સતત બીજા દિવસે શેરબજારમાં મંદીની મોકાણ: નિફટીમાં પણ 117 પોઈન્ટ તુટી
ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે મંદીની મોકાણ સર્જાઈ જવા પામી હતી. સેન્સેક્સે 60,000ની સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. દિવાળી ટાઈમે જ મંદીની હોળી સર્જાતા અબજો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. સવારે ડોલર સામે મજબૂત બનેલો રૂપિયો બપોરે ફરી કમજોર થઈ ગયો હતો. સવારે શેરબજારમાં કડાકો બોલી ગયા બાદ રિકવરી જોવા મળી હતી. પરંતુ રોકાણકારોમાં વિશ્ર્વાસના અભાવે માર્કેટ ફરી રેડઝોનમાં ગરકાવ થઈ ગયું છે.
આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં ભારતીય શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષો તોતિંગ કડાકા સાથે ખુલ્યા હતા. એક તબક્કે ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 59089.37ની સપાટીએ પહોંચી જતા એવા લાગી રહ્યું હતું કે, 60,000ની સપાટી તોડનાર સેન્સેક્સ આજે 59,000ની સપાટી પણ જાળવી શકશે નહીં. જો કે ત્યારબાદ માર્કેટને થોડી કળ વળી હતી. આજે ઈન્ટ્રા-ડેમાં 950 પોઈન્ટથી વધુની અફરા-તફરી જોવા મળી હતી. નિફટી પણ 17613.10 નીચલી સપાટીએ પહોંચી જવા પામી હતી.
સતત બે દિવસથી જે રીતે બજારમાં મોટા કડાકા બોલી રહ્યાં છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, હવે માર્કેટમાં મંદી શરૂ થઈ હોય દિવાળીના તહેવાર સમયે જ બજારમાં મંદીની હોળી સર્જાવાના કારણે બે દિવસમાં રોકાણકારોની અબજો રૂપિયાની સંપતિનું ધોવાણ થઈ ગયું છે. આજે ડોકટર રેડીઝ લેબ, અલ્ટ્રા ટેક સીમેન્ટ, સિપ્લા અને શ્રી સીમેન્ટ જેવી કંપનીના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો ત્યારે મંદીમાં એનટીપીસી, કોટક મહિન્દ્રા અને ટેક મહિન્દ્રા જેવી કંપનીમાં ઘટાડો નોંધાયો હતો. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 453 પોઈન્ટના ઘટાડા સાથે 59,531 અને નિફટી 117 પોઈન્ટના ઘટાડા સાથે 17740 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યાં છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ફલેટ ચાલી રહ્યો છે.