આકારણીમાં એજન્સીઓએ વેઠ ઉતારી: તમામ ૪ લાખ મિલકતોમાં હાથફેરો કરવો પડે તેવી સ્થિતિ: વેરા વળતર યોજના ૩૧મીએ સમાપ્ત
મહાપાલિકા દ્વારા મિલકત વેરાની આકારણીમાં આ વર્ષથી કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આકારણીમાં ખાનગી એજન્સીઓએ વેઠ ઉતારી હોવાનું બહાર આવી રહ્યું છે. આજની તારીખે હજી ૬૦ હજારથી વધુ મિલકતોનું લીંકઅપ કરવાનું બાકી છે. બીજી તરફ ૬૦૦ મિલકતો એવી છે જેમાં કાર્પેટ એરિયા ઝીરો બનાવી રહ્યું છે જેનાથી મહાપાલિકાને કરોડો રૂપિયાની આવક જતી કરવી પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે. આગામી ૩૧મી જુલાઈના રોજ વેરા વળતર યોજના સમાપ્ત થઈ રહી છે.
ટેકસ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કાર્પેટ એરિયાની અમલવારી બાદ એવું ધ્યાનમાં આવ્યું હતું કે, ૧.૨૬ લાખ મિલકતોનું લીંકઅપ કરવાનું બાકી રહી ગયું છે. છેલ્લા ત્રણ માસથી લીંકઅપ કામગીરી ચાલી રહી છે છતાં હજી ૬૦ હજાર જેટલી મિલકતોનું લીંકઅપ કરવાનું બાકી છે. આ માટે કરદાતાઓને મોબાઈલ પર મેસેજ પણ મોકલવામાં આવી રહ્યા છે.
આકારણી દરમિયાન ૧ થી વધુ વાર સ્થળ પર જવા છતાં મિલકત બંધ હોય કે સ્થળ પર કોઈ હાજર ન હોય તેવા કિસ્સામાં મિલકતમાં કાર્પેટ એરીયાની આકારણી થઈ શકી નથી. ૬૦૦ જેટલી મિલકતોમાં કાર્પેટ એરિયા ઝીરો દર્શાવવામાં આવી છે. આવી મિલકતો પાસેથી હાલ માત્ર ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ અને વોટર કનેકશન ચાર્જ જ વસુલવામાં આવી રહ્યો છે.
જો કોઈ કરદાતા સામેથી આવે અને પોતાના બીલમાં કાર્પેટ એરિયા ઝીરો દર્શાવે તેવું કહે તો તેને ફેર આકારણી કરવામાં આવે છે. ૬૦૦ મિલકતોમાં કાર્પેટ એરિયા ઝીરો હોવાના કારણે કોર્પોરેશનની તિજોરી પર લાખો રૂપિયાનું ગાબડુ પડશે એવી ભીતિ દર્શાય રહી છે.
કાર્પેટની માપણી માટે નિયત કરાયેલી એજન્સીએ આકારણીમાં વેટ ઉતારતા હાલ શહેરમાં આવેલી ૪ લાખથી વધુ મિલકતોમાં એક વાર હાથફેરો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જે લોકો વાંધા અરજી કરી રહ્યા છે તેઓની આકારણી થઈ જાય છે બાકીની મિલકતોમાં જે ક્ષતિ રહી જવા પામી છે તે હાલ યથાવત છે.