આજીમાં 15 માર્ચ સુધી અને ન્યારીમાં મે અંત સુધી ચાલે તેટલો જળજથ્થો ઉપલબ્ધ
મેઘરાજાએ અનરાધાર મહેર ઉતારતા રાજકોટની જળજરૂરીયાત સંતોષતા તમામ જળાશયો સતત એક મહિના સુધી ઓવરફલો થયા હતાં. શહેરની વસ્તી અને વિસ્તાર સતત વધી રહ્યો છે. આવામાં જળસ્ત્રોતની સંખ્યામાં કોઈપણ પ્રકારનો વધારો થતો નથી. ડેમો છલકાઈ છતાં માત્ર છ મહિનામાં ખાલી થઈ જાય છે અને રાજ્ય સરકાર પાસે નર્મદાના નીર માંગવા ખોળો પાથરવો પડે છે.
આ વર્ષે સ્થિતિ પ્રમાણમાં થોડી સારી છે છતાં જાન્યુઆરી માસના પ્રથમ પખવાડિયામાં રાજ્ય સરકારને આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવા માટે પત્ર લખવામાં આવશે. આજી ડેમમાં 600 એમસીએફટી અને ન્યારીમાં 300 એમસીએફટી સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવવા માટેની માંગણી કરવામાં આવશે.
આ અંગે મહાપાલિકાનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ, 29 ફુટની ઉંડાઈ ધરાવતાં આજી ડેમમાં હાલ 624 એમસીએફટી પાણી સંગ્રહીત છે. દૈનિક વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે ડેમમાંથી રોજ 5 એમસીએફટી પાણીનો ઉપાડવા કરવામાં આવે છે. બાષ્પીભવન અને ડેટ વોટરનું 150 એમસીએફટી બાદ કરી દેવામાં આવે તો હાલ રાજકોટને 15મી માર્ચ સુધી ચાલે તેટલું પાણી આજી ડેમમાં સંગ્રહીત છે. જ્યારે ન્યુ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના એક માત્ર જળાશય એવા ન્યારી-1 ડેમમાં હાલ 1084 એમસીએફટી જળ જથ્થો સંગ્રહીત છે.
દૈનિક વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે ડેમમાંથી રોજ સાડા ચારથી પાંચ એમસીએફટી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. ન્યારી ડેમ મે મહિનાના અંત સુધી સાથ આપશે. બે પૈકી એક પણ જળાશયમાં ચોમાસા સુધી ચાલે તેટલું પાણી સંગ્રહીત ન હોવાના કારણે રાજકોટ વાસીઓને ચોમાસા સુધી નળ વાટે નિયમીત 20 મીનીટ પાણી પુરૂ પાડી શકાય તે માટે મહાપાલિકા દ્વારા આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે.
ડીસેમ્બર માસ પૂર્ણ થયા બાદ જૂન અંત સુધી પાણીનું વ્યવસ્થાપન ગોઠવવામાં આવશે. જે અંતર્ગત આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત 600 એમસીએફટી નર્મદાનું નીર ઠાલવવા માટેની અને ન્યારી ડેમમાં 300 થી 350 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવા માટેની માંગણી કરવામાં આવશે. આ પત્રમાં એવો પણ ઉલ્લેખ કરાશે કે માર્ચ મહિના ના મધ્ય ભાગમાં આજી ડેમ ડુકી જશે અને શહેરીજનોને પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે ફેબ્રુઆરી અંત કે માર્ચના આરંભથી જ આજીમાં નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવે જ્યારે ન્યારી ડેમમાં મે માસના મધ્ય ભાગથી નર્મદાના નીરની માંગણી કરવામાં આવશે.