૭૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો: નમુના ફેઈલ જતા ૫ વેપારીઓને ૩૧,૦૦૦ની પેનલ્ટી
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા જનઆરોગ્યનાં હિતાર્થે અલગ-અલગ વિસ્તારોમાંથી ૬ સ્થળોએથી ચીકીના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રાત્રી બજારમાં રાઉન્ડ દરમિયાન ૮૮ રેકડી અને દુકાનોમાં ચેકિંગ કરી ૭૮ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે દરમિયાન નમુના નાપાસ જાહેર થતા એડિશનલ કલેકટર દ્વારા પાંચ વેપારીઓને ૩૧,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા આજે સંતકબીર રોડ પર જનતા તાવડામાંથી લુઝ ગોળ-શીંગની ચીકી, પેડક રોડ પર મનમોહન સિઝન સ્ટોર્સમાંથી લુઝ ગોળ-દારીયાની ચીકી, કેસરી હિંદ પુલના છેડે જયસીયારામ ગૃહ ઉધોગ અને સિઝન સ્ટોર્સમાંથી લુઝ કાળા તલના લાડુ, જિલ્લા ગાર્ડન પાસે બાપુનગર મેઈન રોડ પર સ્વીટી માર્કેટીંગમાંથી લુઝ તલ-ગોળની ચીકી, જલારામ સિઝન હાઉસમાંથી જલારામ બ્રાન્ડ મિકસ ચીકી અને પેડક રોડ પર બાલક હનુમાનજી મંદિર સામેથી લુઝ તલ અને માંડવીની મિકસ ચીકીનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ફુડ સેફટી ઓફિસર દ્વારા ટાગોર રોડ, મહિલા કોલેજ અંડરબ્રીજવાળો રોડ, આકાશવાણી ચોક, જામનગર રોડ, રેસકોર્સ રોડ પર રાત્રી બજારમાં રાઉનડ દરમિયાન ૮૮ રેકડી અને દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ૮૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો.
અગાઉ આરોગ્ય શાખા દ્વારા સોમનાથ સોસાયટીમાં મહાદેવ માર્કેટીંગમાંથી કટક-બટક બ્રાન્ડ, ફરાળી ફુલવડી, લક્ષ્મી ગૃહઉધોગમાંથી ફરાળી ફુલવડી, ૮૦ ફુટ રોડ પર પંચશીલ એપાર્ટમેન્ટમાં ગોકુલ ડેરી ફાર્મમાંથી ગાયનું લુઝ દુધ, મનહર પ્લોટમાં ફ્રેશ એન્ટરપ્રાઈઝમાંથી નેચર ગો પ્રિમીયમ પેકેજ ડ્રિકીંગ વોટર અને સર્ગોન એગ્રો કેરમાંથી નેચર ગો પ્રિમીયમ પેકેજ ડ્રિકીંગ વોટરનો નમુનો લેવામાં આવ્યો હતો જે પરીક્ષણમાં નાપાસ જાહેર થતા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઈ મુજબ રેસીડેન્સ એડિશનલ કલેકટર દ્વારા રૂા.૩૧,૦૦૦ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.