રાજ્ય સરકારે ગ્રામ્ય કક્ષાએ ઉત્તમ આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે ૬૦ જેટલા નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવવા માટે મંજૂરી આપી દીધી છે.આ માટે સરકારે ૬૦ કરોડનો ખર્ચ કરવાની તૈયારી પણ રાખી છે.
ગુજરાતમાં હાલની સ્થિતિએ ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સુવિધા આપવા માટે ૮૮૦૧ જેટલા બ સેન્ટરો, ૧૩૯૩ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૩૨૨ જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો અસ્તિત્વમાં છે. ગ્રામ્ય વસતિના પ્રમાણમાં દેશના દરેક રાજ્યોમાં આરોગ્ય કેન્દ્રોની સંખ્યા ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલી છે. તે મુજબ ગુજરાતમાં આરોગ્ય કેન્દ્રોની સંખ્યા વધારાઈ રહી છે. રાજ્ય સરકારે વિવિધ તાલુકાઓમાં ૬૦ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે મંજૂરી આપ્યા બાદ હવે ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સંખ્યા વધીને ૧૪૫૩ જેટલી થઈ જશે. આ તબક્કે આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે,સરકારના આ નિર્ણયના કારણે અંતરિયાળ વિસ્તારોમાં ગ્રામજનોને ઘર આંગણે સમયસર પ્રાથમિક સારવાર મળી શકશે.
વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારે અત્યાર સુધીમાં જે મહત્વના નિર્ણયો લીધાં છે, તેમાં આ એક નિર્ણયનો ઉમેરો થયો છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં આરોગ્ય વિભાગના બજેટમાં સરકારે ૭ ગણો વધારો કર્યો છે. તેની સાથે જ મુખ્યમંત્રી અમૃતમ જેવી યોજનાઓનો લાભ પણ છેવાડાના લોકોને મળે તેવી વ્યવસ્થા ઊભી કરી છે.