અમદાવાદમાં સૌથી વધુ આધાર ધરાવતા લોકો : દેશમાં 130.20 કરોડ લોકો પાસે આધાર
હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના સાંસદ વિનોદ ચાવડાએ પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાત રાજ્યમાં કેટલા લોકોને આધાર કાર્ડ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે અત્યાર સુધી ગુજરાતમાં 6.55 કરોડ લોકોને આધારનો આધાર આપવામાં આવ્યો છે. અમદાવાદમાં સર્વાધિક 78.03 લાખ ત્યારે બોટાદમાં 2.35 લાખ લોકોને આધાર આપવામાં આવ્યો છે.
સમગ્ર દેશના આંકડો જણાવતા તેઓએ કહ્યું હતું કે ભારતમાં હાલ 130.20 કરોડ લોકો પાસે આધાર કાર્ડ છે. આધારકાર્ડની પ્રોસેસ શરૂ કરવામાં આવી ત્યારે તેને ગંભીરતાથી લેવામાં આવ્યું નહોતું. પરંતુ ધીરેધીરે બેંક ખાતાઓની સાથે સાથે દરેક ઠેકાણે આધારકાર્ડ ફરજિયાત બનાવી દેવામાં આવતા હવે આધારકાર્ડ વિનાનો ભારતીયને ભારતનો નાગરિક ગણવામાં આવતો નથી. પ્રત્યેક નવી જન્મતી વ્યક્તિ માટે આધારકાર્ડ કઢાવી લેવો જરૂરી છે અને જેવી રીતે આધારકાર્ડનો વ્યાપ વધી રહ્યો છે અને દરેક ઠેકાણે તેની જરૂરીયાત ઊભી થઈ રહી છે.
આધાર કાર્ડ ની ગંભીરતાને ધ્યાને લઈ લોકો કે જેમની પાસે આધાર કાર્ડ નથી તેઓ આધાર મેળવી રહ્યા છે અને પરિણામ સ્વરૂપે આંકડામાં વધારો પણ નોંધાઈ રહ્યો છે. હાલમાં સરકાર દ્વારા આગામી તા.14મી સપ્ટેમ્બર સુધી ફ્રીમાં આધારકાર્ડ અપડેટ કરાવી શકાશે તેવી યોજના અમલમાં મુકવામાં આવી છે. સામાન્ય દિવસોમાં આ માટે ચાર્જ વસૂલ કરવામાં આવે છે. જે લોકોએ આધારકાર્ડ કઢાવ્યાના 10 વર્ષ પછી પણ પોતાની માહિતી અપડેટ કરાવી નથી તેમણે આધારકાર્ડમાં અપડેશન કરાવવું જરૂરી છે. લોકો આધારકાર્ડના સેન્ટરની સાથે પોસ્ટઓફિસમાં પણ આધારકાર્ડમાં સુધારા કરાવી શકે છે. લોકો ઘરેથી જ ઓનલાઈન પણ આધારકાર્ડમાં સુધારા કરી શકે છે.