જે ગુજરાતી ઉત્તરાખંડના પ્રવાસે છે તે તમામ સલામત
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તારાજી અને ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાથી ચારધામની યાત્રા કરવા ગયેલ ઘણા ગુજરાતી ભાઇ-બહેનો ફસાયા હોવાની માહીતી પ્રકાશમાં આવી છે.ઉત્તરાખંડ સરકારે ફસાયેલ યાત્રાળુઓ માટે હેલ્પલાઇન શરૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. મહેસુલ મંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને માર્ગ-મકાન અને પ્રવાસન મંત્રી પુર્ણેશભાઇ મોદીએ ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓની સ્થિતિ અંગે સમિક્ષા કરી.
ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સતત સંપર્કમાં છે. ફસાયેલા ગુજરાતીઓ માટે ગાંધીનગર ખાતે શરૂ કરેલ કંટ્રોલ રૂમ પર જઇ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જાતે ઉત્તરાખંડની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. ઉત્તરાખંડની ધટના અંગે રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ મીડીયાને માહીતી આપી હતી કે ૮૦ થી ૧૦૦ જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડના પ્રવાસે છે અને 6 જેટલા લોકો કેદારનાથમાં ફસાયા છે જેમને જરૂર પડે તો હેલીકોપ્ટર દ્વારા મદદ કરવામાં આવશે અને રાજય સરકાર દરેક ગુજરાતીઓની ચિંતા કરી છે.
ફસાયેલા દરેક ગુજરાતી ભાઇ-બહેનો માટે જમવાની અને દવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજેન્દ્રભાઇ ત્રિવેદી સતત ઉત્તરાખંડના અધિકારીઓ તેમજ કલેકટર સાથે સતત સંપર્કમાં છે. અને વિશ્વાસ સાથે જણાવ્યું હતું આપણા ગુજરાતી ભાઇ-બહેનો જે ઉત્તરાખંડના પ્રવાસે છે જેમાં મોટા ભાગના ભાઇ-બહેનો સલામત છે અને ગુજરાતી મીડિયાને ઘટનાના સમાચાર પ્રકાશીત કરવા અંગે અભિનંદન પાઠવ્યા હતા.