ભગવાનને ૬૧૦ કિલો ફળોનો અન્નકુટ ધરી દર્દીઓ અને ગરીબ બાળકોને તેનું વિતરણ કરી ૬૧મો જન્મદિવસ ઉજવ્યો
હળવદ – માળિયા હાઈવે પર આવેલા શ્રીહરિકૃષ્ણધામ – રણજીતગઢ ખાતે પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજ કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ તથા પ.પૂ. અ.નિ. સદ્. શ્રીવિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા તથા પ.પૂ.તપોમૂર્તિ સદ્. શ્રી ભક્તિહરિદાસજી સ્વામીના શુભ સાનિધ્યમાં તા.૧૨ને શુક્રવારના રોજ એક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં સત્સંગી ભાઈઓ – બહેનોએ ઉપસ્થિત રહી ચાતુર્માસના ભક્તિભાવભર્યા વિશેષ નિયમો ગ્રહણ કર્યા હતા અને સંતોના દર્શન આશીર્વચનનો લાભ લીધો હતો.અષાઢ સુદ એકાદશીનો દિવસ એટલે શ્રીહરિકૃષ્ણધામના સંસ્થાપક એવા પ.પૂ. તપોમૂર્તિ સદ્. શ્રી ભક્તિહરિદાસજી સ્વામીનો તિથિ મુજબનો ૬૧મો જન્મદિવસ હોવાથી સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજને ૬૧૦ કિલો ફળફ્રુટનો અન્નકૂટ પૂરવામાં આવ્યો હતો ત્યારબાદ તે મહાપ્રસાદ દર્દીઓને તેમજ બાળકોને અપાયો હતો સાથે શનિ સભાના યુવાનોએ ગરીબ બાળકોને શૈક્ષણિક કીટ પણ આપી હતી અને અન્નદાન પણ કરાયું હતું.
હળવદના રણજીતગઢ હરિકૃષ્ણ ધામના સંસ્થાપક પુ સ્વામીજીએ દિક્ષા લીધી ત્યારથી અન્નનો ત્યાગ કરી ફક્ત ફળાહાર જ ભોજનમાં લે છે ત્યારે આવા સંતશિરોમણિ એવા પૂ.સ્વામીજીના ૬૧મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે આવું સુંદર આયોજન કરાયું હતું.આ નિમિત્તે સંતો અને હરિભક્તોએ ભગવાનની ૬૧ પ્રદક્ષિણા,૬૧ દંડવત, ૬૧ કલાકની સ્વામિનારાયણ મહામંત્રની ધુન,૬૧૦૦ મંત્રજાપ તેમજ ૬૧ વખત જનમંગલ નામાવલિ દ્વારા યજ્ઞનારાયણને આહુતિઓ આપી હતી અને સર્વોપરી શ્રીઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં આદ્યગુરુ કવિસમ્રાટ શ્રી બ્રહ્માનંદ સ્વામીના ૧૦૮ કિર્તનોનું ગાન પણ કર્યું હતું. આ નિમિત્તે શનિ સભાના યુવાનો દ્વારા હળવદ તાલુકાની ગ્રામ્ય વિસ્તારની સરકારી પ્રાથમિક સ્કૂલમાં ભણતા ગરીબ આદિવાસી કુટુંબના બાળકોને નોટબુક તેમજ શૈક્ષણિક સાધનોની સ્ટેશનરી કીટ તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તેમજ સત્સંગ સભામાં પૂ. કોઠારી સ્વામીજી અને સંતોએ આગામી ૧૬/૭ – મંગળવારના રોજ આયોજિત ભવ્ય ગુરૂ પુર્ણિમા મહોત્સવમાં ગુરૂ આશિષ મેળવવા પણ સૌને નિમંત્રણ પાઠવ્યું હતું.