- પ્લેન ઓચિંતું રહેણાંક વિસ્તારની પાસે પડતા આગ ફાટી નીકળી : સમગ્ર ઘટના વીડિયોમાં પણ કેદ થઈ
બ્રાઝિલમાં એક મોટી પ્લેન દુર્ઘટનાના સર્જાઈ છે. જેમાં એક સ્થાનિક એરલાઇનનું 68 સીટર પ્લેન અચાનક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ પ્લેન અચાનક કાબૂ બહાર જઈને નીચે પડી ગયું હતું. હાલ અકસ્માત બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન વિશે માહિતી મળી છે કે તેમાં 62 લોકો સવાર હતા, જે તમામના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના બ્રાઝિલના સાઓ શહેરમાં થઈ હતી, સાઓ પાઉલો રાજ્યમાં એક પેસેન્જર પ્લેન અચાનક ક્રેશ થઈ ગયું હતું. અહેવાલ અનુસાર પ્લેનમાં 62 લોકો સવાર હતા, જે તમામના મોત થયા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પ્લેન વિનહેડ સિટી નજીક ઝડપથી નીચેની તરફ પડતું જોવા મળે છે. આ અકસ્માતે સૌને ચોંકાવી દીધા છે. આ વિમાન દુર્ઘટનાને લઈને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડા સિલ્વાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. એક્સ પરના એક વીડિયોમાં તેણે લોકોને એક મિનિટનું મૌન પાળવા કહ્યું.
પ્લેન જે જગ્યાએ પડ્યું છે તે રહેણાંક વિસ્તાર હોવાનું જણાય છે. વિમાન એક ઝાડ પાસે પડ્યું હતું. પ્લેન પડતાની સાથે જ સ્થળ પર આગ ફાટી નીકળી હતી. અહેવાલ મુજબ, તે એટીઆર-72 વિમાન હતું. જે એરલાઇન વોપાસ લિન્હાસ એરિયસ દ્વારા સંચાલિત હતું. પ્લેન પરાના રાજ્યના કાસ્કેવેલથી સાઓ પાઉલોના ગુઆરુલહોસ જઈ રહ્યું હતું. સાઓ પાઉલો ફાયર બ્રિગેડે સોશિયલ મીડિયા પર પ્લેન ક્રેશની પુષ્ટિ કરી છે. એમ પણ કહ્યું કે તેણે સાત ટીમોને અકસ્માત સ્થળ પર મોકલી છે.