કેન્દ્ર બિંદુ તજાકિસ્તાન : ભારતના જમ્મુ-કાશ્મીર, દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉ.પ્ર., પંજાબ, હરિયાણામાં ભૂકંપની અસર
ગઈકાલે રાત્રે ભૂકંપના આંચકાને કારણે દિલ્લી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોની ધરા ધ્રુજી ઉઠી હતી.તાજિકિસ્તાન, પાકિસ્તાન અને ભારત તથા દેશના ૭ રાજ્યોમાં રાત્રે ૧૦:૩૧ વાગ્યાની સુમારે ભૂંકપના ભારે આંચકા અનુભવાયા હતા. દિલ્હી એનસીઆર, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિત સંપૂર્ણ ઉત્તર ભારતમાં આ આંચકા અનુભવાયા હતા. જોકે તેનાથી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનમાં જમીન નીચે ૧૦ કિ.મી. ઊંડે હતું. તેની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર ૬.૩ મપાઈ હતી. ભૂકંપના ડરથી અનેક લોકો ઘરોથી બહાર દોડી આવ્યા હતા. અમૃતસરમાં અમુક ઘરોમાં તિરાડ પડી હોવાના અહેવાલ હતા. જ્યારે રાજસ્થાનના બિકાનેરમાં પણ શુક્રવારે ૪.૩ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિકાનેરથી લગભગ ૪૨૦ કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં હતું. આ ભૂકંપ ભારતીય સમયનુસાર સવારે ૮:૦૧ વાગ્યે આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર, દિલ્હીમાં લોકો ગભરાટને કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. મોડી રાત સુધી ઘરમાં જતાં ડરતા હતા.
ભારત આશરે ૪૭ મી.મી. પ્રતિ વર્ષની ઝડપે એશિયા સાથે અથડાઈ રહ્યું છે
ઉલ્લેખનીય છે કે ભારત આશરે ૪૭ મિલીમીટર પ્રતિ વર્ષની ઝડપે એશિયા સાથે અથડાઇ રહ્યું છે. ટેક્ટોનિક પ્લેટોમાં આ ટક્કરને કારણે જ ભારતીય ઉપખંડમાં અનેકવાર ભૂકંપ આવતા રહે છે. ગુજરાતના કચ્છમાં ૨૦૦૧માં આવેલા આવા જ ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે ભૂજળમાં ઘટાડો થવાથી ટેક્ટોનિક પ્લેટોની ગતિ ગત થોડાક સમયમાં ધીમી પડી છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ ૬ કે તેથી વધુના રિક્ટર સ્કેલ પર આવતા ભૂકંપ ખતરનાક હોય છે. તાજિકિસ્તાનમાં શુક્રવારે બપોરે પણ ભૂકંપના ૨ આંચકા આવ્યા હતા.
ભારતીય ઉપમહાદ્વીપમાં અનેક વિસ્તારોમાં જોખમ
ભારતને ભૂકંપના ક્ષેત્રના આધારે ઝોન-૨, ઝોન-૩, ઝોન-૪ અને ઝોન-૫માં વહેચવામાં આવેલુ છે. ઝોન-૨ સૌથી ઓછું જોખમ ધરાવતા વિસ્તારો અને ઝોન-૫ એટલે સૌથી વધારે જોખમ ધરાવતા વિસ્તારો માનવામાં આવે છે. ઝોન-૫માં કાશ્મીર, પશ્ચિમી અને મધ્ય હિમાલય, ઉત્તર અને મધ્ય બિહાર, ઉત્તર-પૂર્વ ભારતીય ક્ષેત્ર, કચ્છનું રણ તથા આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહનો સમાવેશ થાય છે.
મધ્ય ભારત ઓછા જોખમવાળા ઝોન-૩માં આવે છે. જ્યારે દક્ષિણના મોટાભાગના વિસ્તારો મર્યાદિત જોખમવાળા ઝોન-૨માં આવે છે. જ્યારે ઝોન-૪માં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કીમ, ઉત્તર બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
બે મહિના પહેલાં પણ અનુભવાયા હતા આંચકા
ગત વર્ષે ડિસેમ્બરમાં પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૪.૨ હતી, જેનું એપિ સેન્ટર રાજસ્થાનનું અલવરમાં હતું. ૬ કે તેનાથી વધુની તીવ્રતાવાળો ભૂકંપ ખતરનાક હોય છે.ભૂગર્ભ વૈજ્ઞાનિકો મુજબ, ભૂકંપનું સાચું કારણ ટેક્ટોનિક પ્લેટમાં જોરદાર હલચલ હોય છે. આ ઉપરાંત ઉલ્કા પ્રભાવ અને જ્વાળામુખી વિસ્ફોટ, માઈટ ટેસ્ટિંગ અને ન્યૂક્લિયર ટેસ્ટિંગના કારણે પણ ભૂકંપ આવતા હોય છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ સ્કેલ પર ૨ કે ૩ ની તીવ્રતાવાળો ભૂકંપ સામાન્ય ગણાય છે, જ્યારે ૬ની તીવ્રતાવાળો ભૂકંપ શક્તિશાળી ગણાય છે.
જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી
રાજ્યના ભૂતપુર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે વર્ષ ૨૦૦૫ના ભૂકંપ બાદ કોઈ આંચકાએ ઘરની બહાર નિકળવા માટે મજબૂર કરી દીધા છે. મે એક કાબળો ઉઠાવ્યો અને ભાગ્યો. ધરતી હલી રહી હતી, તો મને ફોન સાથે લેવાનું પણ યાદ ન રહ્યું.