નવી નવી ટેક્નોલોજી થી આપણે હંમેશા પ્રભાવિત જ રહીએ છીએ. પછી એ ભલે આપણી જરૂરિયાત હોય કે શોખ. પણ હકીકત એ છે નવી ટેક્નોલાજી એક સિક્કા જેવી હોયછે જેની હંમેશા 2 બાજુઓ હોય છે. ટેક્નોલોજી ની સારી બાજુ નો ઉપયોગ સર્જનાત્મક રીતે કરવા માટે માણસ માત્ર ની વિવેક બુદ્ધિ કામ કરે છે. હાલ ના સમય-સંજોગો અને ઝડપી જીવન શૈલી ના કારણે ટેક્નોલોજી ની બંને બાજુઓ નું વિશ્લેષણ થતું જ નથી અને જે આવ્યું તે વાપર્યું અને ફોરવર્ડ કર્યું એવા માઈન્ડ-સેટ થી સમાજ આગળ વધે છે. વાત કરીએ 5જી સેલ્યૂલર ટેક્નોલોજી ની. સામાન્ય રીતે વાયરલેસ ટેક્નોલોજી અને સેલ્યૂલર ટેક્નોલોજી ને એક જ ગણવામાં આવેછે.
પરંતુ ટેક્નિકલી બંને અલગ છે. જેમકે વાયરલેસ ટેક્નોલોજી એટલે ડેટા ટ્રાન્સફર થ્રુ ઇન્ફ્રારેડ, બ્લ્યુટૂથ, વાઇ-ફાઇ, ઝીગ-બી વગેરે અને સેલ્યૂલર/મોબાઈલ ટેક્નોલોજી એટલે 1જી, 2જી, 3જી વગેરે. અને 4જી વાઈમેક્સ/એલ.ટી.ઈ. એટલે વાયરલેસ ટેક્નોલોજી અને સેલ્યૂલર ટેક્નોલોજી નું મિશ્રણ. એટલે કે મોબાઈલથી જ વોઇસ અને વોઇસ ઓવર ડેટા ટ્રાન્સમિશન. 1જી ટેક્નોલોજી દુનિયા માં વર્ષ 1980 થી શરુ થઇ અને અંદાજિત દર 10 વર્ષે નવી નવી સેલ્યૂલર ટેક્નોલોજી માર્કેટ માં આવેછે. સામાન્ય રીતે 1જી ટેક્નોલોજીનું મુખ્ય ઉદ્દેશ વોઇસ કોમ્યુનિકેશનનો હતો. 2જી મેસેજ, 3જી ઈન્ટરનેટ ઍક્સેસ, 4જી એપ્લિકેશન ડાઉન લોડ, વિડિઓ સ્ટ્રીમિંગ વગેરે અને 5જી એટલે આજ બધા ઉદેશો પાર પાડવા અને એ પણ એક્સટ્રિમલી હાઈ સ્પીડ સાથે. જેમ કે થોડી જ સેકંડો માં મૂવી ડાઉનલોડ કરવું, એક સાથે વધારે ડીવાઈસનો આઈ.ઓ.ટી (IoT ) દ્વારા કંટ્રોલ વગેરે.
અહીં વાત છે હાઈ સ્પીડની અને આ ડેટા સ્પીડ વધારાવા ના મુખ્ય હેતુ ના લીધે જ 5જી ટેક્નોલોજી હંમેશા વિવાદો ના વમળ માં ઘેરાયેલી રહી છે. 4જી હોય કે 5જી, ડેટા સ્પીડ વધારવા માટે સેલ્યૂલર કોમ્યુનિકેશનમાં અલગ અલગ ડાઇવર્સિટી ટેક્નિકનો ઉપયોગ થાય છે. જેમ કે ટાઈમ, ફ્રીકવનસી અને સ્પેસ ડાઇવર્સિટી. પરંતુ 5જી નો મુખ્ય વિવાદ શરુ થયો હોય તો તેના ફ્રીકવન્સી બેન્ડ ના લીધે જે 3.2
GHz જેટલી હાઈ ફ્રીકવન્સી થી શરુ થાય છે. વાયરલેસ કોમ્યુનિકેશનના ફંડામેન્ટલ પ્રમાણે જેમ સિગનલની ફ્રીકવન્સી વધારે તેમ તેનો એર લોસ પણ વધારે. એટલે કે જેમ હાઈ ફ્રીકવન્સીના સિગનલ જયારે ટ્રાવેલ કરે ત્યારે તેનું એટેન્યુએશન વધારે થાય છે અને આગળ જતા સિગનલ વધારે નબળા પડે છે. અને જો મોબાઈલમાં રિસીવ સિગનલનું પાવર લેવલ ઘટી જાય તો સિગનલ કવરેજના ઇસ્યુ આવે. જેને દૂર કરવા 5જી ટેક્નોલોજીમાં બીમ ફોર્મિંગ ટેક્નિક વાપરવામાં આવે છે જેના લીધે સિગનલને ડાઇવર્સિટી ગેઇન મળે છે અને જરૂરી પાવર લેવલ જળવાઈ રહે છે. પરંતુ અર્બન એરિયામાં જુના અથવા નબળા ઇન્ફ્રાસ્ટ્રકચરના લીધે હાઈ ફ્રીકવન્સીના સિગનલનું વધારે ફેડિંગ થાય છે અને બીમ ફોર્મિંગ ટેક્નિક હોવા છતાં પણ ઘણીવાર સિગનલ પાવર ઘટે છે. જેના લીધે કવરેજ ના ઇસ્યુ દૂર કરવા સિગનલ પાવર વધારવો પડે છે. બસ આ સિગનલ પાવર વધારવા થી જ 5જી ટેક્નોલોજી ના વિવાદોનું મૂળ ચાલુ થાય છે અને છેલ્લા 5 વર્ષો થી તે અલગ અલગ સ્વરૂપે વિવાદો નું કેન્દ્ર બન્યું છે.