સારવાર માટે ચાર વિદ્યાર્થીઓને મોરબી અને બેને રાજકોટ ખસેડાયા
હળવદ તાલુકાના ચરાડવા ગામે એન.એલ.અમોદ્રા નર્સિંગ કોલેજની બસ વિદ્યાર્થીઓને લઈને રાજકોટથી પરત ચરાડવા આવી રહી હતી તે વેળાએ બસ પલ્ટી મારી જતા તેમાં સવાર ૨૧ વિદ્યાર્થીઓમાંથી ૬ને ઈજાઓ થવા પામી હતી. જેમાં બે વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. જયારે અન્ય ચારને મોરબી સારવાર આપવામાં આવી હતી.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ખાતે આવેલ એન.એલ.અમોદ્રા નર્સિંગ કોલેજની બસ વિદ્યાર્થીઓને લઈ રાજકોટ ખાતે નર્સિંગની પ્રેકટીકલ પરીક્ષા આપવા ગયા હતા. જે રાજકોટથી પરત ચરાડવા આવવા નિકળતી વેળાએ નર્સીંગ કોલેજની બસ મીતાણા છતર નજીક પલ્ટી મારી જતા તેમાં સવાર છ વિદ્યાર્થીઓને ઈજાઓ થવા પામી હતી. જેવોને પ્રથમ ટંકારા સારવાર આપ્યા બાદ બે વિદ્યાર્થીઓને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. જયારે અન્ય ચાર વિદ્યાર્થીઓને મોરબી ખસેડવામાં આવ્યા હતા.
ઘાયલ થયેલ વિદ્યાર્થીઓમાં પરમાર સાગરભાઈ, ખાંટ વર્ષાબેન, પરમાર જયોતિબેન, પઠાણ સબીનાબેન, પરમાર કલ્પેશભાઈ, ગોહિલ નરેશભાઈ સહિતના ઘાયલ થયાનું જાણવા મળ્યું છે.