રાજકોટના જન્મ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલા ‘મહાદેવ’ આસપાસ નાના-મોટા ૧૦૦ મંદિરો છે

આવતીકાલથી ઉત્સવ પ્રેમી ધર્મ પ્રેમી રાજકોટમાં શ્રાવણીપર્વ માસનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે આજે મહાદેવના સોમવારે શહેરનાં સૌથી પ્રાચીન મંદિરે શિવભકતોની પૂજન અર્ચન માટે ભીડ ઉમટી જોવા મળી હતી.

આજથી લગભગ ૫૫૦ વર્ષ પહેલા સ્વયંભૂ રીતે મહાદેવ અહી પ્રગટ થયા ને જે ‘રામનાથ’ મહાદેવના નામથી સુવિખ્યાત થયા. રાજકોટ વસ્યા પહેલાનો આ ઘાટ મંદિર હોવાથી તે ગ્રામ્ય મંદિર તરીકે પણ જાણીતું છે. આજી નદીનાં બંને વહણો વચ્ચે સુંદર પ્રાકૃતિ વાતાવરણ વચ્ચે બિરાજેલ દેવોના દેવ મહાદેવ મંદિરે કરોડો ભાવીકો સાથે રાજકોટનું આસ્થા બિંદુ છે. જયારે આજી નદીમાં પૂર આવે ત્યારે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે. ભકતો દ્વારા જલાભિષેક સાથે ચોમાસે કુદરત દ્વારા પણ જલાભિષેક થાય છે.

શહેરનો સૌથી પ્રાચિન વિસ્તાર જુનું રાજકોટનું રામનાથપરા ‘છોટેકાશી’ તરીકે જાણીતું થયું છે. અહી લોકો બાધા ટેક રાખીને આવે છે. દર્શને, જોકે ચોમાસામાં મંદિર પાણીમાં ગરકાવ હોવાથી રામનાથનું ઉપમંદિર છે.ત્યાં પૂજન કરે છે. વર્ષોથી અહી સાતમ-આઠમનો મેળો ભરાય છે. વર્ષો પહેલા જૂના રાજકોટ માટે આ મેળાનું મહત્વ હતુ જે આજે પણ બરકરાર છે.

ગુજરાત યાત્રા-પ્રવાસ બોર્ડ દ્વારા ૩ કરોડના ખર્ચે હાલ રામનાથ મહાદેવ મંદિરનો ર્જીણોધ્ધાર થઈ રહ્યો છે. રાજકોટ સ્ટેટ પણ રામનાથ મહાદેવની પૂજા કરે છે. સારા પ્રસંગે પ્રથમ કંકોત્રી ગ્રામ્ય દેવતાના નામે જ હજી લખાય છે.

બારોટના ચોપડાના આધારે આ મંદિર ૫૫૦થી વધુ વર્ષો પહેલા સ્વયંભૂ પ્રગટ થયાનું જણાય છે. અમુક સંતોને લોક વાયકાનાં આધારે એવું પણ જણાય છે કે ગીરનારની સાથે અહિં મહાદેવ પ્રગટ થયા છે. દર શ્રાવણ મહિને અહિ ભકતોની ભીડ જોવા મળે છે. શ્રાવણી સોમવારે ‘રામનાથ દાદાનો ફૂલેકા ઉત્સવ પણ કાઢવામાં આવે છે. આ વર્ષે કોરોના ઈફેકટના પગલે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ શ્રાવણી પર્વ ઉજવાશે

શિખર બંધ નહોય ને ચારે બાજુથી ખૂલ્લા આ મંદિરે કયારેય તાળા લાગતા જ નથી જેથી તે ૨૪ કલાક દર્શનાથે ખૂલ્લુ રહે છે. વિશ્ર્વમાં કદાચ આ પ્રથમ મંદિર હશે જેને દરવાજા નથી. રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં બપોરે ૧૨ વાગે મહાપૂજા સવાર સાંજ મહાઆરતી ને રાત્રે ૯.૩૦ કલાકે ભૈરવ મહાપૂજા કરવામાં આવે છે. મંદિરની બાજુમાં જ આજી નદીનાં બંને વહેણ પર પગથીયા વાળો ઘાટ છે. જયાં સ્નાન પૂજા સાથે યજ્ઞપવિત ધારણ કરવાના ઉત્સવો ઉજવાતા હતા.

vlcsnap 2020 07 20 11h45m32s169

મંદિરે તાળું જ નહીં ૨૪ કલાક ખુલ્લુ!!

રામનાથ મહાદેવ મંદિર શિખર બંધી નથી ખૂલ્લું છે. ચારે તરફથી ખૂલ્લા મંદિરને કયારેય તાળા લાગતા જ નથી કારણ કે દરવાજા જ નથી આ મંદિર વિશ્ર્વનું કદાચ પ્રથમ મંદિર હશે કે જેને કયારેય તાળા લાગતા જ નથી, અને ૨૪ કલાક ‘મહાદેવ’ના દર્શન માટે ભકતજનો આવી શકે છે. તેમ મંદિરના પૂજારી શાંતિગીરી ગૌસ્વામી એ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ.

૧૬ પેઢીથી કરે છે પૂજન-અર્ચન

આજથી ૫૫૦ વર્ષ પહેલા સ્વયંભૂ મહાદેવ પ્રારંભે ૧૦૦ વર્ષ અપૂજ રહ્યા બાદમાં કચ્છ નારણસર કોટેશ્ર્વરથી અહિ સ્થાયી થયેલા ગૌસ્વામી પરિવારે પૂજા શરૂ કરી જે આજ સુધી વંશ પરંપરાગત ચાલી આવી છે. છેલ્લા ૧૬ પેઢીથી આ મહાદેવની પૂજા આ પરિવાર સંભાળે છે.

આજુબાજુનાં મંદિરો

રામનાથ મહાદેવ આજુબાજુ વિવિધ મંદિરો છે. જેમાં બહુચરાજીમંદિર, નાગનાથ, સુખનાથ, ગોપનાથ જાગનાથ, પંચનાથ, બાલા હનુમાન, ગાયત્રી મંદિર, વાઘેશ્વરી શિતળામાતા મંદિર જેવા ૧૦૦થી વધુ મંદિરો પણ ૧૨૫ વર્ષથી જૂના પૌરાણિક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.