ભાવનગરનો પરિવાર નર્મદા નદીમાં હોડીમાં મુસાફરી કરતો હતો તે વેળાએ વરસાદ ના કારણે હોડી ઊંઘી વળી જતા ગોઝારો અકસ્માત સર્જાયો
બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક ખંડવા જિલ્લાના ઓમકારેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં મોટી સંખ્યામાં યાત્રીઓ દર્શનાર્થે આવે ત્યારે ગઈકાલે ભાવનગરમાં રહેતા મ્યુન્સીપલ કમિશનરના નિવૃત્ત કર્મચારીના પરિવારને એક ગોઝારો અકસ્માત નડ્યો હતો.પરિવાર હોડીમાં બેસી નર્મદા નદીમાં હતા ત્યારે ભારે પવન અને વરસાદના કારણે પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી હતી. આ બોટમાં સવાર પરિવારના છ લોકો ડૂબવા લાગ્યા હતા. જો કે, આ સમયે ઘટનાસ્થળ પર તરવૈયાઓએ ચાર લોકોને સલામત રીતે બહાર કાઢી લીધા હતા. પરંતુ, કમનસીબે બે વર્ષના દક્ષ નામના બાળકને બચાવી શકાયો ન હતો. જેમાં તેનું મોત નિપજ્યું હતું અને જ્યારે એક વ્યકિત હજી પણ લાપત્તા હોવાથી તેની શોધખોળ હાથધરી હતી.
બનાવની મળતી વિગતો મુજબ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કાર્તિક બેલડિયા અને તેમના સાળાનો પરિવાર પ્રાઈવેટ વાહન લઈ ત્રણ દિવસ પહેલા ફરવા માટે નીકળ્યા હતા અને મધ્યપ્રદેશ આવ્યા હતા. આ લોકો સૌથી પહેલા ઈન્દોર ગયા હતા. ત્યાંથી ઉજ્જૈન મહાકાલના દર્શન કર્યા હતા. ત્યારબાદ આજે ઓમકારેશ્વર પહોંચ્યા હતા. ઓમકારેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ તમામ લોકો સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ નર્મદા નદીમાં બોટીંગ કરવા માટે ગયા હતા. આ સમયે વરસાદ અને ભારે પવનના કારણે બોટનું બેલેન્સ બગડતા બોટ પલટી ગઈ હતી. જેથી બોટમાં સવાર છ લોકો ડૂબવા લાગ્યા હતા. જે પૈકીના ચાર લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે એક બે વર્ષના બાળક દક્ષને સારવાર માટે લઈ જવાતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કાર્તિક બેલડિયા લાપતા થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ઓમકારેશ્વરમાં જે હોડી દુર્ઘટના સર્જાઈ હતી. તેમાં હોડીમાં સવાર રશ્મિન હિંમતલાલ વ્યાસ, નિકુંજ રશ્મિ વ્યાસ, વાણી નિકુંજ વ્યાસ, દક્ષ નિકુંજ વ્યાસ, ડિમ્પલ કાર્તિક બેલડિયા અને કાર્તિક બેલડિયા ડૂબવા લાગ્યા હતા. જેમાં રશ્મિન વ્યાસ, નિકુંજ વ્યાસ, વાણી વ્યાસ અને ડિંકલ બેલડિયાનો બચાવ થયો છે. જ્યારે દક્ષ નિકુંજ વ્યાસનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જ્યારે કાર્તિક બેલડિયા લાપત્તા થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે નદીમાં કેટલાક લોકો ડૂબી રહ્યા છે અને બચાવવા માટે મદદ માગી રહ્યા છે. ત્યારે ઘટનાસ્થળ પર હાજર તરવૈયાઓ નદીમાં કૂદી પડ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.