કૃષિમંત્રી આર.સી.ફળદુના હસ્તે ચેક વિતરણ સમારોહ યોજાયો
જૂનાગઢ કોર્પોરેશન અને જિલ્લાની સાત નગરપાલીકા વિસ્તારનાં વિકાસ માટે રૂા. ૨૪.૩૭ કરોડનાં ચેકોનું આજે કૃષિ મંત્રી આર.સી..ફળદુનાં હસ્તે વિતરણ કરાયુ હતુ. જૂનાગઢ કલેકટર કચેરી ખાતે યોજાએલ ચેક વિતરણ કાર્યક્રમમાં જૂનાગઢ કોર્પોરેશનને રૂા. ૧૮.૨૫ કરોડ, નગરપાલીકા કેશોદ રૂા. ૧.૫૦ કરોડ, માંગરોળ રૂા. રૂા. ૧.૫૦ કરોડ, માણાવદરને ૧.૧૨ કરોડ, બાંટવા, વંથલી, વિસાવદર અને ચોરવાડ નગરપાલીકા દરેકને રૂા. ૫૦-૫૦ લાખનાં ચેક અર્પણ કરાયા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજ્યની તમામ નગરપાલીકા અને મહાનગરપાલીકા માટે રૂા. ૧૦૬૫ કરોડનાં ગાંધીનગરથી ઓન લાઇન ચેક વિતરણ કાર્યક્રમનાં ભાગરૂપે જૂનાગઢ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢ કોર્પોરેશનનો ચેક મેયર ધીરૂભાઇ ગોહેલ અને કમિશ્નર તુષાર સુમેરાને જ્યારે કેશોદ નગરપાલીકાનો ચેક નગરપાલીકા પ્રમુખ યોગેશભાઇ સાવલીયાને અર્પણ કરાયો હતો. અન્ય તમામ ચેક સંબંધિત નગરપાલીકાનાં ચીફ ઓફીસરોને અર્પણ કરાયા હતા.
જૂનાગઢ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘી, કેશોદનાં ધારાસભ્ય દેવાભાઇ માલમ, જૂનાગઢના નાયબ મેયર હિમાંશુભાઇ પંડ્યા, પુનિતભાઇ શર્મા, ભરતભાઇ શીંગાળા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.