વોટરપ્રુફિંગનું કામ કરીને નીચે આવતા સમયે જ લિફ્ટ તૂટી પડતા ભયાનક અકસ્માત સર્જાયો
મહારાષ્ટ્રમાં ભયાનક લિફ્ટ દુર્ઘટના ઘટી છે, જેમાં 6 શ્રમિકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. આ દુર્ઘટના પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું છે. મહત્વનું છે કે, શ્રમિકો 40 માળની બિલ્ડિંગની ઉપર વોટર પ્રૂફિંગનું કામ કરીને લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા.આ દરમિયાન લિફ્ટ તુટી પડતા ભારે અફરા-તફરી સર્જાઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ દુર્ઘટનામાં 6 શ્રમિકોના દર્દનાક મોત નિપજ્યા છે. મૃતકોની ઓળખ 32 વર્ષીય મહેન્દ્ર ચૌપાલ, 21 વર્ષીય રૂપેશ કુમાર દાસ, 47 વર્ષીય હારૂન શેખ, 35 વર્ષીય મિથિલેશ, 38 વર્ષીય કરીદાસ અને 21 વર્ષીય સુનીલ કુમાર તરીકે થઈ છે.
ગતરોજ થાણેમાં આવેલી રુનવાલ નામની નવ નિર્મિત 40 માળની બિલ્ડિંગમાં કામગીરી ચાલી રહી હતી. આ બિલ્ડિંગની છત પર વોટર પ્રૂફિંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બિલ્ડિંગમાં કામ કરી રહેલા શ્રમિકો તેમનું કામ પુરુ કરી લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા. આ દરમિયાન લીફ્ટ અચાનક ધડામ કરતા નીચે પડી હતી. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ લિફ્ટનું દોરડું તૂટવાને કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે શ્રમિકો લિફ્ટથી નીચે આવી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે વધુ તપાસ ચાલી રહી છે.