સોમનાથ, અંબાજી, દ્વારકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોએ મુસાફરોના ઘસારાને પહોંચી વળવા વધારાની ટ્રીપોની વ્યવસ્થા કરાઈ

રાજ્યમાં હવે તહેવારો શરૂ થતાં મુસાફરો માટે એસ.ટી નિગમે મોટાભાગના સ્થળો પર ટ્રીપો વધારી દીધી છે. જેમાં ગઈકાલથી જ પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ચૂક્યો છે. શ્રાવણ માસમાં તહેવારોની ભરમાર રહેશે. ત્યારે આવા સમયે લોકો બહાર જવાનું વધુ પસંદ કરતા હોય છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા મુસાફરોના ધસારાને ધ્યાનમાં લઈને 600 એક્સ્ટ્રા એસટી બસોનું સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી મુસાફરોને તમામ સ્થળો પર જવા માટે સરળતાથી બસ મળી રહે.

સામાન્ય રીતે રજાઓ અને તહેવાર દરમિયાન સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ડાકોર, ચોટીલા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુસાફરોનું પ્રમાણ વધુ થાય છે. જેથી એસટી નિગમ દ્વારા સ્પેરમાં રખાતી 10% બસમાંથી 600 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન આગામી તહેવારો દરમિયાન કરવામાં આવશે. આગામી સમયમાં જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા તહેવારો આવી રહ્યા છે, આથી મુસાફરોનો વધારે ધસારો હોય છે. આમ ટ્રાફિક એન્ડ માંગ પ્રમાણે નિગમ દ્વારા વધારાનું સંચાલન હાથ ધરાશે. હાલ રાજ્યમાં 6300 જેટલી બસોનું સંચાલન ચાલુ છે. જે 75 ટકા સિટિંગ કેપેસિટી સાથે ચાલે છે. હવે ભીડ વધતા સંચાલન પણ વધશે. જો કે, નિગમે મુસાફરોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા વિનંતી કરી છે.

જોકે રાજકોટ એસ.ટી નિગમ દ્વારા હજુ વધારાની બસો દોડાવાની જાહેરાત કરવામાં આવી નથી. રાજકોટ એસ ટી.આ ડેપો મેનેજર એમ.બી.વરમોરાએ જણાવ્યું હતું કે, જેમ જેમ મુસાફરોનો ઘસારો વધશે તેમ વધુ બસો ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.