સીસીટીવી રૂમને બદલે પરીક્ષા નિયામક્ની જૂની ઓફિસમાં પેપર કેમ રખાયા?: તપાસ દરમિયાન 22 જેટલા બોકક્ષ ખુલ્લા પણ શીલ કોઈનું તૂટ્યું ના હતું તે પણ શંકા ઉપજવી રહ્યું છે
રાજ્યમાં પેપર ફૂટવાની ઘટના તો જાણે સામાન્ય હોય તેમ સ્પર્ધાત્મક પરીક્ષાથી લઈ યુનિવર્સિટીના પેપરો ફૂટી રહ્યાં છે. આ મુદ્દે ઉમેદવારો ગુજરાત સરકાર પર રોષ ઠાલવી રહ્યા છે અને સરકાર પેપર ફૂટવાની દરેક ઘટનામાં નાની માછલીઓ સામે કાર્યવાહી કરીને મામલાને રફેદફે કરી દે છે તેવા આક્ષેપો થઇ રહ્યા છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કાંડ મામલે એચ.એન કોલેજના ટ્રસ્ટી ડો.નેહલ શુક્લનું મોટું નિવેદન સામે આવ્યું છે.
જયારે પેપરલીક કાંડનો મામલો સામે આવ્યો ત્યારે તપાસમાં એવી વાત પણ સામે આવી હતી કે કોલેજોમાંથી પરત આવેલા પેપરોના 22 બોક્સ ખુલેલા જોવા મળ્યા હતા તો શુક્લ કોલેજનું જ નામ કેમ સામે આવ્યું? સીસીટીવી રૂમને બદલે પરીક્ષા નિયામક્ની જૂની ઓફિસમાં પેપર કેમ રખાયા? આ તમામ પ્રશ્નો હાલ સામે આવી રહ્યા છે.
નેહલ શુકલએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટાર વિરુદ્ધ બદનક્ષી બદલ 5 કરોડ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિરુદ્ધ બદનક્ષીબદલ 6 કરોડનો દાવો કરીશું. નેહલ શુક્લએ કહ્યું કે, પૂર્વ કુલપતિ પછીના સત્તાધીશોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિસ્ટમને ખોખલી કરી દીધી છે. કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ગિરીશ ભીમાણીએ આંકડાશાસ્ત્ર ભવનમાં રિસીવિંગ સેન્ટર રાખ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં ક્યારેય ત્રણ પરીક્ષાઓ લેવામાં આવી નથી અને હવે ત્રણ પરીક્ષાઓ લેવાય છે જે વિદ્યાર્થીઓના હિતમાં પણ નથી.
વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, પેપરલીક થયું તે પહેલાં યુનિવર્સિટીની પરિસ્થતિ લકવાગ્રસ્ત હતી. 24 કલાક પહેલા પેપર કોલેજોને આપવામાં આવ્યા હતાં. તેમણે કહ્યું કે, આ બધો પૈસાનો ખેલ છે.
કોર્પોરેટર અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડૉ. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, પેપર લીક કાંડમાં થયેલી ફરિયાદ અમારી કોલેજને અને કર્મચારીને બદનામ કરવાનું ષડ્યંત્ર છે. પેપર જ્યારે કેન્દ્ર પર આવ્યા અને પરત લઇ ગયા તે સમગ્ર પ્રક્રિયા વીડિયો રેકોર્ડિંગ સાથે કરવાની હોય છે. અમારી કોલેજમાંથી પેપર સીલબંધ કવરમાં રેકોર્ડિંગ કરીને જ લઇ ગયા હતા ત્યારબાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ આ પેપર સીસીટીવીની નિગરાનીમાં રાખવાને બદલે જ્યાં કેમેરા નથી ત્યાં રખાવ્યા. ત્યારબાદ સીલ તૂટેલું હોવાનું બતાવી દીધું અને અમારી કોલેજનું નામ વહેતું કર્યું.
પોલીસમાં પણ કોઈ સીસીટીવી રજૂ કરાયા નથી. અમારી કોલેજને બદનામ કરવા બદલ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખ સામે 5 કરોડ અને કુલપતિ સામે 6 કરોડનો બદનક્ષીનો દાવો માંડીશું.
એફએસએલના રિપોર્ટ પર પૂરો ભરોષો, તેના આધારે જ ફરિયાદ કરાઈ: કુલપતિ ભીમાણી
સમગ્ર મામલે અબતક મીડિયાએ કુલપતિનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, એફએસએલ દ્વારા સાયન્ટિફિક રીતે રિસર્ચ કરવામાં આવ્યું છે અને તેના આધારે જ યુનિવર્સીટીએ ફરિયાદ કરી છે અને તે આધારે કાર્યવાહી થઇ રહી છે. જે પેપરો પરત આવ્યા તેમાં બીબીએ-બી.કોમના સાથે પેપર આવ્યા હતા જેમાં અમુક બોકસ કે જે ખુલ્લા જોવા મળ્યા હતા પરંતુ શીલ બંધ જ હતા. રહી વાત નેહલ શુક્લના આક્ષેપોની તો તેમાં હું કઈ જાણતો નથી અને આ મામલે કોઈ રાજકારણ છે નહિ હું કુલપતિ તરીકેનીફરજ બજાવી રહ્યો છું.
સમગ્ર મામલે એફએસ એલના રિપોર્ટ મુજબ જ કાર્યવાહી થઇ રહી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ હોવાથી એચ.એન. શુક્લ કોલેજ સામે પણ પગલાં લેવાશે કે કેમ તે અંગે કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, રિપોર્ટના આધારે આ કોલેજ સામે ફરિયાદ કરી છે. અગાઉ પણ જે કોલેજમાં પેપર ફૂટ્યા હતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, આ કેસમાં પણ આ સમગ્ર બાબત સિન્ડિકેટ સભ્યો સમક્ષ મૂકવામાં આવશે અને ત્યારબાદ જે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે