સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભૌતિક શાસ્ત્ર ભવન અને ગુજરાત સાયન્સ અકાદમીના ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાના વેબિનારમાં કોસ્મોલોજીસ્ટ ડો.પંકજ જોષી, જીયોલોજીસ્ટ ડો.મહેશ ઠકકર, વૈજ્ઞાનિક ડો.પવન કુલરીયા અને સંશોધક પ્રો.હિરેન જોષીના રસપ્રદ વ્યાખ્યાનો યોજાયા
કોરોના મહામારીનાં લોકડાઉનનાં સમયનો સદઉપયોગ છાત્રો ઘરે બેઠા કોમ્પ્યુટર કે મોબાઈલનાં માધ્યમથી દેશનાં ટોચનાં તજજ્ઞો અને વૈજ્ઞાનિકોનાં માધ્યમથી જ્ઞાન મેળવવા કરી શકે તે પરિપ્રેક્ષ્યમાં ભૌતિકશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત સાયન્સ એકાદમીનાં સંયુકત ઉપક્રમે તા.૨૬ થી ૨૯ એપ્રિલ, ૨૦૨૦ ચાર દિવસીય રાષ્ટ્રીય કક્ષાનાં વેબ બેઈઝ સેમીનાર (વેબીનાર) અનુસંધાનનું આયોજન ઓનલાઈન વિડીયો કોન્ફરન્સીંગનાં માધ્યમથી કરવામાં આવેલ હતું. દેશ-વિદેશનાં યુવા છાત્રોમાં સંશોધન ક્ષેત્રે જાગૃતિ આવે તે માટે આ નિ:શુલ્ક વેબીનારમાં રિસર્ચ મેથોડોલોજી એન્ડ ફ્રન્ટરીયર સાયન્સ વિષયક દેશનાં ટોચનાં નિષ્ણાંતો મારફત વ્યાખ્યાનો અને પ્રશ્ર્નાવલીનું સફળ આયોજન કરાયેલ અને દેશભરમાંથી ૨૧ રાજયો, ૪ કેન્દ્રશાસીત પ્રદેશો તથા યુ.એસ., નેપાળ, યુ.કે.ની ટોચની યુનિવર્સિટીઓનાં ૬૫૦૦ જેટલા સંશોધકોએ ઓનલાઈન વિડીયો કોન્ફરન્સીંગ યુ-ટયૂબ લાઈવ અને ફેસબુક લાઈવનાં માધ્યમથી સેમીનારનો લાભ લીધેલ હતો.
અનુસંધાન વેબીનારમાં પ્રથમ દિવસે ગુજરાત રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ ઉદઘાટન સત્રમાં દેશ-વિદેશનાં હજારો છાત્રોને પ્રોત્સાહિત કરતું ઉદબોધન કરેલ અને ટેકનોલોજીનાં માધ્યમથી તજજ્ઞ વૈજ્ઞાનિકો પાસેથી ઘરે બેઠા બેઠા જ્ઞાન મેળવી સંશોધનાત્મક પ્રકલ્પો થકી રાષ્ટ્રને ઉપયોગી થવા અનુરોધ કરેલ હતો. શિક્ષણમંત્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.નિતીનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી અને વેબીનારનાં આયોજકો ડો.મિહીરભાઈ જોષી, ડો.નિકેશભાઈ શાહ, ડો.ચિંતન પંચાસરા, ડો.તુષારભાઈ પંડયા (જી.એસ.એ.), ડો.નયનભાઈ જૈન (જી.એસ.એ.) વગેરેને નૂતન પ્રયોગ માટે અભિનંદન પાઠવેલ. ઉદઘાટન સત્રમાં યુનિવર્સિટીનાં કુલપતિ અને ઉપકુલપતિએ પ્રસંગોઉચિત છાત્રોને મોટીવેશનલ ઉદબોધન કરેલ હતું. તા.૨૬ એપ્રિલનાં પ્રથમ દિવસે ગુજરાત સાયન્સ અકાદમીનાં અધ્યક્ષ અને આંતરરાષ્ટ્રીય કોસ્મોલોજીસ્ટ વૈજ્ઞાનિક ડો.