યારે સ્વેને દાવો કર્યો હતો કે તે સ્વાસ્થ્ય મંત્રાલયમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે કામ કરે છે. સ્વેનના લગ્નની ચર્ચા ભૂતકાળમાં પણ થઈ ચૂકી છે. એવું કહેવાય છે કે સ્વૈન પાસે ભુવનેશ્વરમાં ત્રણ ભાડાના મકાનો હતા જ્યાં તેણે એક સમયે ત્રણ પત્નીઓ રાખી હતી. તેની પત્નીઓએ પોલીસને એમ પણ જણાવ્યું કે તે ઘણી વખત તેની પત્નીઓ પાસેથી લોન માંગતો હતો અને પૈસા મળ્યા બાદ તે આગામી પત્નીની શોધ કરતો હતો.
અહીં ચોંકાવનારી વાત તો એ છે કે તે તેણે જે મહિલાઓ સાથે લગ્ન કર્યા તેમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, છત્તીસગઢના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આસામના એક ડૉક્ટર, સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના બે વકીલો અને કેરળ વહીવટી સેવાના એક અધિકારીનો સમાવેશ થાય છે. હવે તે EDની પકડમાં આવી ગયો છે. EDની ટીમ તેની સાથે જોડાયેલી દરેક બાબતો પર નજર રાખી રહી છે. સ્વેનના નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવશે. આ તરફ હવે એજન્સી વધુ પૂછપરછ માટે ઈસમના રિમાન્ડ પણ માંગી શકે છે.