ઇરાન, આર્જેન્ટિના, ઇથિયોપિયા, ઇજિપ્ત, યૂએઈ અને સાઉદી અરબનેની સદસ્યતા 1 જાન્યુઆરી 2024થી લાગુ થશે
બ્રિક્સમાં છ નવા દેશોને સદસ્યતા મળી ગઇ છે. ઇરાન, આર્જેન્ટિના, ઇથિયોપિયા, ઇજિપ્ત, યૂએઈ અને સાઉદી અરબનો બ્રિક્સમાં સમાવેશ કરાયો છે. આ સાથે બ્રિક્સને હવે બ્રિક્સ પ્લસ નામ આપવામાં આવ્યું છે. જોહાનિસબર્ગમાં ચાલી રહેલી બ્રિક્સની 15મી સમિટમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામફોસાએ આ જાહેરાત કરી હતી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.
રામફોસાએ કહ્યું કે વિસ્તાર પ્રક્રિયાના પ્રથમ ચરણમાં અમારી સહમતિ છે. અન્ય ચરણ તેના પછી થશે. અમે ઇરાન, આર્જેન્ટિના, ઇથિયોપિયા, ઇજિપ્ત, યૂએઈ અને સાઉદી અરબને બ્રિક્સના પૂર્ણ સદસ્ય બનવા માટે આમંત્રિત કર્યા છે. આ દેશોની સદસ્યતા 1 જાન્યુઆરી 2024થી લાગુ થશે.
આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને ખુશી છે કે ત્રણ દિવસની ચર્ચાથી ઘણા સકારાત્મક પરિણામ સામે આવ્યા છે. અમે બ્રિક્સની 15મી વર્ષગાંઠમાં તેનો વિસ્તાર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેવું કે મેં કાલે કહ્યું હતું કે ભારતે બ્રિક્સની સદસ્યતામાં વિસ્તારનું હંમેશાથી પુરી રીતે સમર્થન કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતનો એ મત રહ્યો છે કે નવા સદસ્યોના જોડાવાથી બ્રિક્સ એક સંગઠનના રુપમાં મજબૂત અને અમારા બધાના પ્રયાસોને એક નવું બળ આપનાર હશે. આ કદમથી વિશ્વના અનેક દેશોનો વિશ્વાસ વધારે મજબૂત થશે.
જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટ ચાલી રહી છે. આ સમિટમાં બ્રિક્સ ગ્રુપનો વિસ્તાર સૌથી મુખ્ય સબ્જેક્ટ છે. 40થી વધારે દેશોએ બ્રિક્સમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ દેશોમાંથી 23 દેશોએ તેની સદસ્યતા માટે અરજી પણ કરી છે.
બ્રિક્સ એ પાંચ સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોનું જૂથ છે. તેના નામના જેટલા અક્ષરો છે તે કોઈના કોઇ દેશના નામ પર છે. જેમાં બીથી બ્રાઝિલ, આર થી રશિયા, આઈ થી ઇન્ડિયા, સી થી ચીન અને એસ થી દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. 2001માં બ્રિકશબ્દનો સૌપ્રથમ વખત એક રિસર્ચ પત્રમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે તેમાં એસ અક્ષર દેખાતો નથી કારણ કે ત્યાં સુધી દક્ષિણ આફ્રિકા સમિટ સાથે સંકળાયેલું ન હતું. 2010માં જ્યારે દક્ષિણ આફ્રિકા પણ જોડાયું ત્યારે તેને બ્રિક્સ નામ આપવામાં આવ્યું હતું. હવે તેમા બીજા 6 નવા દેશો જોડાયા છે અને નામ બ્રિક્સ પ્લસ રાખવામાં આવ્યું છે.