શહેરમાં વધુ ૧૬ અને જિલ્લામાં ૭ કન્ટેનમેન્ટ ઝોન
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. નવા કેસો આવતા શહેર-જિલ્લામાં ર૩ નવા કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરાયા છે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે, ત્યારે જિલ્લા મેજિ. અને કલેક્ટર રવિશંકર દ્વારા જાહેર કરવામાં આવેલ કોવિડ-૧૯ કન્ટેનમેન્ટ એરિયામાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષ માર્કેટ પાસે ગિરધારી મંદિર ધોબી શેરીની બાજુમાં નંદન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરથી ફીફથ ફલોરના કુલ ૩૦ ફલેટનો વિસ્તાર, શરૂ સેકશન રોડ શિવમ પેટ્રોલપંપ પાછળ અરવિંદ આશ્રમવાળી ગલી ગીરીકંદરા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરથી ફોર્થ ફલોરના કુલ ૮ ફલેટનો વિસ્તાર, પટેલ કોલોની રોડ નં. ૧ શેરી નં. ૧૧ યુગશક્તિ ટેનામેન્ટ સ્વસ્તિક માર્બલ પાસે અવધ મકાન, રમેશ ગણાત્રાના મકાનથી રમેશભાઈ કોટેચાના મકાન સુધી કુલ ૩ રહેણાંક મકાનનો વિસ્તાર, ગોવાળ મસ્જિદ આણંદાબાવાનો ચકલો જલાની જાર પાસે મહાવીર રેડીડેન્સીમાં ગ્રાઉન્ડ ફલોરથી ફીફથ ફલોર સુધીના કુલ ૩૦ ફલેટનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
આણદાબાવા ચકલા પાસે પાઠકફળી હનુમાન મંદિર સામે જય જલારામ મકાન નિલેશ બચુભાઈ સુચકના મકાન મળી કુલ ૬ રહેણાંક મકાનનો વિસ્તાર. રંગમતી પાર્ક, પ્લોટ નં. રપ/એ સરદાર ચોક શેરી નં. ૩ ‘શ્રી’ મકાનના ગ્રાઉન્ડ ફલોરથી સેકેંડ ફલોર સુધીના ર (બે) રહેણાંક ફલેટનો વિસ્તાર., પ૮-દિ.પ્લોટ શેરી નં.૩,માં વિમલભાઈ મંગી તથા સુનિલભાઈ મંગીનું મકાન મળી કુલ બે રહેણાંક મકાનનો વિસ્તાર. રણજીતનગર નંદધામ સોસાયટી પ્રણામી સ્કૂલની સામે કનૈયાલાલ જ્ઞાનચંદ નાથાણીના એક રહેણાંક ફલેટનો વિસ્તાર, શાંતિ હાર્મોની એપાર્ટમેન્ટ રોઝી પેટ્રોલપંપ સામે છઠ્ઠા માળે કુલ ૪ ફલેટનો વિસ્તાર, પ્રગતિપાર્ક દિગ્જામ સર્કલ, અપૂર્વા હાઈટ્સની બાજુમાં કમલેશ રાણાભાઈ રાઠોડ તથા મૂળજીભાઈ ખીમાભાઈ ભુશાના મકાન સિહત ૩ મકાનનો વિસ્તાર, જલાની જાર પાસે બાજરીયાફળી દિપેનભાઈ બી. ત્રિવેદીના ઘરથી નવીનચંદ્ર ગણાત્રાના ઘર સુધીનો પ ઘરનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
