સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ
ચોટીલામાં સાડા ત્રણ ઇંચ, ભાવનગરમાં અઢી ઇંચ, વીંછીયામાં પોણા બે ઇંચ, ચુડા- ઘોઘા- પાલીતાણામાં દોઢ ઇંચ અને માણાવદરમાં એક ઇંચ વરસાદ
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૦ તાલુકાઓમાં વરસાદ: વહેલી સવારે પોરબંદર, ભાવનગર, જૂનાગઢ અને ગિરસોમનાથ સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બીજો રાઉન્ડ શરૂ કરી દીધો છે. જેમાં ઘણા સ્થળોએ છુટોછવાયો વરસાદ નોંધાયો છે. અમરેલી પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જેના પગલે સુરેન્દ્રનગરની નાવલી નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને અનેક દુકાનોમાં નદીના પાણી ઘુસ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મેઘરાજા ફરી મન મુકીને વર્ષી રહ્યા છે. રાજ્યના ૧૪૦ તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાવરકુંડલામાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે શહેરની મધ્યમાથી પસાર થતી નાવલી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના કારણે બજારની અનેક દુકાનોમાં પાણી ઘુસ્યા હતા. ભારે નુકસાની પણ નોંધાઇ છે. આ ઉપરાંત ચોટીલામાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ભાવનગરમાં અનરાધાર અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. પરિણામે ઠેર ઠેર પાણી ભરાયાની બુમરાળ ઉઠી છે.
આ સાથે રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. જેમાં સૌથી વધુ વીંછીયામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. કોટડાસાંગાણીમાં અડધો ઇંચ, જસદણમાં ૮ મીમી તેમજ રાજકોટ શહેર અને પડધરીમાં ઝાપટા નોંધાયા હતા. વધુમાં સુરેન્દ્રનગરના ચુડામાં દોઢ ઇંચ, ભાવનગરના ઘોઘામાં અને પાલિતાણામાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માણાવદરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર સાર્વત્રિક મેઘમહેર રહી હતી.
- ન્યારી-૧, છાપરવાડી-૧, વર્તુ-૨ અને ભોગાવો-૨ ડેમમાં નવા નીરની આવક
સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ૪ ડેમોમાં નવા નિરની આવક થઈ છે. જેમાં રાજકોટના ન્યારી-૧ ડેમમાં ૦.૧૬ ટકા સપાટી વધી છે. જ્યારે છાપરવાડી-૧ ડેમમાં ૦.૬૬ ટકા સપાટી વધી છે. આ ઉપરાંત વર્તુ-૨ ડેમમાં ૦.૦૩ ટકા પાણીની સપાટી વધી છે. સુરેન્દ્રનગરના ભોગાવો-૨ ડેમમાં ૦.૧૬ ટકા પાણીની સપાટી વધી છે.