293 સ્ત્રી, 149 પુરુષ, 8 તરૂણ અને 65 સગીરા ભેદી રીતે લાપતા: 82 મહિલા, 45 પુરૂષ અને બે તરૂણનો હજી હતો પતો જ નથી
ગુમ થવા પાછળ પ્રેમ પ્રકરણ, આર્થિક ભીંસ અને પારિવારીક સમસ્યા કારણભૂત: લાપતાની ભાળ મેળવવા પોલીસ માટે સીસીટીવી ફુટેજ અને મોબાઇક લોકેશન મહત્વનું હથિયાર
ખંડણી માટે થતાં અપહરણમાં અપહૃતના જીવનું જોખમ હોય ત્યારે પોલીસ તપાસમાં સાવધાની અને તકેદારી જરૂરી
પ્રેમ પ્રકરણમાં ભાન ભુલેલા તરૂણોને પોલીસ દ્વારા કાઉન્સેલીંગ કરી કાયદાકીય અને સામાજીક સમજ આપી પરિવારને સોપે છે
શહેરમાં છેલ્લા સાત માસ દરમિયાન ભેદી રીતે લાપતા બનેલી 82 મહિલા, 45 પુરુષ, 22 તરુણી અને બે તરુણની પોલીસને હજી સુધી ભાળ મળી નથી. માનસિક અસ્થિર, પ્રેમ સંબંધ, આડા સંબંધ અને પારિવારીક સમસ્યાના કારણે ઘર અને પરિવારને છોડીને કોઇને કહ્યા વિના જતી રહેતી વ્યક્તિની ભાળ મેળવવા માટે પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજ અને મોબાઇલ લોકેશન મહત્વની કડી બનતા હોય છે. પરંતુ ગુજરાત બહાર હોય અને મોબાઇલનો ઉપયોગ ન કરતા હોય તેવા સંજોગોમાં લાપતા વ્યક્તિની ભાળ મેળવવી મુશ્કેલ બને છે.
રાજકોટના જુદા જુદા વિસ્તારમાંથી છેલ્લા સાત માસમાં 293 સ્ત્રી ગુમ થઇ હતી તે પૈકી 211 મળી આવી છે અને 82ની હજી ભાળ મળી નથી, 149 પુરુષ ભેદી રીતે ગુમ થયા હતા તેમાથી 104નો પતો લાગ્યો છે અને 45ના હજી સુધી સુધી સગડ મળ્યા નથી,
સુપ્રિમ કોર્ટની ગ્રાઇડ લાઇન મુજબ સગીર વયના છોકરા-છોકરી ગુમ થયા ત્યારે અપહરણનો ગુનો નોંધવાનો આદેશ હોવાથી જુદા જુદા પોલીસ મથકમાંથી જાન્યુઆરીથી જુલાઇ દરમિયાન 65 તરુણી ભેદી રીતે ગુમ થતા અપહરણનો ગુનો નોંધાયો છે. જેમાં 43ની ભાળ મળી છે અને 22ના સગડ મળ્યા નથી, આ રીતે આઠ કિશોરના અપહરણના ગુના નોંધાયા છે. જેમાં 6ની ભાળ મળી છે અને બે તરુણીની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે.
ઘર અને પરિવારને છોડીને લાપતા બનાવા પાછળ તરુણોમાં પ્રેમ પ્રકરણ અને પરિવાર દ્વારા અપાતા ઠપકો કારણભૂત હોય છે. જ્યારે પરિણીત મહિલાઓ ગુમ થવા પાછળ પરપુરુષ સાથેના આડા સંબંધ અને પોતાના પરિવારની હેરાનગતિ મુખ્ય કારણ હોય છે.
જ્યારે પુરુષો ગુમ થવા પાછળ આર્થિક દેણું, આડા સંબંધ અને પારિવારીક કારણોસર ગુમ થતા હોય છે. કેટલાક બનાવમાં માનસિક અસ્થિર વ્યક્તિઓ ભુલા પડવાના કારણે લાંબો સમય સુધી પરિવારથી વિખુટા પડી જતાં હોય છે. નાના બાળકો ભુલા પડે ત્યારે પોલીસ દ્વારા તેમના વાલી વારસની શોધખોળ કરવા માટે બારે જહેમત ઉઠાવી પરિવારનું મિલન કરાવતા હોય છે. જ્યારે માનસિક અસ્થિરને પોલીસ દ્વારા સધિયારો આપી તેમની પાસેથી તેમના પરિવાર અંગેની વિગતો મેળવી તેમની મંજીલ સુધી પહોચાડવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે.