પંકજભાઈ જોષીએ જોય ઓફ સાયન્સનાં વ્યાખ્યાનનાં માધ્યમથી જુદા જુદા પ્રખર વૈજ્ઞાનિકો ગેલીલીયો, આઈનસ્ટાઈન, મેકસવેલ વગેરેનાં સચોટ ઉદાહરણ સાથે કેવી રીતે સમાજ ઉપયોગી સંશોધન કરી શકાય ? તે સંદર્ભે વ્યાખ્યાન આપેલ હતું. ડો.જોષીનાં વ્યાખ્યાન બાદ ભાગ લેનાર સંશોધકોએ જુદા-જુદા પ્રકલ્પો વિશે પ્રશ્ર્નો પૂછી જ્ઞાનનું આદાન-પ્રદાન કરવામાં આવેલ. કાર્યક્રમમાં ગુજરાત સાયન્સ એકાદમીનાં મંત્રી ડો.જૈને જણાવેલ કે મહાન વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈ સ્થાપિત રાષ્ટ્રકક્ષાનાં ગુજરાત સાયન્સ અકાદમી અને ભૌતિકશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સંયુકત ઉપક્રમે આયોજિત અનુસંધાન દેશનાં સંશોધકોને નવી રાહ ચીંધશે. ડો.મિહીરભાઈ જોષીએ કાર્યક્રમનું સંચાલન અને કો-ઓર્ડિનેટર ડો.નિકેશભાઈ શાહે આભારવિધી કરેલ હતી.
અનુસંધાન પરિસંવાદમાં તા.૨૭ એપ્રિલે જાણીતા જીયોલોજીસ્ટ કચ્છ યુનિવર્સિટીનાં તજજ્ઞ ડો.મહેશભાઈ ઠકકરે અર્થ ઈઝ એ ડાયનેમિક પ્લેનેટ વિષયક વ્યાખ્યાનમાં પૃથ્વીની રચના તેના જુદા-જુદા પડો તથા જ્ઞાન પીરસેલ હતું. ગુજરાત ગોવિંદગુરુ યુનિવર્સિટીનાં કુલપતિ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સિન્ડીકેટ સદસ્ય ડો.પ્રતાપસિંહજી ચૌહાણ સંશોધકોને પ્રોત્સાહિત કરવા ઓનલાઈન ઉપસ્થિત રહેલ હતા. તા.૨૮ એપ્રિલે દેશની ટોચની સંશોધન સંસ્થાન ઈન્ટર યુનિવર્સિટી એકસલરેટર સેન્ટર, ન્યુ દિલ્હીનાં વરીષ્ઠ વૈજ્ઞાનિક ડો.પવન કુલરીયાએ દેશની ટોચની સંશોધન સંસ્થાન ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર, તાતા ઈન્સ્ટીટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વગેરેમાં યુ.જી, પી.જી અને સંશોધક છાત્રોને કયા પ્રકારની સંશોધન સહાય નિ:શુલ્ક પ્રાપ્ત થઈ શકે ? તે માટે કેવી રીતે એપ્લીકેશન કરી શકાય ? અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંશોધન પ્રકલ્પો માટે મળતા અનુદાન અંગે સંશોધકોને માહિતગાર કરેલ હતા. પ્રશ્ર્નાવલી સેશનમાં છાત્રો મારફત અત્યારે કયાં સંશોધન ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકાય ? રાષ્ટ્રીય કક્ષાની તાલીમ કાર્યશાળાઓમાં ભાગ લેવાથી કેરીયરમાં શું ફાયદાઓ થાય ? વગેરે અનેક રસપ્રદ આદાન-પ્રદાન થયેલ હતું. આ પ્રસંગે યુનિવર્સિટીનાં વિજ્ઞાન વિદ્યાશાખાનાં ડીન અને સિન્ડીકેટ સદસ્ય ડો.મેહુલભાઈ રૂપાણીએ ઉપસ્થિત રહી છાત્રોને પ્રોત્સાહિત કરેલ હતા.