બુધવારે ચાર દર્દીઓએ કોરોનાને હરાવ્યો: કોરોનાની લહેરને ઉગતી જ ડામી દેવા સરકારના પ્રયાસો
ચીન સહિત વિશ્ર્વભરના અનેક દેશોમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારતમાં કોવિંડ વેકિસનેશનની કામગીરી સારા એવા પ્રમાણમાં થઇ ગઇ હોવાના કારણે કોરોનાની સંભવીત લહેરનો ખતરો પ્રમાણમાં નહિવત હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. છતાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. રાજયમાં બુધવારે કોરોનાના નવા 6 કેસ નોંધાયા હતા. જયારે ચાર દર્દીઓ કોવિડને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. હાલ રાજયમાં કોરોનાના માત્ર 41 એકિટવ કેસ છે. સૌથી રાહતની વાત એ છે કે એક પણ દર્દી વેન્ટીલેટર પર નથી. રાજકોટ સંપૂર્ણ પણે કોરોના મુકત થઇ ગયું છે.
ગુજરાતમાં કોરોના હાલ સંપૂર્ણ પણે કાબુમાં છે છતાં સરકાર સતર્ક બની જવા પામી છે. ગઇકાલે રાજયમાં નવા 6 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં બે કેસ, ગાંધીનગરમાં એક કેસ, વડોદરામાં એક કેસ, ખેડામાં એક કેસ અને કચ્છમાં નવો 1 કેસ નોંધાયો છે.
બુધવારે કોરોનાના ચાર દર્દીઓ સાજા થયા હતા હાલ રાજયમાં કોવિડના 41 એકિટવ કેસ છે જે પૈકી એક પણ દર્દી વેન્ટીલેટર પર નથી. મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ ઘરેથી જ સારવાર લઇ રહ્યા છે. ગુજરાતમાં કાળમુખો કોરોના 11043 દર્દીઓને ભરખી ગયો છે. ગઇકાલે 4262 લોકોનું વેકિસનેશન કરવામાં આવ્યું હતું. આજ સુધીમાં કોવિડ વેકિસનના 11.77 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
રાજકોટમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર: જરૂર પડે વધુ 1પ0 બેડ ઉભા કરાશે
કોરોનાની વર્તમાન પરીસ્થિતિ અંગેની પૂર્વતૈયારી માટે કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને પંડીત દીનદયાળ હોસ્પિટલ, રાજકોટ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ મિટિંગમાં કલેક્ટરે ચૌધરી હાઇસ્કૂલ કેમ્પસમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવા માટે જરૂરી તમામ સાધસામગ્રી, ઓકસીજન વગેરે વ્યવસ્થા કરવા તેમજ તેને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સજ્જ કરવા તાકિદ કરી હતી. ઉપરાંત સારવાર માટે તબીબો, તજજ્ઞો, નર્સિંગ કર્મચારી, ટેકનીકલ, નોન ટેકનીકલ સ્ટાફ અને વર્ગ-4 ના સ્ટાફ તેમજ એમ્બ્યુલન્સ વાહનની ઉપલબ્ધિ અંગે સમિક્ષા કરી હતી અને કોવિડ-19ના નવા વેરીએન્ટ અંગે ચર્ચા કરી હતી.
હાલ ચૌધરી હાઇસ્કુલ કેમ્પસની કોવિડ હોસ્પિટલમાં 100 દર્દીઓની વ્યવસ્થા છે. ઉપરાંત, જરૂર પડ્યે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના બિલ્ડીંગના ત્રીજા માળે વધુ 50 બેડની અને બાળ કોરોના દર્દીઓ માટે બાળકોની હોસ્પિટલમાં 100 પથારીની વ્યવસ્થા કરવા અંગે ચર્ચા કરી હતી. કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી દવા, સાઘનસામગ્રી, વગેરેની સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી છે.