આરોગ્ય શાખામાં અલગ-અલગ ભરતી માટે લોકડાઉનનાં કારણે પેન્ડિંગ ૧૬ જેટલી પરીક્ષાઓ જુલાઈમાં લેવાય તેવી સંભાવના
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં ખાલી પડેલી ૧૧ મેડિકલ ઓફિસરોની જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં ૬૪ ઉમેદવારોએ અરજી કરી છે. અગાઉ ૩૪ ઉમેદવારોનાં ઇન્ટરવ્યુ લેવાયા બાદ આજે ૩૦ ઉમેદવારોનાં ઈન્ટરવ્યુ લેવાની માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં માત્ર ૭ જ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય શાખામાં અલગ-અલગ જગ્યાની ભરતી માટે લોકડાઉનનાં કારણે પેન્ડીંગ રહેલી ૧૬ જેટલી પરીક્ષાઓ જુલાઈ માસમાં તારીખનું એલાન કરવામાંં આવશે.
અલગ-અલગ આરોગ્ય કેન્દ્રોમાં ૧૧ મેડિકલ ઓફિસરોની ભરતી માટે અગાઉ અરજીઓ આવી હતી જેમાં ૬૪ ઉમેદવારોએ રસ દાખવ્યો હતો. ગત સપ્તાહે ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા જેમાં ૩૪ ઉમેદવારો હાજર રહ્યા હતા. કોઈ ઉમેદવારને લોકડાઉનનાં કારણે અન્યાય ન થાય તે માટે આજે ફરી ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.અગાઉ ગેરહાજર ૩૦ ઉમેદવારોને આજે ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા જેમાં માત્ર ૭ જ ઉમેદવારો જ હાજર રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, ડીએમસી પ્રજાપતિ, ચીફ ઓડિટર શાહ, આરોગ્ય અધિકારી ડો.રીંકલ વિરડીયા અને સિવિલ હોસ્પિટલનાં સુપ્રીટેન્ડેન્ટ ડો.મનિષ મહેતા દ્વારા ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. હાલ મેડિકલ ઓફિસરને ૩ વર્ષ સુધી ફિકસ રૂા.૪૯,૫૦૦નું વેતન આપવામાં આવશે ત્યારબાદ તેઓની કામગીરી સંતોષકારક જણાશે તો તેઓને કાયમી કરવામાં આવશે અને નિયમાનુસાર વેતન મળશે.
આરોગ્ય શાખામાં ફિમેલ હેલ્થ વર્કર, મેઈલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ વર્કર સહિતની જગ્યાઓ ભરવા માટે ૧૬ જેટલી પરીક્ષાઓ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ લોકડાઉનનાં કારણે પરીક્ષા લેવાઈ શકી નથી. આ ૧૬ પરીક્ષાઓ લેવા માટે જુલાઈ માસમાં તારીખનું એલાન કરાશે.