સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં છેલ્લા એક મહિનાથી વારંવાર આવતા ભુકંપનાં આંચકાને લઈ લોકોમાં ગભરાહટનો માહોલ ફેલાયો છે. ગઈકાલે વહેલી સવારે કચ્છનાં દુધઈમાં ૩.૧ની તીવ્રતાનો આંચકો આવ્યા બાદ મોડીરાત્રે ૧:૧૫ વાગ્યે કચ્છનાં ખાવડામાં ૨.૧ની તીવ્રતાનો ભુકંપ આવતા લોકો ફફડી ગયા હતા જોકે ભુકંપને લઈ કોઈ જાનહાનીનાં સમાચાર પ્રાપ્ત થયા નથી.
સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટનાં જણાવ્યા મુજબ મોડીરાત્રે ૧:૧૫ કલાકે કચ્છનાં ખાવડામાં ૨.૧ રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો નોંધાયો હતો જેનું કેન્દ્રબિંદુ ખાવડાથી ૩૯ કિલોમીટર દુર નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. છેલ્લા બે દિવસમાં કચ્છમાં ભુકંપનાં ત્રણ આંચકા નોંધાયા છે જેને લઈ લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
અગાઉ સૌરાષ્ટ્રમાં ૧૬મી જુલાઈએ ૪.૧ની તીવ્રતાનો ભુકંપનો આંચકો નોંધાયો હતો. આ આંચકાની સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લામાં અસર દેખાઈ હતી અને આ ભુકંપને લઈને સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારોમાં મકાનમાં તિરાડ પડી હોવાનું પણ જાણવા મળ્યું હતું.કચ્છમાં વારંવાર ભુકંપનાં આંચકા અનુભવાતા હોય છે જોકે સૌરાષ્ટ્રમાં નવી ફોલ્ટ લાઈન સર્જાતા ભુકંપનાં આંચકા આવે છે.