રાજય સરકાર દ્વારા આગામી તા.9 જાન્યુઆરીથી ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવી છે. તે પૂર્વે રાજયભરના તમામ જીલ્લા મથકો પર પ્રિવાયબ્રન્ટ યોજવામાં આવી રહી છે. જેમાં રાજકોટ વાયબ્રન્ટની પ્રિ ઇવેન્ટ આજરોજ રોજ રાજકોટના રેજેંસી લગુંન ખાતે યોજવામાં આવી હતી. જે અંગે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. એટલું જ નહીં ખૂબ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો આ પ્રિ ઇવેન્ટમાં જોડાયા હતા.
દેશની અર્થવ્યવસ્થામાં વાઇબ્રન્ટનું એક આગવું મહત્વ : રાઘવજી પટેલ: ઓટો કમ્પોનેન્ટ અને ડીઝલ એન્જિન માટે રાજકોટ સૌથી મોટું ક્લસ્ટર
રાજકોટ ખાતે આયોજીત કરાયેલ આ રાજકોટ વાયબ્રન્ટમાં 1200 કરોડ રૂપિયાથી વધુના એમઓયુ થયા છે. જે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ માટે ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠક યોજવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજનને બિરદાવ્યું હતું. રાજકોટ ખાતે આયોજિત પ્રિ વાઇબ્રન્ટ સમિટમાં કુલ 1200 કરોડ રૂપિયાના છ એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન અને મોરબી સિરામિક એસોસિએશન વચ્ચે થયા છે.
રાજકોટ ખાતે આયોજિત પ્રી વાઇબ્રન્ટ સમિટ માં ઉપસ્થિત રહેલા ઉદ્યોગ સચિવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઇવેન્ટ સીરામીક અને મશીન ટૂલ્સ ઉદ્યોગ માટે ખૂબ ઉપયોગી નીવડશે કારણકે આ ઉદ્યોગોમાં વેગ મળવાની સાથે જ રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ ખૂબ સારો વેગ મળ્યો છે. સમગ્ર દેશમાં સીરામીક નું 90% ઉત્પાદન મોરબી દ્વારા કરવામાં આવે છે ત્યારે આ ક્ષેત્રને એના વિસ્તારને વધુ વિકસિત કરવામાં આવે તે દિશામાં સરકાર હાલ વિચાર કરી રહી છે. ઉદ્યોગ સચિવ જણાવ્યું હતું કે રાજકોટમાં ફાઉન્ડરી અને ફોર્જિંગ આ બંને ક્ષેત્ર ખૂબ મોટા ક્લસ્ટર ઊભા થયેલા છે ત્યારે આ ક્લસ્ટરને યોગ્ય રીતે માળખાગત સુવિધાથી સુસ જ કરવામાં આવે તે માટે આ પ્રકારની સમિટ અત્યંત મહત્વપૂર્ણ અને કારગત નીવડશે.
ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ આવાસ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને સામાજિક ન્યાય અધિકારિતા અને મહિલા બાળ કલ્યાણ અધિકારી વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિમાં આ “આઇકોનિક ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રિ-સમિટ” યોજાઇ હતી. જેનું આયોજન રીજેન્સી લગુન રિસોર્ટ એન્ડ ક્ધવેન્સન ખાતે રાજ્ય સરકાર દ્વારા યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (ટૠૠજ)10ની આવૃત્તિના ભાગરૂપે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરાયું હતું.
રાજ્ય સરકાર રાજકોટ ખાતે યોજાયેલી સિરામિક અંગેની પ્રિ-સમિટના આયોજનનો ઉદ્દેશ સિરામિક ઉદ્યોગના પ્રમુખ હિતધારકોને એક મંચ પર એકત્રિત કરવાનો, રોકાણો આકર્ષિત કરવાનો અને ગુજરાતના સિરામિક તેમજ એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ ઉદ્યોગમાં વિકાસની તકોને ઉજાગર કરવાનો છે.
મંત્રી પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર સિરામિક, શિક્ષણ, બાયોટેક્નોલોજી, એડવેન્ચર ટુરિઝમ, હેલ્થકેર અને લાઈફ સાયન્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વગેરે જેવા ક્ષેત્રોમાં પ્રી-સમિટ સેમિનાર અને કાર્યક્રયોજીમો યોજી રહી છે. રાજકોટ ખાતેની આ પ્રી સમિટનો ઉદ્દેશ નીતિ સુસંગતતા, અસરકારક રોકાણોને સુનિશ્ચિત કરીને સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ માટેના પ્લેટફોર્મ તરીકે ટૠૠજ ને પ્રદર્શિત કરવાનો છે. આ શ્રૃંખલાનો પ્રથમ કાર્યક્રમ સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ પર આધારિત છે.
