સસ્પેન્ડ થનાર ધારાશાસ્ત્રી ફીની રકમ અને દંડની રકમ ભરી સસ્પેન્શન રદ્દ કરાવી શકશે: બાવન થી વધુ ધારાશાસ્ત્રીઓને રૂ.૧૫ લાખની સહાય ચૂકવવા ભલામણ

બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના રૂલ્સ-૪૦ મુજબ એડવોકેટ દ્વારા ફરજિયાતપણે આજીવન વેલ્ફેર ફીની રકમ ભરવાની જોગવાઈ હોવા છતાં જે એડવોકેટે આજીવન ફીની રકમ નથી ભરી તેવા ગુજરાતના ૬૨૩૮ ધારાશાસ્ત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે લોકો ફી અને દંડની રકમ ભરશે તેઓનું સસ્પેન્શન રદ્દ કરાવી શકશે.

વધુ વિગતો મુજબ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની તાજેતરમાં ચેરમેન દિપેન દવે અને એડવોકેટ વેલ્ફેર કમીટીના ચેરમેન દિલીપ પટેલ તેમજ સભ્યોની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય ચૂકવવામાં આવે છે તે માટે દરેક ધારાશાસ્ત્રીએ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના રૂલ્સ-૪૦ મુજબ આજીવન રૂ.૩૦૦૦ ફરજીયાત ફી ભરવાની થતી હોય છે. જો આ વેલ્ફેરની રકમ કોઈપણ ધારાશાસ્ત્રી ન ભરે તો બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના રૂલ્સ મુજબ સસ્પેન્ડ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે અને સસ્પેન્ડ થનાર ધારાશાસ્ત્રી વેલ્ફેર ફીની રકમ તથા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ નકકી કરેલ દંડની રકમ ભરી પોતાનું સસ્પેન્શન રદ્દ કરાવી શકે છે.

ઉપરાંત આ બેઠકમાં ગુજરાતના ૫૨ થી વધુ ધારાશાસ્ત્રીઓને ૧૫ લાખની સહાય ચૂકવવા માટે ભલામણ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ બાબતની તમામ બાર એસો. અને રાજયની વડી અદાલત, જિલ્લા અને તાલુકા મથકોની અદાલતોને જાણ કરવાનો નિર્ણય લઈ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની વેબસાઈટ પર ધારાશાસ્ત્રીઓની નામની યાદી મુકવાનું નકકી કરવામાં આવ્યું છે.

વેલ્ફેર ફીની રકમ નહીં ભરતા સસ્પેન્ડ કરાયેલામાં રાજકોટના વકીલ જિજ્ઞેશ જેન્તીલાલ વ્યાસ, જીતેન્દ્ર નટવરલાલ, મગનલાલ ડી.વાઘેલા, જીતેન્દ્ર યાજ્ઞીક, ગાયત્રી પ્રસાદ યાજ્ઞીક, વિપુલ આચાર્ય, કૃપાશંકર ઠકકર, જનકકુમાર અઘેરા, સાધના અમીન, ત્રિભુવનદાસ આનંદ, પોપટલાલ અનડકટ અને અમીત હરિષચંદ્ર સહિત ૩૫થી વધુ એડવોકેટો છે. જયારે ભાવનગરનાં ૧૪૮, જામનગરના ૧૬૨, જૂનાગઢના ૧૭૯, મોરબીના ૩૭૬, પોરબંદરના ૪૪ અને સુરેન્દ્રનગરના ૧૪૧ સહિત રાજયના ૬૨૩૮ એડવોકેટને સસ્પેન્ડ કરી પગલા લેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.