રેસકોર્ષમાં સભા સ્થળે 12 વીઆઇપી તથા 39 સામાન્ય બ્લોક હશે, 11 એન્ટ્રી ગેઇટ હશે : ફરજ માટે 200થી વધુ મહેસુલી કર્મચારીઓના ઓર્ડર : 5 ડેપ્યુટી કલેકટર અને 4 મામલતદારને પણ સરકારમાંથી ફરજ સોંપાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25મીએ રાજકોટ આવી રહ્યા છે. અહીં તેઓ એઇમ્સ અને ઝનાના સહિતના અનેક પ્રોજેકટનું લોકાર્પણ કરવાના છે. આ વેળાએ એઇમ્સમાં 64 કલાકારો મોદીનું ભવ્ય સ્વાગત કરશે. આ ઉપરાંત રેસકોર્ષમાં ગીતા રબારી રમઝટ બોલાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તાં.24 અને 25માં રોજ સૌરાષ્ટ્ર પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન મોદી તા.24ના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે બનેલા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના છે. ત્યારબાદ તેઓ રાત્રી રોકાણ પણ દ્વારકા જ કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાથી સીધા રાજકોટની ભાગોળે પરાપીપળીયા નજીક આવેલ એઇમ્સ ખાતે હેલિકોપ્ટર મારફત આવવાના છે.
એઇમ્સના લોકાર્પણ સાથે તેઓ દ્વારા અન્ય 4 એઇમ્સનું પણ ઇ લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યાંથી વડાપ્રધાન મોદી રેસકોર્ષ ખાતેના સભા સ્થળે પહોંચવાના છે. વડાપ્રધાન મોદી અહીંથી વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. આ સભા સ્થળે અંદાજે 2 લાખની મેદની એકત્ર કરવાનો પક્ષ દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
વધુમાં અંદાજે 1400 બસો વડાપ્રધાનના કાર્યક્રમ માટે ફાળવવામાં આવનાર છે. જેમાં રાજકોટ ડિવિઝનની કુલ 500 બસોમાંથી 200 બસ ઉપયોગમાં લેવાશે. રાજકોટ સિટીમાંથી 50 હજાર લોકો એકત્ર કરવાનું આયોજન કરાયુ છે. આ સાથે જૂનાગઢ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના જિલ્લામાંથી પબ્લિક લઈ આવવામાં આવશે. માત્ર જામનગર, દ્વારકા અને પોરબંદરની પબ્લિકને નહિ લઈ આવવામાં આવે. તેઓને દ્વારકાના કાર્યક્રમમાં લઈ જવાશે.
વડાપ્રધાન મોદીની સભા માટે રેસકોર્ષમાં 5 જર્મન ડોમ તૈયાર કરવામાં આવશે. આ સાથે 10 એલઇડી મુકવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં 26 કમિટીની રચના કરવામાં આવી છે. વડાપ્રધાનની સુરક્ષાને લઈને પણ તમામ તૈયારીઓ થઈ રહી છે. રાજકોટમાં 3 જગ્યાએ પીએમનું સેફ હાઉસ બનશે. આ સેફ હાઉસ એઇમ્સ, રેસકોર્ષ અને સર્કિટ હાઉસ ખાતે બનાવવામાં આવશે. બીજી તરફ રેસકોર્ષમાં ગીતા રબારી રમઝટ બોલાવવાના છે.
એઇમ્સમાં 64 કલાકારો પીએમનું સ્વાગત કરશે. જેમાં તાંડવ નૃત્ય એકેડમીના 18 નૃત્યકારો સાથે માંડવડી અને નૃત્ય, શક્તિ વૃંદના 18 નૃત્યકારો દાંડિયા, છત્રી અને રૂમાલ સાથે રાસ રજૂ કરશે. જ્યારે લાસ્ય નર્તન એકેડમીના 18 નૃત્યકારો ટિપ્પણી, ઘડા સાથે રાસ અને ગરબા કરશે. બીજી તરફ 200થી વધુ મહેસુલી કર્મચારીઓના ઓર્ડર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સરકારમાંથી 5 ડેપ્યુટી કલેકટરના ઓર્ડર ઉપરાંત 4 મામલતદારના પણ ઓર્ડર કરવામાં આવ્યા છે.