કચ્છના ધોળાવીરાના વેરાન રણ પ્રદેશમાં નદી, નાળા, ખેતર અને પર્વતમાળા જેવા વિસ્તારમાં યોજાયેલ કઠિન મેરેથોન દોડમાં ૫૧ કિલોમીટર કેટેગરીમાં મોરબીના ૬૫ વર્ષીય ઓર્થોપેડિક સર્જન ડો.અનિલ પટેલે ૨૦ થી ૪૦ વર્ષના સ્પર્ધકો વચ્ચે ૧૧ મુ સ્થાન પ્રાપ્ત કરી જોશ જુનુંનને ઉંમરનો બાધ નડતો ન હોવાનું સાબિત કરી બતાવ્યું છે.
ગુજરાત ટુરિઝમ દ્વારા કચ્છના ધોળાવીરાના રણમાં દર વર્ષે ૫૧, ૧૦૧ અને ૧૬૧ કિલોમીટરની મેરેથોન દૌડનું આયોજન કરવામાં આવે છે જેમાં દેશ – વિદેશના સ્પર્ધકો ભાગ લે છે ૨, ૩ અને ૪ ફેબ્રુઆરીએ યોજાયેલ આ સ્પર્ધામાં મોરબીના ૬૫ વર્ષના ઓર્થોપેડિક સર્જન ડો.અનિલ પટેલે ૫૧ કિલોમીટર લાંબી મેરેથોન દોડમાં ભાગ લીધો હતો અને સૌથી મોટી ઉંમરના સ્પર્ધક હોવા છતાં જોમ જુસ્સાથી દોડ લગાવી તેઓએ ૮ કલાક ૫૭ મિનિટમાં આ અતિ કઠિન સ્પર્ધામાં ૧૧ મુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ગુજરાત ટુરિઝમ આયોજિત આ સ્પર્ધામાં ભારતભરમાંથી સ્પર્ધકો આવ્યા હતા ઉપરાંત રશિયા, કંબોડીયા, આરબ અમીરાત અને ઓસ્ટ્રેલિયા સહિત જુદા – જુદા આઠ દેશના સ્પર્ધકોએ પણ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ધોળાવીરના રણ પ્રદેશમાં યોજાતી આ કઠિન મેરેથોનમાં સ્પર્ધકોને નદી નાળા, પર્વતમાળા, ખેતરો અને કાંટાળા માર્ગનો સામનો કરવો પડે છે, એથી પણ આશ્ચર્ય એ વાતનું હતું કે ડો. અનિલ પટેલ સાથે જે સ્પર્ધકો ભાગ લઈ રહ્યા હતા તેમાં બધા સ્પર્ધકો માત્ર ૨૦ થી ૪૦ વર્ષના હતા છતાં પણ ડો. પટેલે બધાને હંફાવી આ સ્પર્ધામાં ૧૧ મુ સ્થાન પ્રાપ્ત કરી પોતાની યુવાની જેવા જુસ્સાનો પરિચય કરાવ્યો હતો