500 સ્વયંસેવકો સ્ટેન્ડ ટુ રહ્યા: હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં વિશ્વભરના 1160 મહાનુભાવો ધર્મસ્તંભના દાતા તરીકે જોડાયા
વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું સમાપન થયું. અમદાવાદના સાયન્સ સિટી સ્થિત નિરમા પ્લોટમાં આયોજિત શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞમાં 7 દિવસમાં ગિરિરાજ ઉત્સવથી લઈ શ્રી કૃષ્ણ-રૂકમણિ વિવાહ સુધીના તમામ ઉત્સવોની રંગેચંગે ઉજવણી થઈ અને પૂજ્ય કથાકાર શ્રી જિજ્ઞેશદાદાના સ્વમુખેથી કથાનું રસપાન થયું. શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞમાં 7 દિવસમાં 60 હજાર વધુ ભાવિ-ભક્તોએ કથાનું રસપાન કર્યું તો 30 હજારથી વધુ ભાવિ-ભક્તો મા ઉમિયાનો રોજે રોજ ભોજન પ્રસાદ લીધો. આજે સવારે આનંદોત્સવની ઉજવણી સાથે 500થી વધુ સ્વંયસેવકોનું સન્માન પણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞની સાથો સાથ વિશ્વઉમિયાધામના હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં વિશ્વભરના સર્વ સમાજના અત્યાર સુધીમાં 1160 મહાનુભાવો જોડાયા છે. ન માત્ર પાટીદાર પરંતુ સનાતન ધર્મના 10થી વધુ સમાજ અને 50થી વધુ અમેરિકા અને કેનેડાના નાગરિકો પણ વિશ્વઉમિયાધામના પાયાના પિલ્લર બન્યા છે.
આજે જાસપુર વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરનો તૃતીય પાટોત્સવ
અમદાવાદના જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાના વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરનો તૃતીય પાટોત્સવની ઉજવણી થશે. જેમાં સવારે ધર્મસભા અને સાંજે જગત જનની મા ઉમિયા મહાઆરતી કરાશે. દિવસભર મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં રક્તદાન કરનાર દરેક ભગીરથીને મા ઉમિયાના પ્રસાદ સ્વરૂપે ગંગાજળ અને સ્મૃતિ સ્વરૂપે વિશ્વ ઉમિયાધામની માટી અપાશે.
ભારતને વિશ્વગુરૂ બનાવવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ કામ કરી રહ્યું છે: આર.પી પટેલ
આ અંગે વધુ વાત કરતા વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભારતને વિશ્વગુરૂ બનાવવાના અભિયાનમાં વિશ્વ ઉમિયાધામનું પાયાનો પિલ્લર અભિયાન સહભાગી થયું અને ભારતને વિશ્વગુરૂ બનાવવાની દિશામાં કામ કરશે. વિશ્વના 1440 મહાનુભાવોને પાયાના પિલ્લર બનવાનો લાભ પ્રાપ્ત થવાનો છે જેમાંથી 1160 મહાનુભાવોને લાભ પ્રાપ્ત થયો છે હવે માત્ર 280 મહાનુભાવોને જ ધર્મસ્તંભનો લાભ પ્રાપ્ત થશે.