ચાંદામામા સે ભી પ્યારે મેરે મા’મા…. ચંદ્ર પૃથ્વીનો એક માત્ર કુદરતી ઉપગ્રહ છે જે સૌરમંડળનો પાંચમો અને સૌથી મોટો પ્રાકૃતિક ઉપગ્રહ છે. પૃથ્વી કે જેને આપણે ‘માતા’નું ઉપનામ આપ્યું છે. આ નીલા રંગના ગ્રહમાં જ હાલ માનવજીવન શકય છે. બ્રહ્માંડમાં અન્ય એક પણ એવા ગ્રહ નથી કે જયાં માનવજીવન ને અનુકુળ વાતાવરણ હોય પરંતુ આપણા ઉપગ્રહ એવા ચાંદામામા પર હવા,પાણી અને પ્રકાશનો અવકાશ હોવાનો વર્તારો છે. તાજેતરમાં ખગોળશાસ્ત્રીઓએ ચંદ્રની સપાટી પર બરફનાં સ્વરૂપે પાણીના અવશેષો શોધી કાઢ્યા છે. માત્ર આટલું જ નહિ વૈજ્ઞાનિકોએ તો ચંદ્રના દક્ષિણ-પૂર્વીય ભાગમાં ૪૦,૦૦૦ કીલોમીટરનાં ક્ષેત્રવાળુ લાખો વર્ષ પૂર્વેનું થીજી ગયેલું સરોવર હોવાનું શોધી કાઢ્યું છે. પૃથ્વીના ઉપગ્રહ ચંદ્ર પર પાણીની શોધ અવકાશ સંશોધનો માટે વરદાનરૂ પ સાબિત થશે. અને ચંદ્રની ઉત્પતિ, તેની પર માનવજીવનની શકયતા વગેર જેવા ખગોળીય શોધ કરવા તરફ વૈજ્ઞાનિકોને મોટી મદદ મળશે.
પૃથ્વીના ભૂવૈજ્ઞાનિકા ઈતિહાસની વાત કરીએ તો ૨૫.૮૮ લાખ વર્ષ અગાઉ પૃથ્વી પર ભુવૈજ્ઞાનિક યુગ ચાલતો હતો આ યુગમાં પૃથ્વીના મોટાભાગનાં તમામ ક્ષેત્રો વર્ષોસુધી ગ્લેશિયર એટલે કે બરફથી ઢંકાયેલા રહેતા જેનાથી હીમયુગની શરૂઆત થઈ અને આ જ સમયગાળો જાણે ચંદ્ર પર હાલ ચાલી રહ્યો હોય તેમ દક્ષિણ પૂર્વીય વિસ્તાર બરફથી ઢંકાયેલો જોવા મળ્યો છે. જે ૧૫,૪૦૦ સ્કવેર માઈલ એટલેકે ૪૦,૦૦૦ કીમી કરતા પણ વધુ છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ચંદ્રની સપાટી પરથી હાઈડ્રોજન હોવાના અવશેષો મળ્યા હતા ત્યારબાદ હવે બરફથી થીજેલું સરોવર મળી આવતા ચંદ્ર પર માનવજીવન શકય હોવા તરફની શોધ માટે વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધુ વધ્યો છે. પૃથ્વી સિવાય પણ બ્રહ્માંડના અન્ય ગ્રહો ઉપગ્રહો જેમકે, મંગળ અને ચંદ્ર પર પણ માનવજીવન શકય બને તે માટે અવિરત પણે શોધખોળ ચાલી જ રહી છે. અને આ જરૂરી પણ છે. પૃથ્વી કે જેના પર અરબો વર્ષોથી સજીવો વસવાટ કરી રહ્યા છે. પરંતુ આ પૃથ્વી ખગોળીય કે અન્ય કોઈ વાતાવરણીય ઘટનાને કારણે માનવજીવન માટે અસમર્થ બને તો માનવોએ કયાં જવું ?? શું સમગ્ર જીવસૃષ્ટિનો અંત થઈ જશે? પૃથ્વીનો અંત થતા તમામનો અંત નીવડશે ? આવા પ્રશ્ર્નો ચોકકસપણે ઉદભવે આથી ભવિષ્યની આવી કોઈ ઘટનાથી બચવા અન્ય કોઈ ગ્રહ પર આપણુ ‘ઘર’ વસાવવા માટે આ તરફ અવકાશીય સંશોધનો ખૂબ મહત્વના ધરાવે છે. આ ભાવી ઘટનાનો ઉલ્લેખતો આપણા વડવાઓ હજારો વર્ષો પહેલા કરી ચૂકયા છે. જે ગંગાસતી પાનબાઈના એક ભજન પરથી યર્થાથ કરે છે.જેના શબ્દો હતા ભલે ને ભાંગીને પડે રે. બ્રહ્માંડ…
કળિયુગની અંતમાં ભયંકર, ભૂકંપ, લાવા, દરિયામાં સુનામી જેવી કુદરતી આફતો મંડરાશે જે ક્ષણભરમાં પૃથ્વીને તહસનહસ કરવા સક્ષમ શે તેમ ઘણા પુસ્તકો અને ઐતિહાસીક ગ્રંથોમા જણાવાયું છે હવે આવા સમયે પૃથ્વી પરથી અન્ય ગ્રહ પર સ્થળાંતર કરવું એક માત્ર વિકલ્પ હશે ત્યારે આજની વૈજ્ઞાનિકોની ચંદ્ર પરની આ શોધખોળ અતિમહત્વની અભૂતપૂર્વ સાબિત થશે. ચંદ્રની સપાટી પરથી બરફની શોધ અવકાશયાત્રાની દિશા દશા પણ બદલી નાખશે. કારણ કે અત્યાર સુધી ચંદ્ર પર જવા માટે વૈજ્ઞાનિકોએ પાણી, ખાણ-પાણની વસ્તુઓ લઈ જવી પડતી જોકે, આ શોધથી પાણીની માત્રા ઘટાડી વૈજ્ઞાનિકો હવે, તેની જગ્યાએ અન્ય સાધન સામગ્રીલઈ જઈ શકશે.
જો કે, વૈજ્ઞાનિકોએ આ અંગે જણાવ્યું છે કે, આ પાણી પીવા યોગ્ય છે કે કેમ? તે હવે ચકાસવામાં આવશે તેમજ રોકેટ ઈંધણ માટે આ પાણીનો ઉપયોગ કરાશે જો આમ થશે તો વૈજ્ઞાનિકોની મોટી સફળતા મળશે.