આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આરંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ
ગુજરાતવાસીઓના સૌથી પ્રિય તહેવાર ઉતરાયણ નિમિતે રાજય સરકાર દ્વારા એક સપ્તાહ સુધી અલગ અલગ 10 શહેરોમાં પતંગોત્સવ યોજાશે. જેનો ગઇકાલે અમદાવાદથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આરંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ના શુભારંભ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી કાઇટ ફેસ્ટીવલની પરંપરા વૈશ્વિક ઓળખ બની છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના 2023 ની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ વર્ષનો પતંગ મહોત્સવ આપણે જી-ટ્વેન્ટીની થીમ – ’વસુધૈવ કુટુંમ્બકમ’ સાથે ઉજવી રહ્યાં છીયે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત પ્રથમવાર જી-ર0 દેશોની બેઠકોની યજમાની કરી રહ્યું છે. વડાપ્રધાનએ ભારતની છબી વૈશ્વિક મંચો ઉપર જે રીતે સુદ્રઢ – ઉજળી બનાવી છે તેને કારણે આવા વૈશ્વિક મહાસંમેલનો ભારતમાં યોજાવા લાગ્યા છે. એટલું જ નહિ ગુજરાતને પણ જી-ટવેન્ટીની 1પ જેટલી બેઠકોની યજમાની કરવાની તક મળી છે એ આપણાં ગુજરાત માટે એક ગૌરવની વાત છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતમાં ડિજિટલ ઇકોનોમીથી લઇ ડીફેન્સના ક્ષેત્રે મોટા પાયે બદલાવો આપણે જોયા છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી બની ચૂકયું છે અને સૌથી ઉંચા દરે વિકાસ પણ કરી રહ્યું છે.
બે દાયકા પહેલાગુજરાતમાં જે પતંગોનો વેપાર માત્ર 8 થી 10 કરોડ રૂપિયાનો હતો હવે દેશની કાઇટ ઇન્ડસ્ટ્રીનો 40 ટકા હિસ્સો એકલુ ગુજરાત ધરાવે છે. વાર્ષિક ટર્ન-ઓવર રૂપિયા 625 કરોડ છે અને લગભગ 1 લાખ 30 હજાર જેટલા લોકો પતંગ ઉદ્યોગમાં રોજગાર મેળવે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સ્વાગત પ્રવચન કરતા પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ જણાવ્યું હતું કે, 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર્વનું મહાત્મ્ય છે, ઉત્તરાયણને અબાલ-વૃદ્ધ સહુ સાથે મળી માણીએ છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, સૂર્યનારાયણ ઉત્તરાર્ધ તરફ આવતા હોવાથી આકાશમાં પતંગ ઉડાવી આપણે ઉજવણી કરીએ છીએ, ઉત્તરાયણની ઉજવણીમાં પ્રકૃતિના જતનનો સંદેશ છે. ઉત્તરાયણમાં આકાશ સ્વછ બને છે. જે ઈશ્વર અને માણસના સંદેશા વ્યવહાર ઝડપી બનાવે છે. તેમણે કહ્યું કે, ઉત્તરાયણને પ્રવાસન વિભાગે પોતાના કેલેન્ડરમાં આગવું સ્થાન આપીને આપણી સંસ્કૃતિ અને સભ્યતાને એક આગવી ઓળખ આપવાનો પ્રયાસ કર્યો છે.
મુળૂભાઈ બેરાએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 2 દાયકામાં રાજ્યના વિકાસની ચારેકોર થતી પ્રશંસામાં પતંગોત્સવ પણ અભિન્ન છે. પતંગોત્સવમાં દેશવિદેશના પતંગબજો સહભાગી બને છે. અમદાવાદ સહિત વિવિધ સ્થળો પર પતંગોત્સવનું આયોજન થાય છે. અમદાવાદ સહિત વડોદરા, વડનગર, સોમનાથ, રાજકોટ, ધોલેરા, ધોરડોમાં પતંગોત્સવ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવથી વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધી છે. આવા ઉત્સવોની ઉજવણી થકી રાજ્યના અર્થતંત્રને વેગ મળવાની સાથોસાથ રોજગારીની તકો પણ વધી છે. ઉત્તરાયણના તહેવાર પર વિવિધ રંગો આકાશમાં છવાઈ જાય છે, જે ધાર્મિક વિવિધતામાં એકતા અને ઉલ્લાસના રંગોનું પ્રતીક છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત પતંગોત્સવમાં કુલ 68 દેશોના 125 જેટલા પતંગબાજો, 14 રાજ્યોના 65 પતંગબાજો તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓના 660થી વધુ પતંગબાજો સામેલ થયા છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણીમાંથી અન્ય રાજ્યો શીખ લઈ સંસ્કૃતિ અને પ્રકૃતિનું જતન કરે તે જરૂરી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાંસ,રશિયા, જર્મની, ગ્રીસ, ઇઝરાઇલ, ઇજિપ્ત, કોલમ્બિયા, ડેન્માર્ક, ન્યૂઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, ઈટલી, મેક્સિકો, સાઉથ આફ્રિકા, બેલ્જિયમ, બહેરીન, ઈરાક, મલેશિયા, પોલેન્ડ, મોરેશિયસ, પોર્ટુગલ, સ્વીઝરલેન્ડ, નેધરલેન્ડ, શ્રીલંકા, નેપાળ, જોર્ડન, ઝિમ્બાબ્વે, અલ્જિરિયા, બેલારુસ સહિત 68 દેશો ઉપરાંત ભારતનાં 14 રાજ્યોના પતંગબાજો આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સહભાગી બન્યા છે.