જુન સુધી જો કોઈ હપ્તા નહિ ભરે તો તે લોન ડિફોલ્ટ ગણાશે નહિ: બેંકોને વર્કિંગ કેપિટલની ચુકવણી પર વ્યાજ મોકૂફ રાખવાની મંજુરી
કોરોના વાયરસથી સંક્રમણથી બચવા માટે સરકારે લોકડાઉનની અમલવારી કરાવી છે. આ લોકડાઉન દરમિયાન ઉદ્યોગ ધંધા રોજગાર બંધ રહેશે, જેથી મધ્યમવર્ગીય લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. આવી સ્થિતિમાં સરકારે થોડી રાહત આપી છે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ભારતીય અર્થતંત્રને પ્રોત્સાહિત કરવાના હેતુથી આગામી ત્રણ મહિના સુધી બેન્ક લોનના હપ્તા ભરવામાંથી મુક્તિ આપી છે.
સામાન્ય લોકોને અને નાના ઉદ્યોગકારો માટે મહત્વની જાહેરાત કહી શકાય તે એ હતી કે આગામી ત્રણ મહિના સુધી જો કોઈ વ્યક્તિ કે કંપની હોમ લોન, કોર્પોરેટ લોન, પર્સનલ લોન સહીતની વિવિધ લોનના હપ્તા નહિ ભારે તો પણ ચાલશે. આ ઉપરાંત ધિરાણ આપતી કંપનીઓ, બેંકોને ત્રણ મહિના સુધી વર્કિંગ કેપિટલની ચુકવણી પર વ્યાજ મોકૂફ રાખવાની મંજૂરી છે. કોરોનાના કારણે ઉભી થયેલી વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્ક દ્વારા નિર્ણય કરાયો છે કે આવતા ત્રણ મહિના સુધી લોનના હપ્તા નહિ ભરી શકનાર વ્યક્તિ કે પેઢી કે કંપનીઓ સામે કોઈ શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે નહી. દાસે એમ પણ કહ્યું કે ૧ માર્ચ ૨૦૨૦ના રોજ બાકી રહેલ લોનના હપ્તાઓની ચુકવણી અંગે ત્રણ મહિનાની મુદત નક્કી કરવામાં આવી છે.
નિયમ પ્રમાણે જો કોઈ લોનના હપ્તા અથવા તો EMI સતત ત્રણ મહિના સુધી ચુકવતા નથી તો તે લોનને બેડ લોનની કેટેગરીમાં શામેલ કરવામાં આવે છે અને લોન લેનાર વ્યક્તિ કે કંપનીને ડિફોલ્ટર જાહેર કરવામાં આવતા હતા.
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, વાસ્તવિક અર્થવ્યવસ્થામાં આર્થીક તાણના સંક્રમણને રોકવા માટે દેવાની સર્વિસિંગને લગતા બોજને ઘટાડવાથી, ધિરાણ લેનારાઓને રાહત મળે છે અને આ રીતે અર્થતંત્રમાં રહેલા સ્ટ્રેસને થોડો ઘટાડી શકાય છે.
રેપો રેટમાં ૦.૭૫ ટકાનો ઘટાડો
રેપો રેટમાં પણ ૦.૭૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેનાથી તમામ પ્રકારની લોન સસ્તી થશે. રેપો રેટ એ દર છે જેની પર બેન્કોને આરબીઆઈ પાસેથી લોન મળે છે. બેન્કોને સસ્તી લોન મળશે તો તેઓ ગ્રાહકો માટે રેટ ઘટાડશે. રેપો રેટ પહેલા ૫.૧૫ ટકા હતો, હવે તે ઘટીને ૪.૪૦ ટકા થઈ ગયો છે.