તરુણ અવસ્થામાં પ્રેમ પ્રકરણમાં ફસાયેલી તુરણીને તેની ભુલ સમજાય ત્યારે પોલીસ સગીરાનું કાઉન્સેલીંગ કરી તરુણી અને તેણીના પરિવારના મધ્યસ્થી બની ઘર વાપસી કરાવતા હોય છે. કેટલાક તરુણોના અપહરણ પાછળ ખંડણી પડાવવાનો આરોપીનો ઇરાદો હોય છે ત્યારે સગીર બાળકની જીંદગી જોખમમાં રહેતી હોવાથી પોલીસ દ્વારા પુરી સાવધાની સાથે તપાસ કરવામાં આવે છે. અપહૃત બાળકને હેમખેમ બચાવવા જહેમત ઉઠાવવામાં આવતી હોય છે.
ગુમ થયેલી વ્યક્તિની શોધખોળ માટે દરેક પોલીસ મથકમાં ડી સ્ટાફ દ્વારા ત્વરીત કાર્યવાહી કરવામાં આવે છે. ગુમ વ્યક્તિના પોલીસ દ્વારા આઠ ફોટોગ્રાફ મેળવી જરુરી તમામ સ્થળે બ્રોડકાસ્ટ કરવામાં આવે છે. લાપતા વ્યકિત મળી આવ્યા બાદ પણ પોલીસ દ્વારા તેની પુછપરછ કરી તેની અંગત સમસ્યા અંગેની ગુપ્તતા જાળવી કાયદાકીય મદદરુપ થાય છે.
આમ છતાં ઘણી વખત દિશા ભુલેલી વ્યક્તિઓ આપઘાત કરી જીવન ટૂંકાવતા હોય છે. અને અપહરણની ઘટનામાં આરોપી પોતાની ઓળખ જાહેર ન થાય તે માટે હત્યા પણ કરતા હોય છે. ભેદી રીતે લાપતા બનેલી અને અપહરણ થયેલી વ્યક્તિના જીવનું જોખમ રહેતું હોવાથી પોલીસ દ્વારા આવા કેસમાં ગંભીરતા અને સાવધાની સાથે તપાસ કરતા હોય છે. શહેરમાં દર વર્ષે ગુમ થવાનો આંકડો ઘણો મોટો હોય છે.
પાંચ વર્ષથી લાપતા તરૂણીની ભાળ મેળવવા હેબીયસ કોપર દાખલ થઇ
જામનગર રોડ પર 25 વારીયા પ્લોટની મારવાડી પરિવારની તરુણીનું 2019માં અપહરણ થયાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ તેણીની ભાળ મેળવવામાં પોલીસ સ્ટાફ નિષ્ફળ રહેતા અપહૃત બાળકીના પરિવાર દ્વારા હાઇકોર્ટમાં હેબીયસ કોપર્સ દાખલ કરવામાં આવી છે. આ અપહરણ કેસની સીઆઇડી ક્રાઇમને તપાસ સોપવામાં આવતા બાળકીના અપહરણના ગુનામાં સંડોવાયેલા અમરેલી પંથકના શખ્સની માહિતી આપનાર માટે પોલીસ દ્વારા ઇનામ જાહેર કરાયું છે.
આજી જીઆઇડીસીની સગીરાનો હવસખોરે મોતને ઘાટ ઉતારી
શહેરના ભાવનગર રોડ પર આવેલા આજી જીઆઇડીસી વિસ્તારની તરુણીનું અપહરણ થયાની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ તેની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન અવારુ ગોડાઉનમાંથી કોહવાયેવલી હાલતમાં લાશ મળી આવી હતી. હવસખોરે વાસનાનો શિકાર બનાવી પોતાની ઓળખ છતી ન થાય તે માટે હત્યા કર્યાની ઘટનાથી પોલીસમાં દોડધામ થઇ ગઇ હતી.