એનડીઆરએફ, કોસ્ટગાર્ડ અને નેવીની ટીમ ખડેપગે: સાંસદ રાજેશ ચૂડાસમાએ માછીમારો સાથે કરી મૂલાકાત
અબતક, અતુલ કોટેચા, વેરાવળ
ઉના તાલુકાના નવા બંદર ખાતે ભારે પવન અને તોફાની સમુદ્રી મોજાના કારણે હજુ સુધી ગુમ 6 માછીમારોને બચાવવા તંત્ર સતત ખડેપગે દિવસ રાત મહેનત કરી રહ્યું છે. આ ઘટનામાં કુલ 8 લાપતા થયેલા માછીમારોમાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે. આમ, હજુ 6 જેટલા લાપતા માછીમારોની શોઘખોળ માટે એનડીઆરએફ, કોસ્ટગાર્ડ, નેવી અને મરીન પોલીસની ટીમ સંયુકત રીતે કામ કરી રહી છે.
આ તારાજીનો તાગ મેળવવા સાંસદ રાજેશભાઇ ચુડાસમા નવાબંદર જેટી ખાતે પહોંચ્યા હતા. સાંસદએ બંદરના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી સ્થાનિક માછીમાર સમાજના આગેવાનો પાસેથી નુકસાનીની વિગતો જાણી હતી. સાથે જ તેમણે રાજ્ય સરકાર દ્વારા તમામ મદદ માટે રજૂઆત કરવાનું જણાવ્યું હતું. બાદમાં રાહત- બચાવની કામગીરી કરી રહેલ તંત્રના મુખ્ય અઘિકારીઓ સાથે ચર્ચા કરીને માછીમારોની શોઘખોળની કામગીરી ઝડપભેર કરવા સૂચના આપી હતી.
નવાબંદર ખાતે બુધવારની મોડીરાત્રીના બે કલાક સુઘી ફુંકાયેલ ભારે તોફાની પવનના કારણે 10 જેટલી ફિશીંગ બોટોએ જળસમાઘિ લેતા તેમાં રહેલ 12 માછીમારો લાપતા બન્યા હતા. જેના પગલે ગઇકાલથી જ તંત્રએ કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર, વેસલ બોટ અને નેવીના ચોપર પ્લેન મારફત રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ચાર માછીમારોને જીવિત બચાવી લેવામાં આવ્યા હતાં. ઉપરાંત બચાવ કામગીરી વધુ તેજ બનાવવા માટે ગઇકાલ મોડી સાંજે 25 સભ્યોની એનડીઆરએફની ટીમ નવાબંદર પહોંચી હતી.
NDRF, કોસ્ટાગાર્ડ, નેવી, મરીન પોલીસની ટીમોએ હેલીકોપ્ટર, વેસલ બોટ અને સ્પીડ બોટો મારફત લાપતા 7 માછીમારો તથા પાંચ બોટોની રાતભર શોઘખોળ કરી હતી. જેમાં વ્હેલીસવારે નવાબંદરના માછીમાર રામુભાઇ દેવાભાઇ બાંભણીયા (ઉ.વ.44)નો મૃતદેહ બંદરમાં જેટી પાસેથી મળી આવ્યો હતો. નવાબંદર ખાતે થયેલ આ તારાજીના કારણે માછીમારો, ફિશીંગ બોટો અને બંદરને થયેલ નુકસાનીની વિગતો એકત્ર કરવા માટે ફીશરીઝ વિભાગની ટીમએ પણ મુલાકાત લઇ કાર્યવાહી હાથ ધરી છે.
સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, આ સમગ્ર ઘટના ઉપર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સતત નજર રાખી રહ્યા છે. તેમજ ભારે પવન અને તોફાની સમુદ્રી મોજાને કારણે જે માછીમાર ભાઈઓને જે નુકસાન થયું છે. તેની સહાય ચૂકવવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત પણ કરવામાં આવશે.
સાંસદ રાજેશભાઈ ચુડાસમાની નવા બંદર ખાતેની મુલાકાત દરમિયાન જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન હરીભાઇ સોલંકી, ઉના પ્રાંત અધિકારી જે.એમ રાવલ, મામલતદાર રાહુલ ખાંભરા, ફિશરીઝ ડિરેક્ટર તુષાર પુરોહિત સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.