ગોવાળની મસ્જિદથી ડાબીબાજુ શાંતિ કૃપા એપાર્ટમેન્ટના ૧ર ફલેટનો વિસ્તાર, ગોકુલનગર-૬ રડાર રોડથી જમણી બાજુ બાબુભાઈ રામવતના ઘરથી સુનિલભાઈ કુશવાના ઘર સુધી અને ડાબી બાજુ વસંતભાઈ કછુભાઈ હાઉસ મળી કુલ પ (પાંચ) મકાનનો વિસ્તાર અને શંકરટેકરી પાણીના ટાંકા સામે સ્વામીનારાયણ મંદિર પાસે જલારામ કૃપા, હિરાભાઈ રાઠોડ, મંગાભાઈ તથા પ્રેમજીભાઈનું મકાન મળી કુલ પ મકાનના વિસ્તારનો સમાવેશ થાય છે. તે ઉપરાંત જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા માંડાસણ ગામમાં આવેલ પ્રથમ જેન્તિભાઈ નારણભાઈ દોંગાના ઘરથી હરસુખભાઈ નારણભાઈ લક્કડના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૮ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
જામનગર જિલ્લાના ધુતારપર ગામના નિષ્ઠાનગરી વિસ્તારમાં લાલજીભાઈ કાબાભાઈ કથીરીયાના ઘરથી છેલ્લે રાજેશભાઈ લક્ષ્મીદાસ દાણીધારીયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ૩ર ૪, જામનગર તાલુકાના આમરા ગામમાં ગધીવાડી વિસ્તારમાં પ્રથમ અમુભાઈ રવજીભાઈ મઘોડીયાના ઘરથી છેલ્લે કંચનબેન વીરજીભાઈ મઘોડીયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૬, જાંબુડા ગામના પટેલવાસ વિસ્તારના લક્ષ્મીનારાયણ મંદિર પાછળના વિસ્તારમાં પ્રથમ મનસુખભાઈ રામજીભાઈ વાઘાણીના ઘરથી અશોકભાઈ દેવરાજભાઈ કાનાણીના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. સિક્કા નગરપાલિકા વિસ્તારના પંચવટી સોસાયટીમાં પ્રથમ બાલાની સાજન મૂળચંદના ઘરથી છેલ્લે સુરેન્દ્રજી ભટ્ટના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૭, ધ્રોલ નગરપાલિકા વિસ્તારના જી.એમ. પટેલ સ્કૂલ બાજુમાં કાન્તિભાઈ કચરાભાઈ રાઠોડના ઘરથી રમેશભાઈ રાઠોડના ઘરસુધીનો વિસ્તાર કુલ ઘર ૩ અને જામજોધપુર નગરપાલિકા વિસ્તારના તિરૃપતિમાં પ્રથમ રાજુભાઈ મૂળજીભાઈ દેલવાડીયાના ઘરથી મુકેશભાઈ અરવિંદભાઈ ફળદુના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૪ નો પણ કન્ટેનમેન્ટ એરિયામાં સમાવેશ કરાયો છે. આ જાહેરનામું તા. ર૭-૭-ર૦ર૦ થી તા. ૯-૮-ર૦ર૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે તેમ જણાવાયું છે.
કોરોનાથી એક જ દિવસમાં વધુ પાંચના મોત નવ પોઝિટિવ
જામનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૫ાંચ કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ થતા ફફડાટ વ્યાપ્યો છે, જ્યારે હાલારમાં ર૪ કલાકમાં વધુ નવ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
સમગ્ર હાલાર પંથક ઉપર કોરોનાનું કાળચક્ર ઘૂમરો મારી રહ્યું હોય તેમ દરરોજ નવા નવા પોઝિટિવ કેસો ઉમેરાઈ રહ્યા છે. આ દરમિયાન ગઈકાલે જામનગરની હોસ્પિટલમાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતાં, જ્યારે હાલારમાં વધુ નવ પોઝિટિવ કેસ નોંધાયા હતાં.
જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દરરોજ નવા નવા દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આ દરમિયાન ગઈકાલે એક જ દિવસમાં જામનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલા વિરજીભાઈ પરમાર, કનૈયાલાલ નાથાણી (ઉ.વ. ૬૮) (રણજીતનગર), નવિનચંદ્ર જયાશંકરભાઈ જોષી (ઉ.વ. ૭ર) (રે. નદીપા-નાગનાથ ગેઈટ), નરસીભાઈ કાનાણી (ઉ.વ. ૭૪) અને ભારતીબેન શાહ (ઉ.વ. ૭૨)ના સારવારમાં મૃત્યુ નિપજ્યા હતાં.
આ ઉપરાંત જામનગર જિલ્લાના વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા હતાં જેમાં એક જ પરિવારના ત્રણનો સમાવેશ થાય છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. જેમાં જામનગર ગ્રામ્ય વિસ્તારના ચાર, શહેર વિસ્તારના ત્રણ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે કેસનો સમાવેશ થાય છે. આમ જામનગર જિલ્લામાં કુલ પોઝિટિવ આંક પ૭૩ નો થયો છે.
કોરોનાથી મોતનો આંક ઓછો બતાવી તંત્ર શું સાબિત કરવા ઈચ્છે છે? લોકોનો સવાલ
ચાલીસેક મોત થયા છતાં તંત્ર ડઝનેક જ બતાવે છે
કોરોના વાયરસે દુનિયાભરમાં ભરડો લીધો છે, ત્યારે જામનગર પણ તેમાંથી બાકાત નથી. એક જ દિવસમાં વધુ ૪ના મોત થયા હતા. અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં ચાલીસેક મૃત્યુ થયા છે. પરંતુ સરકારી ચોપડે એકાદ ડઝન મૃત્યુ જ બતાવાઈ રહ્યાં છે. આંકડા ઓછા દર્શાવીને તંત્ર શું સાબિત કરવા માંગે છે તે જાણી શકાયું નથી.
કોરોનાથી રાજયમાં દરરોજ અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે. દરમિયાન હજુ ત્રણેક દિવસ પહેલા પણ જામનગર ગ્રામ્યના આઠ અને જામનગર શહેરમાં રપ થી ૩૦ મૃત્યુ લેખિત રિપોર્ટમાં દર્શાવાતા હતાં. પરંતે એકાએક ઉપરથી આદેશ મળ્યો અને જામનગરના સંબંધિત તંત્ર દ્વારા મૃત્યુના આંકડામાં મસમોટો ઘટાડો કરી નાંખવામાં આવ્યો છે. ગઈકાલે જામનગર ગ્રામ્યના જાહેર થયેલા રિપોર્ટમાં ચાર અને જામનગર મહાનગરપાલિકાએ જાહેર કરેલા રિપોર્ટમાં પાંચ મળી જિલ્લાના કુલ નવના મૃત્યુ થયા હોવાનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આમ ૩૦ થી વધુ મૃત્યુ હોવાનું સરકારી ચોપડે નોંધાયું હતું. જેમાં સુધારો કરીને નવનો આંકડો કરી નાંખવામાં આવ્યો છે. શા માટે…? સરકાર મોતના આંકડા છુપાવવા માંગે છે…? જો કે, સત્તાવાળાઓ ખૂલાસો કરતા જણાવે છે કે, માત્ર કોરોનાના કારણે મૃત્યુ થયા હોય તેને જ કોરોનામાં મૃત્યુ ગણવામાં આવે છે. પરંતુ કોરોના પોઝિટિવ હોય, પરંતુ અન્ય બિમારી સાથે હોય અને મૃત્યુ થાય તો તેને કોરોનાથી મૃત્યુ ગણવામાં આવતા નથી. તો સરકારી ચોપડે અત્યાર સુધી શા માટે દર્શાવાયા…? અને હવે રાતોરાત આંકડા ગાયબ કરી દેવાનો હેતુ શું…? તે અંગે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. જો કે, આ બધી બાબતો વચ્ચે એટલું તો સ્પષ્ટ છે કે, જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ અને મૃતકોની સંખ્યા સતત વધી રહી છે.