આ સમિટમાં સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વ ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, અગ્રણી રાજુભાઈ ધ્રુવ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, એમ.એસ.એમ.ઇ. કમિટી ચેરમેન પાર્થભાઈ ગણાત્રા, રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના નરેન્દ્રભાઈ પાંચાણી, મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખશ્રી મુકેશભાઈ કુંડારીયા સહિતના અગ્રણીઓ ઉપરાંત, ઇન્ડિયન સિરામિક સોસાયટીના પ્રેસિડેન્ટ અને પ્રિઝમ જ્હોનસન લિ.ના ઓપરેશન્સ અને બિઝનેસ હેડના પ્રેસિડેન્ટ સુદીપ્ત સાહા, વર્લ્ડ એકેડેમી ઓફ સિરામિક્સના શિક્ષણવિદ ડો. લલિત મોહન મનોકા, ઇન્ડિયાના ટેક્નિકલ સિરામિક્સના મેનેજિંગ ડાયરેક્ટર અને સ્થાપક સંજય સરાવગી, ઇસરો (ઈંજછઘ) સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ગ્રુપ ડાયરેક્ટર નીતિન ઠાકર તેમજ મધરસન ગ્રુપના દેબજ્યોતિ ભટ્ટાચારજી, કલેક્ટર પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી આનંદ પટેલ, એડી.પોલિસ કમિશ્નર વિધિ ચૌધરી, રાજકોટ જી.આઇ.ડી.સી.ના ડી.એમ. આશિષ મારુ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોરભાઈ મોરી, જી.આઇ.ડી.સી.ના પ્રાદેશિક મેનેજર તપન પાઠક, રોનક મન્સૂરી, અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો, શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના જાંબુડિયા પાનેલી રોડ પર સિરામિક પાર્કનું નિર્માણ કરાશે
સમગ્ર દેશ અને વિદેશમાં સીરામીક માટે મોરબી પ્રચલિત છે ત્યારે મોરબીમાં આવેલા સીરામીક યુનિટોને એક તાંતણે બાંધવા અને નવા યુનિટો શરૂ થાય તે માટે પ્રોત્સાહન નીતિ સ્વરૂપે રાજ્ય સરકારે મોરબી પાસે આવેલા જાંબુડીયા પાનેલી રોડ ઉપર સીરામીક પાર્ક ઉભો કરવા માટેનો નિર્ણય લીધો છે. આ ઔદ્યોગિક પાર્ક ઉભો થતાની સાથે જ મોરબીની કાયાપલટ થશે અને સિરામિક ઉદ્યોગને વેગ મળશે. વધુમાં સરકારી અધિકારીઓ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સિરામિક પાર્ક ઉભો કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે ઉદ્યોગને જરૂરી લગતી લોજિસ્ટિક સેવાઓ આંતરરાષ્ટ્રીય હવાઈમથક બંને નજીક હોવાથી આ વિસ્તાર ખૂબ સારી રીતે વિકસિત થશે અને દેશની અર્થવ્યવસ્થામાં સિંહ ફાળો રહેશે.
વિવિધ ક્ષેત્રે થયેલા MOU
1..મોરબી સિરામિક અને રાજકોટ એન્જિનિયરિંગ
2.. વિટ્રીફાઇડ ટાઇલ યુનિટ માટે સનહાર્ટ ગૃપ અને રાજ્ય સરકાર
3… વ્હીલ હબ ટેકનોલજી વિસ્તરણ માટે ઓરબિટ બિયરિંગ અને રાજ્ય સરકાર
4..ફોર્જીંગ યુનિટ વિસ્તરણ માટે સતાની ગ્રુપ અને રાજ્ય સરકાર
5…સીએનસી મશીન ઉત્પાદન માટે જ્યોતિ સીએનસી અને રાજ્ય સરકાર
6…સિરામિક પેનલ ઉત્પાદન માટે મિલેનિયમ ગ્રુપ અને રાજ્ય સરકાર
ગુજરાતના ઉદ્યોગ માટે વાયબ્રન્ટ સમિટ એક વિશાળ વટ વૃક્ષ બની ગયું છે: રાઘવજીભાઈ પટેલ
રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે જે ઉદ્યોગકારો ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપિત નથી કરતા તે તેમની સૌથી મોટી ભૂલ છે અને વાઇબ્રન્ટ ને 20 વર્ષ જેટલો સમય થયો છે એટલે કે બે દાયકા વીતી ગયા છે અને પરિણામ સ્વરૂપે ગુજરાતના ઉદ્યોગો સફળતાના સર્વોચ્ચ શિખર સર કરે છે. વાઇબ્રન્ટ ની મુખ્ય ઇવેન્ટ કે જે જાન્યુઆરીમાં યોજવાની છે તેમાં ત્રણ ક્ષેત્ર માં વધુને વધુ એમઓયુ થાય તે માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં એન્જિનિયરિંગ ક્ષેત્ર, સિરામિક ઉદ્યોગ અને મશીન ટૂલ્સનો સમાવેશ થાય છે. રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્યાંક છે કે દેશની અર્થવ્યવસ્થા પાંચ ટ્રીલીયન ડોલર સુધી પહોંચે પરંતુ આ સિદ્ધિ હાંસલ કરવા માટે ઔદ્યોગિક વિકાસ સૌથી મહત્વનો છે અને ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો આ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે ખૂબ ઉપયોગી અને કારગત નિવડશે.