ખેડૂતોને ટેક્નોલોજી સાથે જોડવા સરકારનો પ્રયાસ
રાજ્યના ખેડૂતો સ્માર્ટ ફોન વડે કૃષિ લગતી માહિતી અથવા વિવિધ યોજનાની ઓનલાઇન અરજી કરી શકે તે માટે રાજ્ય સરકાર સ્માર્ટ ફોન ખરીદી પર સહાય યોજના અમલમાં મુકી છે. કૃષિ વિભાગે આઇ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટ ફોન સહાય માટે અરજી સ્વિકારવાનું શરૃઆત કરી છે. કૃષિ વિભાગ દ્વારા સ્માર્ટ ફોન ખરીદી માટે ફોનની કિંમતના 40 ટકા અથવા વધુમાં વધુ 6 હજાર સુધીની સહાય ચુકવવામાં આવે છે.દુનિયામાં જે ઝડપે ડિઝીટલ ક્રાંતિ થઈ રહી છે. તે જોતાં ગુજરાતના ખેડૂતો કયાંય પાછા ન પડે અને ર1મી સદીમાં આ ડિઝીટલ ક્રાંતિની સદીમાં સ્માર્ટ ફોનના વ્યાપક ઉપયોગથી કિસાન પણ સ્માર્ટ-સજ્જ બને તેવી નેમ હેઠળ રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ ફોન સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા અનેક સહાય યોજનાઓ અમલમાં મુકી છે એમાંની એક સ્માર્ટ ફોન ખરીદીમાં સહાય. આ સહાયનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈપોર્ટલ ઉપર તા. 14 જૂન સુધી અરજી કરી શકે છે.
ખેડુતોને સ્માર્ટ ફોનની ખરીદી પર આજીવન એક વખત સહાય: અશોક સોજીત્રા
જિલ્લા ખેતીવાડી અધિકારી અશોક સોજીત્રાએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કેરાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે રાજકોટ જિલ્લાના 1307 ખેડુતો માટે 78.42 લાખની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લામાં 1278 ખેડુતોને 74.42 લાખની સહાય ચુકવવામાં આવી હતી. જ્યારે ચાલું વર્ષ 2023-2 4માં રાજ્ય સરકાર દ્વારા 16583 ખેડૂતો માટે 9.94 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના 857 ખેડૂતોને 51.42 લાખની સહાય આપવામાં આવશે.