૧૯ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું: ૮૫ કિલો વાસી અને અખાદ્ય જથ્થાનો નાશ
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરમાં સતત બીજા દિવસે ફરાળી પેટીના ધધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમીન માર્ગ, રૈયા રોડ અને કોટેચા ચોકમાં ૧૯ સ્થળોએ ચેકિંગ દરમિયાન ૬ વેપારીઓને નોટિસ ફટકારી ૮૫ કિલો વાસી અને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય શાખાના અધિકારી અમીત પંચાલે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના અમીન માર્ગ, રૈયા રોડ અને કોટેચા ચોકમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જયાં આરોગ્યપ્રદ સ્થિતિ અને પેટીસ બનાવવા માટે ફરાળી લોટનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ ? તેલનો ઉપયોગ વારંવાર તો નથી કરાતો સહિતની તપાસણી કરવામાં આવી હતી.
જે અંતર્ગત અમીન માર્ગ પર પાયલ ડેરી ફાર્મમાંથી વાસી પેટીસ મળી આવી હતી. રૈયા રોડ પર ભગવતી સ્વીટ એન્ડ નમકીનમાં જમીન પર ચોકડીમાં ખુલ્લામાં બાફેલા બટેકા રાખવામાં આવ્યા હતા અને ફૂડ લાયસન્સ પણ રિન્યુ કરવામાં આવ્યું ન હતું. રૈયા રોડ પર જનતા ડેરીમાં વાસી પેટીસ અને અનહાઈઝેનીંક કંડીશન જણાય હતી.બાલાજી ફરસાણ માર્ટમાં પેટીસ બનાવવા દાઝયા તેલનો ઉપયોગ કરાતો હતો. જયારે કોટેચા ચોકમાં રસીકભાઈ ચેવડાવાળાને ત્યાં પડતર વેફરનો ભુકો અને પ્રિન્ટેડ પસ્તીમાં પેકિંગ કરવામાં આવતું હોવાનું જણાવયું હતું. અંબીકા સ્વીટ એન્ડ ફરસાણમાં પેટીસ અને લોટનો જથ્થો પસ્તીમાં રાખવામાં આવ્યો હોવાનું જણાતા તમામને નોટિસ ફટકારવામાં આવી હતીઅને ૮૫ કિલો જેટલો વાસી, અખાદ્ય અને ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.