વીજળીની ઘટનામાં 12 લોકોના મોત: રૂ.4 લાખના વળતરની જાહેરાત
ઓડિશામાં શનિવારે ભારે વરસાદ પડયો હતો. આ દરમિયાન છ જિલ્લાઓમાં વીજળી પડવાથી 12 લોકોનાં મોત થયા હતાં. સરકારે મૃતકના પરિવાર માટે ચાર લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
વીજળી પડવાથી ખુર્દા જિલ્લામાં ચાર, બોલાંગીરમાં બે તથા અંગુલ, બોધ, જગતસિંહપુર અને ઢેંકનાલમાં એક એક વ્યકિતનું મોત થયું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વીજળી પડવાથી ખુર્દા જિલ્લામાં પણ ત્રણ લોકો ઘાયલ થયા છે.ઓડિશા સરકારના વિશેષ રાહત કમિશનરે જણાવ્યું છે કે ભુવનેશ્વર અને કટક સહિત ઓડિશાના તટીય વિસ્તારોમાં વીજળી પડવાથી ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની શંકા વ્યક્ત કરી છે.
વીજળી પડવાની ઘટના મામલે હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર ગરમ અને ઠંડી હવાનું મિશ્રણ થતાં વીજળી પડવાની ઘટના બનતી હોય છે. હાળ ઓડિશામાં ભારે ગરમી બાદ વરસાદનું આગમન થતાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના ટુરિઝમ સેક્ટરને જુલાઇ અને ઓગસ્ટમાં 2000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હોટેલ માલિકો નુકસાનને ભરપાઇ કરવા માટે પ્રોત્સાહક પેકેજ જાહેર કરીને પ્રવાસીઓને આકર્ષવાના પ્રયત્નો કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશના જીડીપીમાં ટુરિઝમ સેક્ટરનો ફાળો 14,000 કરોડ રૂપિયાની આસપાસ હોય છે. ભારે વરસાદને કારણે જુલાઇ અને ઓગસ્ટમાં ટુરિઝમ સેક્ટરને બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.