બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ 95.92% પરિણામ જ્યારે નર્મદાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછું 11.94% પરિણામ
40,480 વિદ્યાર્થીઓએ એ-2, 86,611 વિદ્યાર્થીઓએ બી-1 જ્યારે 1.29 લાખ વિદ્યાર્થીઓએ બી-2 ગ્રેડ મેળવ્યો
વિદ્યાર્થીઓનું 59.58 ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું 70.62 ટકા પરિણામ: છોકરા કરતા છોકરીઓએ 11.04 ટકા વધુ પરિણામ મેળવ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10 પરીક્ષાનું પરિણામ આજે સવારે જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ ઓનલાઇન પરિણામ જોઇ શકે તેમજ વોટ્સએપ્પ દ્વારા પણ પોતાનું પરિણામ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ-10ની પરીક્ષાનું 64.62 ટકા પરિણામ આજે જાહેર થયું છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 76.45 ટકા પરિણામ જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.75 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 0.56 ટકા પરિણામ ઓછું આવ્યું છે. બીજી બાજુ વાત કરીએ તો બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ 95.92 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે નર્મદાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછું 11.94 ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં રાજ્યના 83 ઝોનના 958 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3125 પરીક્ષા સ્થળો અને 31,784 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 734898 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને 474893 પરીક્ષાર્થીઓનું પરિણામ 64.62 ટકા જાહેર થયું છે. બીજી બાજુ રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થયા તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલા કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓનું પરિણામ 13.9 ટકા આવ્યું છે.
બીજી બાજુ વાત કરીએ તો એ-1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 6311, એ-2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 44480, બી-1ની 86611, બી-2ની 127652, સી-1ની 139248, સી-2ની 67373, ડીની 3412 જ્યારે ઇ-1ની 6 જેટલી સંખ્યા નોંધાઇ છે.
નોંધનીય છે કે આજે ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે માર્કશીટની કોપી માટે વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે. શાળા કક્ષાએથી ટૂંક સમયમાં માર્કશીટની કોપી વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
100% પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 272
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ચાલુ વર્ષે રાજ્યભરમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 272 છે. જ્યારે 2022માં આ સંખ્યા 294ની હતી. એટલે કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 22 જેટલી શાળાઓનું 100 ટકા પરિણામ ઘટ્યું છે.
30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1084
રાજ્યભરમાં આજે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 6 હજારથી વધુ વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 44 હજારથી વધુ વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો છે. ચાલુ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 272 છે. જ્યારે 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1084 થવા પામી છે.
157 શાળાઓનું શૂન્ય પરિણામ
ચાલુ વર્ષે લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ એકદંરે સારૂં આવ્યું છે. જો કે શૂન્ય પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. 157 શાળાઓનું શૂન્ય પરિણામ આવ્યું છે. ગત વર્ષની વાત કરીએ તો 121 શાળાઓનું પરિણામ શૂન્ય હતું. જે આ વર્ષે વધીને 157 થવા પામ્યું છે.