વઢવાણ તાલુકાના વડોદ ગામે આવેલા ડેમમાંથી ડેમના ૨ દરવાજા ૧ ફૂટ ખોલી લીંબડીના ભોગાવામાં ૯૬૦ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય ડેમ વિભાગના અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે. ડેમનું પાણી લીંબડી ભોગાવા-૨ નદીમાં છોડવામાં આવશે.
વડોદ ડેમની નીચાણવાળા વિસ્તારમાં આવતા બલદાણા, ઉઘલ, લીયાદ, સૌકા, બોડીયા, લીંબડી, ઉંટડી, ચોકી, જાખણ, ચોરણીયા, ખંભલાવ, પાણશીણા, દેવપરા અને કાનપરા સુધીના ગામોના લોકોને નદીમાં અવરજવર નહીં કરવા માટે તાકેદ કરી દેવામાં આવ્યા છે. આ અંગે વડોદ ડેમના ડેપ્યુટી ઈજનેર આકાશ પટેલે જણાવ્યું હતું કે વડોદ ડેમની સિંચાઈ યોજનામાંથી નીચાણવાળા ચેકડેમો ભરવા માટે પાણી છોડવાનું આયોજન છે. ડેમનું મરામત પણ કરવાનું હોવાથી ડેમ ખાલી કરવો જરૂરી બની ગયો છે. ચોમાસા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
ત્યારે સિંચાઈ માટે પાણી છોડવાની વાત કોઈના ગળે ઉતરે તેમ નથી. કારણ કે વડોદ ડેમનું પાણી છોડવામાં આવશે તો સૌકા-લીંબડીને જોડતો એકમાત્ર માટીનો કાચો પુલ તૂટી જવાની પુરેપુરી શક્યતા છે. સૌકા-લીંબડી વચ્ચેનો પુલ તૂટશે તો સૌકા, લીયાદ અને લાલીયાદ ગામના ૧૦ હજારથી વધુ લોકો સંપર્ક વિહોણા બની જશે તેવો ભય પણ સતાવી રહ્યો છે. ડેપ્યુટી ઈજનેર આકાશ પટેલ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે સૌકા-લીંબડી વચ્ચે કાચો પુલ છે તે વાતથી અજાણ છે.
કાચા પુલની ઊંચાઈ કેટલી છે? સિમેન્ટના કેટલા ભૂંગળા નાખ્યાં છે? કાચો માટીનો પુલ તૂટવાથી બચાવવા માટે શું કરવું તેના માટે તેમની પાસે કોઈ પ્રકારનું આગોતરું આયોજન નહીં હોવાનું પણ જાણવા મળ્યું હતું. જયારે આ અંગે વડોદ ડેમના આસીસ્ટન્ટ ઈજનેર સ્નેહલ પટેલ કહ્યું હતું કે અમે સૌકાના સરપંચના સતત સંપર્કમાં રહીશું. કાચા પુલને કોઈ ક્ષતી ન પહોંચે તે રીતે પાણી છોડવાનો પ્રયાસ કરીશું. સૌકા-લીંબડીને જોડતો કાચો પુલ તૂટશે કે કેમ તે તો સાંજ સુધીમાં ખબર પડી જશે. પરંતુ પુલ તૂટશે અને ૩ ગામના લોકો લીંબડી સાથેનો સંપર્ક તૂટશે તો તેની જવાબદારી કોની રહેશે? તેવા સવાલો ઉઠયા છે.