- રાજ્યના 6.28 લાખ વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપી
- સરકારી સ્કૂલ-RTEના વિદ્યાર્થીઓનું મેરિટમાં નામ આવશે તો 1 લાખથી વધુની મળશે શિષ્યવૃતિ
ગુજરાતભરમાં આજે સરકારી શાળામાં ભણતા અને RTE હેઠળ પ્રવેશ મેળવેલા ધોરણ-5માં ભણતા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટેની સામાન્ય પ્રવેશ પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા તેમજ RTE હેઠળ પ્રવેશ લેનારાં ધોરણ-5નાં 6.28 લાખ બાળકોએ 2,558 સેન્ટર પરથી આ ખાસ પરીક્ષા આપી હતી. આ પૈકી મેરિટમાં જેના નામ આવે એવાં બાળકોને આગળ અભ્યાસ કરવા માટે રૂ. 1 લાખ કરતાં વધુની સ્કોલરશિપ મળશે. રાજકોટ જિલ્લામાં પણ 113 સેન્ટર ખાતે આ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ન્યૂ એરા સ્કૂલના 117 સહિત કુલ 22,018 જેટલા છાત્રોએ આ પરીક્ષા આપી હતી.
આદિજાતિના વિદ્યાર્થીઓની ધો.6ના પ્રવેશ માટે અલગ પરીક્ષા નહિ લેવાઈ
ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સમાં ધો. 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરિટના આધારે સ્કોલરશિપ યોજના શરૂ કરાઈ છે. વર્ષ 2025-26થી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની સ્કૂલો (એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRS) અને સૈનિક સ્કૂલ)માં આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)માં મેરિટમાં સમાવેશ થયેલા આદિજાતિના વિદ્યાર્થીઓને ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે. આ માટે કોઈ અલગથી પરીક્ષા લેવામાં આવશે નહિ.
પરીક્ષાઓ માટે ખાસ SOP તૈયાર
ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાનું સુચારુ આયોજન અને સંચાલન થાય, ઉમેદવારો વિશ્વાસપૂર્વક અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષામાં કોઇપણ પ્રકારની અવ્યવસ્થા કે ગેરરીતિ ન થાય એ માટે આ પરીક્ષાઓ માટે ખાસ SOP તૈયાર કરવામાં આવી છે. ગુજરાતનાં તમામ સેન્ટરો પર આજે 11:00થી 1:30 સુધી ચાલનારી પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
120 ગુણના 120 MCQ પ્રશ્નો પુછાયા
આ ઉપરાંત 22,000 બાળકને સ્કોલરશિપ આપવામાં આવશે, જેમાં ધોરણ 6થી 8માં 20 હજાર, ધોરણ 9-10માં 22 હજાર અને ધોરણ 11-12માં 25 હજાર સ્કોલરશિપ આપવામાં આવશે. આ પરીક્ષામાં તાર્કિક ક્ષમતા કસોટી, ગણિત સજ્જતા, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી વિષયના 120 ગુણના 120 MCQ પૂછવામાં આવ્યા હતા. એમાં રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 113 સેન્ટર પરથી 22,018 વિદ્યાર્થી સામેલ થયા હતા.
50 સ્કૂલમાં 30,000 બાળકને પ્રવેશ અપાશે
પ્રાપ્ત વિગત મુજબ, ગુજરાતમાં આજે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં RTE હેઠળ ધોરણ 5માં અભ્યાસ કરતા 6,28,174 વિદ્યાર્થી 2,558 પરીક્ષા કેન્દ્રો ઉપરથી ધોરણ 6થી 12માં સ્કોલરશિપ માટે CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા આપી હતી, જેમાં ગુજરાતી માધ્યમમાં 6,20,678 વિદ્યાર્થી અને અંગ્રેજી માધ્યમમાં 7,496 વિદ્યાર્થી હતા. એ માટે રાજ્યની જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષા શક્તિ સ્કૂલ મળી 50 સ્કૂલમાં 30,000 બાળકને પ્રવેશ આપવામાં આવશે.
મળતી માહિતી અનુસાર વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાઈ છે, જેમાં સરકારી સ્કૂલના અને RTE અંતર્ગત પ્રવેશ લેનારા ધો. 5ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષામાં જેનું મેરિટમાં નામ આવે તે વિદ્યાર્થીઓને સરકાર તરફથી આગળના અભ્યાસ માટેની રૂ. 1 લાખથી વધુની સ્કોલરશિપ આપવામાં આવે છે.
રાજકોટ શહેર-જિલ્લાના 113 સેન્ટરમાં પરીક્ષા યોજાઈ
ગુજરાતમાં લગભગ 6 લાખથી વધુ બાળકો આ પરીક્ષા આપી રહ્યાં છે. આ માટે રાજકોટ શહેરમાં 25-30 મળી જિલ્લામાં કુલ 113 સેન્ટર પર પરીક્ષાનું આયોજન થયું છે. અમારા ન્યૂ એરા સ્કૂલના સેન્ટરમાં 117 બાળક આ પરીક્ષા આપી રહ્યાં છે. આ પરીક્ષામાં જનરલ નોલેજની સાથે બાળકોને અભ્યાસમાં જે આવતું હોય એના MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પરીક્ષાથી છાત્રોને આગળના અભ્યાસમાં મદદ મળે એવા સરકારના પ્રયાસ હોય છે. આ બાળકો ધો. 8માં આવે ત્યારે જ્ઞાન સાધના અને જ્ઞાન સહાયકની પરીક્ષા પણ આપી શકે છે.