૧૪૮૮ બોટલ શરાબ અને વાહન મળી રૂ.૧૩.૯૪ લાખનો મુદામાલ કબજે
દારૂ પકડાયા પણ પોલીસ મુળ સુધી પહોંચી શકી નથી કે પહોંચતી નથી !!
૩૧ ફર્સ્ટની ઉજવણી માટે મોટાપાયે વિદેશી દારૂ સૌરાષ્ટ્રમાં ઘુસાડવા બુટલેગરો સક્રિય હોવાની મળેલી માહિતીના આધારે રાજકોટ-લીંબડી ધોરી માર્ગ પર બેટી ગામના પાટીયા પાસેથી એસઓજીએ આઈસરમાં કપ-રકાબીના બોકસની નીચે છુપાવેલો રૂા.૬ લાખની કિંમતનો ૧૪૮૮ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં દારૂ-જુગારની બદીને કડક હાથે ડામી દેવા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી.ના પી.આઈ આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એ.એસ.સોનારા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે અમદાવાદ તરફથી યુ.પી. ૫૦ બી.ટી.૯૯૧૪ નંબરના આઈસરમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યાની કોન્સ્ટેબલ સમીરભાઈ શેખ અને અજીતસિંહ પરમારને મળેલી બાતમીના આધારે બેટી ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન પુરપાટ ઝડપે આવતા આઈસરને અટકાવી તલાશી લેતા તેમાં કપ-રકાબીની આડમાં છુપાવેલો રૂા.૬ લાખની કિંમતનો ૧૪૮૮ બોટલ વિદેશી દારૂ સાથે ટ્રકના ચાલક રાજસ્થાનના આજમ આસખાન છારોરાની ધરપકડ કરી દારૂ અને વાહન મળી રૂા.૧૩.૯૪ લાખની કિંમતનો મુદામાલ કબજે કરી ઝડપાયેલી શખ્સની પુછપરછ હાથધરી છે. જેમાં આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો અને કોણે મોકલ્યો તે અંગે તપાસનો ધમધમાટ આદર્યો છે.